Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Aas-Pass
 

વિશ્વમાં નરનો અંત, નારીનો ઉદય

 
Source: Aaspas, Kanti Bhatt   |   Last Updated 12:57 AM [IST](25/08/2010)
 
 
 
 
 
દેશ-વિદેશમાં નારીના ઉત્કર્ષ અંગે નિષ્ણાતોનું રસપ્રદ સર્વેક્ષણ

૨૧મી સદીમાં નારીના અનેરા મહત્વ વિષે લખવું તે હવે સૂરજ સામે દીવો ધરવા જેવું છે. તમે ઇચ્છો કે ન ઇચ્છો સમગ્ર જગતની નારી કાઠું કાઢવા માંડી છે. મેક્કીન્સી ગ્લોબલ ઈન્સ્ટિટયૂટે ત્રણ વર્ષે પહેલાં ભારતની નારીનું અર્થતંત્રમાં કેટલું મહત્વ છે તે જણાવ્યું હતું. ભારતના મિડલ કલાસની નારીઓ મોટરકાર પસંદ કરવાથી માંડીને પતિ ફ્લેટ ખરીદે તેમાં તેનો જ આખરી નિર્ણય આપે છે. ‘‘ન્યૂઝ વીકે’’ લખેલું કે હવે ૧૫ વર્ષમાં ભારત જર્મનીને આંટી દઈને કન્ઝયુમર માર્કેટમાં ચોથું કે પાંચમું સ્થાન ધરાવશે. પરંતુ આજે આ લેખમાં મારે માત્ર ભારતની જ નહીં પણ જગતભરની નારીઓનું કેટલું બધું મહત્વ છે તે અમેરિકન લેખિકા હન્ના રોઝીનની નજરે લખવું છે. તેણે ‘હાઉ વિમેન આર ટેકિંગ કંટ્રોલ ઓફ એવરીથિંગ-ધ એન્ડ ઓફ મેન’ નામનો વિશ્વ સ્તરનો લેખ લખ્યો છે તે વિષે કહેવું છે. જાણે નરનો અંત અને નારીનો ઉદય!

લેખિકાએ ૧૬૨ દેશોમાં સ્ત્રીની સંતાનની જાતિમાં પસંદગીનો સર્વે કર્યો તો તે તમામ દેશોની સ્ત્રીઓને પુત્ર કરતાં પુત્રી જ ગમે છે. પુત્રી જ સદાકાળ માની ભેરે રહે છે. આજે સ્ત્રીને સંતાનપ્રાપ્તિ માટે પુરુષની ગરજ રહી નથી. તે આર્ટિફિશિયલ ઈનસેમિનેશનનો R ૧ લાખ કે R ૫ લાખનો ખર્ચ કરવા અમેરિકાથી આણંદ સુધી આવી જાય છે. આજે સ્ત્રીઓ બહાર નોકરી કરે છે તો તેના પતિદેવોએ ઘરે રસોડું અને બાળકોને સંભાળવાં પડે છે. કન્સાસ નામના અમેરિકન શહેરની મિસુરી યુનિ.નું સર્વેક્ષણ કહે છે કે અમેરિકામાં ૧.૫૮ લાખ પુરુષો રસોડું અને બાળકો સંભાળે છે. છોકરાઓ વધુ ને વધુ કમાવાની સ્કિલ મેળવે છે. લંડનનું ‘ઇકોનોમસ્ટિ’ લખે છે કે ભારતમાં ૪૫૦ અબજ ડોલરનું રિટેલ માર્કેટ છે. તે તમામમાં સ્ત્રીઓનો પ્રભાવ છે. વોલમાર્ટે શોપિંગ મોલ ખોલતાં પહેલાં ભારતની સ્ત્રીઓનો પરચેઝિંગ પાવર ચકાસેલો.

આણંદમાં દીક્ષા નામની સ્ત્રીએ યુરોપની સિંગલ સ્ત્રીના બાળક માટે R પોણાચાર લાખમાં ગભૉશય ભાડે આપ્યું. તેનો પતિ કિડની ફેલ જતાં મરી રહ્યો હતો. આ કમાણીમાંથી તેણે પતિનો જીવ બચાવ્યો. ડાયવોર્સના સેટલમેન્ટમાં સ્ત્રીઓ મહત્તમ રકમ પડાવે છે. જહોન ચારમાન નામના ઈન્સ્યુરન્સ જાયન્ટની પત્ની બીવલીએ છુટાછેડાના સેટલમેન્ટમાં R ૪૦૦ કરોડ લીધા છે. (૧૨-૭-૨૦૧૦-લંડન ટેલિગ્રાફ) પૂર્વ પ્રમુખ ક્લિન્ટન અને આજની વિદેશ સચિવ હિલેરી ક્લિન્ટનને ચેલ્સી નામની પુત્રીથી પરમ સંતોષ હતો. તેનાં લગ્નમાં R ૧૦ કરોડ ખુશીથી ખર્ચેલા. તેમને પુત્રની અબળખા નહોતી.

યુરોપના સર્બિયા અને મોન્ટેનેગ્રો દેશમાં ગર્ભવતી સ્ત્રીને મેટરનિટીનો ૧૦૦ ટકા પગાર મળે છે અને ૩૬૫ દિવસની સુવાવડની રજા મળે છે. ડેન્માર્ક અને સ્વિડનમાં પુરુષો બેકાર છે. સ્ત્રીઓની રોજગારીની ટકાવારી ૭૩.૩ ટકા છે. બાકીની સ્ત્રી સ્વેચ્છાથી ઘર સંભાળે છે. ફિનલેન્ડની સરકારમાં ૫૮ ટકા મહિલા પ્રધાનો છે એટલે કે જગતમાં ઊંચામાં ઊંચી ટકાવારી છે અને ભારતની હાલત જોઈ લો કે છેક ઓગસ્ટ-૨૦૧૦માં મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકાર જાહેર કરે છે કે છોકરીઓને ૧૧મા ધોરણમાં પ્રવેશ માટે ૩૦ ટકા સીટ રિઝર્વ રખાશે! અરે, જહન્નમમાં ગયું તમારું રિઝર્વેશન છોકરીઓ કોણી મારીને છોકરાઓ કરતાં દરેક સ્કૂલ કે કોલેજ એડમશિનમાં આગળ આવી છે.

યુરોપમાં લેટિવિયા અને લિથુએનિયા જેવા ટચુકડા દેશોમાં પણ કંપનીઓમાં મેનેજર તરીકે ૪૧ ટકા સ્ત્રીઓ છે. સ્પેન અને ફ્રાન્સમાં જ નહીં ભારતમાં સ્ત્રીઓની સરેરાશ આવરદા-૮૪.૪ વર્ષ છે. હવે સ્ત્રીઓ રૂપાળી દેખાવા કોસ્મેટિક સર્જરી કરતાં શરમાતી નથી. કોસ્મેટિક સર્જરી સારી વસ્તુ છે કે ખરાબ તે જવા દો. ઝૂંપડામાં રહેતી અને કમાતી સ્ત્રી પણ રૂપાળી થવા કોસ્મેટિક સર્જરી કરાવે છે. બ્રિટનમાં સ્તનમંડળને ઘાટીલા કરવાની સર્જરી પાંચ વર્ષમાં ૧૭૫ ટકા વધી છે. સ્વિડનમાં સ્ત્રીને બાળક જન્મે એટલે સ્ત્રી-પુરુષ બંનેને ભાગમાં ૧૬ મહિનાની રજા મળે છે. બાંગ્લાદેશનું અર્થતંત્ર સ્ત્રીઓ ઊંચું રાખે છે. ૧૯ની વયે બાંગ્લાદેશી સ્ત્રી માતા બની જાય છે અને ઘરનું અર્થતંત્ર સંભાળી લે છે. જાપાન, હોંગકોંગની સ્ત્રીઓ સરેરાશ ૮૫ વર્ષ (હાઇયેસ્ટ) જીવે છે. દક્ષિણ કોરિયાનું અર્થતંત્ર સ્ત્રીઓ જ સંભાળે છે અને બહાર કામ કરી ઉત્તમ પગાર લાવવા ૫૦ ટકા સ્ત્રીઓ કોસ્મેટિક સર્જરી કરાવે છે. (૨૦ની ઉંમરે પણ) તમે વેશ્યાવૃત્તિને વખોડો કે ન વખોડો થાઈલેન્ડમાં ૨૮ લાખ વેશ્યાઓ પતિને પોષે છે અને થાઈલેન્ડનું ૩૫ ટકા અર્થતંત્ર ત્યાંની સ્ત્રીઓના પરચેઝિંગ પાવર ઉપર નભે છે. એક ભારત જ જગતની દ્રષ્ટિએ ભૂંડુ ઠરે છે.

જગતના અર્થશાસ્ત્રી-સમાજશાસ્ત્રી કહે છે કે ભારતમાં અલ્ટ્રા સાઉન્ડ મશીનો ૨૦ વર્ષ પહેલાં આવ્યાં પછી ૧ કરોડ દીકરીવાળા કોમળ ગર્ભને રહેંસી નખાયા છે અને દરેક ૩૪ મિનિટે ભારતમાં એક બળાત્કાર થાય છે અને દરેક ૯૩ મિનિટે એક સ્ત્રીનું ખૂન થાય છે! પાકિસ્તાની ઓરતની પ્રગતિને બદલે યુરોપના સમાજશાસ્ત્રી જુએ છે કે જાન્યુઆરી-ઓક્ટોબર-૨૦૦૭ વચ્ચે ૯ માસમાં એકલા સિંધ પ્રાંતમાં કુટુંબની આબરૂ જાળવવા પિતા કે ભાઈઓએ ૧૮૩ બહેન-દીકરીને જીવતી સળગાવી દીધેલી, એ હિસાબે રશિયામાં ઘરકંકાસમાં દર કલાકે એક સ્ત્રી મરે છે. ૧૪૦૦૦ સ્ત્રીને મારી નખાય છે, પણ અમેરિકાની વાત કરીએ તો દરેક ચૂંટણીમાં સ્ત્રીઓ વધુ મતદાન કરે છે.

બરાક ઓબામા માટે ૮૦ લાખ વધુ સ્ત્રીઓએ મત આપેલો. ૩૦ ટકા અમેરિકન છોકરીઓ સ્વેચ્છાથી ૧૫થી ૧૯ની વય વચ્ચે ત્રીજા ભાગની ગર્ભવતી થાય છે. કઝાખિસ્તાનમાં લેબર ફોર્સમાં ૫૦ ટકા સ્ત્રી છે. એટલે કે બ્રિટન કરતાં વધુ છે. આરબ દેશોની તેલની અબજોની કમાણી ધૂળમાં મળી. ત્યાં જ્યાં પાલૉમેન્ટ (નામની) છે, તેમાં પણ ૯ ટકા જ સ્ત્રીસભ્યો છે. તેની સામે ઈઝરાયલમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ બેચલર ડિગ્રી ધરાવે છે. સાઉદી અરેબિયા એવો દેશ છે જ્યાં આજેય સ્ત્રીને મતદાનનો હક નથી. ઈરાનમાં ૭૦,૦૦૦ જેટલા ઇન્ટરનેટ ઉપરના ‘‘બ્લોગ્ઝ’’ (માહિતીપત્રો) સ્ત્રીઓએ પેદા કરેલા છે.

આજે જગતમાં ૧૫૦ જેટલા સાચા લોકશાહીવાળા દેશોમાં સાત સ્ત્રી જ પ્રમુખ કે વડા પ્રધાન છે. રવાન્ડા જેવા આફ્રિકન દેશમાં ૪૯ ટકા પાલૉમેન્ટની સીટો સ્ત્રી ધરાવે છે. (ભારત તેનાથી અડધીય નહીં!) ન્યુઝીલેન્ડની સ્ત્રી બેધડક જીવનભરમાં ૨૦ જેટલા સેક્સુઅલ-પાર્ટનર રાખે છે! સેક્સમાં તગડી છે. (યુનેસ્કો ઈન્સ્ટી. ઓફ સ્ટેટેસ્ટિકસનો અમુક આધાર લેખમાં લીધો છે.)

આસપાસ, કાન્તિ ભટ્ટ
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.