બહાર દેખાય છે તેના કરતાં સ્ત્રી અંદરથી સાવ જુદી હોય છે
પ્યુબિલિયસ ઓવિડસ નામના રોમન કવિ જેને આપણે માત્ર ૧૭મી સદીના કવિ ઓવિડ તરીકે ઓળખીએ છીએ તે નારીને બરાબર ઓળખતા હતા. તેમણે ‘લવ કયોર’ નામના ગ્રંથમાં લખેલું કે તમે સ્ત્રીને બહારથી જુઓ છો તે તદ્દન ફોગટ છે. બહાર દેખાય છે તેના કરતાં સ્ત્રી અંદરથી સાવ જુદી છે અને સ્ત્રીને પુરુષમિત્ર નહીં પણ સ્ત્રીમિત્ર જ પસંદ હોય છે. તેની પાસે જ દિલ ખોલે છે. આટલી વાતને ધ્યાનમાં રાખીને અમેરિકન લેખિકા હન્ના રોઝીને તેમ જ ‘ધ વુમન્સ હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ’ નામના પુસ્તકની લેખિકા રોઝાલીન્ડ મિલ્સની દ્રષ્ટિએ જ સ્ત્રીને જોવી જોઈએ. ઓગસ્ટ ૨૦૧૦ના ‘ધ આટલાન્ટિક’ના અંકમાં ‘બસ હવે પુરુષોનો અંત આવી રહ્યો છે. સ્ત્રી જ મહત્વની રહેશે’ તે લેખને સ્ત્રીની દ્રષ્ટિએ જોવો જોઈએ. અમેરિકા પૂરતું તેણે લખ્યું છે કે આજે પ્રથમ વાર અમેરિકાના ઈતિહાસમાં સ્ત્રીઓનો વર્કફોર્સ પુરુષ કરતાં બહુમતીમાં છે. આજે કંપનીઓમાં મોટા ભાગની મેનેજરો સ્ત્રીઓ છે. કોલેજની ડિગ્રીઓમાં દરેક બે પુરુષે ત્રણ સ્ત્રી ડિગ્રીધારી નીકળે છે.
હન્ના રોઝીન તો એટલી હદે કહે છે કે ૨૧મી સદીની ઈન્ડસ્ટ્રિયલ સોસાયટી સ્ત્રીને વધુ અનુકૂળ છે. આજે તમામ ક્ષેત્રમાં પુરુષનો રોલ સ્ત્રી ભોગવે છે. એના જ ટોનમાં અગાઉ જુલાઈ ૧૯૯૦માં રોઝાલીન્ડ મિલ્સે લખેલું કે જગતને આકાર આપવામાં નારીએ મહત્વની ભૂમિકા ભજવી છે. આરંભમાં નારી જ દેવતા હતી. ઈશ્વરનું ત્યારે દેવ નહીં દૈવી સ્વરૂપ હતું. મેસેપોટિમિયા-સિરિયામાં રાણીઓ જ રાજ કરતી. યુદ્ધ જીતતી. જોન ઓફ આર્ક અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને તમે જાણો છો. સ્ત્રી તો ઈશ્વરનું મૌલિક સર્જન છે. સ્ત્રી જ પ્રાથમિક જાતિ છે. પુરુષ તો ઈશ્વરનો આફટર થોટ (પાછળનો વિચાર છે!).
૧૯૭૦ના દાયકામાં હન્ના રોઝીનના કહેવા પ્રમાણે સંતાનોત્પત્તિમાં મહત્વનું ક્રોમોઝોમ નારી જાતિનું હતું તે વાતને રસાયણશાસ્ત્રી રોનાલ્ડ એરિકસને પછી પુરવાર કરી. પણ આટલી હદે આપણા જેવા સામાન્ય વાચકે જવાનું નથી. આપણને નજરે જે દેખાય છે તેવું નારીનું મહામ્ય જોઈએ. ઓરિકન હજી જીવે છે. ૭૪ની વયે તેણે તેના કલાસમાં છોકરીઓને ખુશ કરવા કહેલું કે મારે સેક્સ ચેન્જ કરીને સ્ત્રી બનવું છે! તેણે કહેલું કે સ્ત્રીઓ પુરુષો કરતાં લાંબું જીવે છે તે જગજાહેર છે. પણ આજના અર્થતંત્રમાં સ્ત્રીઓ વધુ સારું ઉજાળે છે. અરે, પુરુષ જે કાંઈ કરે તે તમામ સ્ત્રી કરી શકે છે-અને પુરુષ કરતાં સારી રીતે કરે છે.
હા, એ કબૂલ કે માનવનો ઉદય થયા પછી પુરુષનું પ્રભુત્વ લાંબા સુધી-આજ સુધી ટકર્યું છે, પણ ૨૧મી સદીમાં હાલત ઝડપથી બદલી રહી છે અને તે પણ વિથ શોકિંગ સ્પીડ. કોરિયા જેવા દેશમાં જ્યાં પત્ની દીકરો પેદા ન કરે તેને ઘરનોકર તરીકે જ રખાતી હતી ત્યાં ૨૦૦૫થી કાનૂન થયો છે કે સ્ત્રી લગ્ન કર્યા વગર બાળક પેદા કરે તો વાલી તરીકે માતાનું નામ લખી શકે છે આજે મોનિકા દાસ ગુપ્તા ‘આટલાન્ટિક’ મેગેઝિનને કહે છે કે ભારત-ચીનમાંય સ્ત્રીનું મહત્વ કૂદકે ને ભૂસકે વધે છે. ‘ઓર્ગેનાઈઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ’ નામની સંસ્થા કહે છે કે ૧૬૨ દેશોમાં સ્ત્રીઓનો પોલિટિકલ પાવર વધ્યો છે.
એ તો ઠીક પણ જે દેશમાં સ્ત્રીની રાજકીય સત્તા છે તે દેશનો આર્થિક વિકાસ સ્ત્રીઓને આભારી છે. આજે હિન્દુસ્તાનની બાહ્ય- આંતરિક સ્થિતિ ડામાડોળ છે. કોઈ પણ પક્ષની સરકાર ડૂલ થઈ જાત પણ સોનિયાના પીઠબળવાળી ડૉ.. મનમોહનની સરકાર ટકી છે. તે સ્ત્રી-શક્તિને આભારી છે.
કેટલાય યુદ્ધથી પાયમાલ થયેલા દેશોમાં સ્ત્રી પ્રમુખ તરીકે આવી છે અને તેણે ઝડપથી નવસર્જન કર્યું છે. લાઈબિરિયા જેવા પશ્ચિમ આફ્રિકન દેશમાં એલન જોન્સન નામની સ્ત્રી પ્રમુખ છે. સત્તા ઉપર આવીને મેડમ એલને કહેલું મારો દેશ બીમાર બાળક જેવો છે તેને બાપ નહીં માતાની જરૂર છે! રવાન્ડા ઉરુન્ડી જેવો દેશ આંતરવિગ્રહથી ખેદાનમદાન થયા પછી ત્યાં સ્ત્રીઓનું વર્ચસ્વ છે. યુરોપ-અમેરિકામાં મંદી આવી તો ૮૦ લાખ અમેરિકન પુરુષોએ નોકરી ગુમાવી, અને સ્ત્રીઓએ? ભાગ્યે જ સ્ત્રીઓએ નોકરી ગુમાવેલી. કન્સ્ટ્રકશન, મેન્યુફેકચરિંગ અને ફાઈનાન્સની નોકરી સ્ત્રીઓએ ગુમાવી નથી! અને સ્ત્રી જ્યારે ઊંચી પોસ્ટ મેળવે છે ત્યારે વધુ ને વધુ બીજી સ્ત્રી માટે નોકરી પેદા કરે છે. શીલા ભટ્ટ તંત્રી થયાં પછી ૯૦ ટકા મહિલા પત્રકારો પેદા કરેલી.
હન્ના રોઝીન ‘આટલાન્ટિક’માં લખે છે કે ભારતના ગરીબ વિસ્તારોમાં છોકરા કરતાં છોકરીઓ ઝડપથી અંગ્રેજી શીખે છે. ચીનમાં ખાનગી ધંધાની ૪૦ ટકા માલિકી સ્ત્રીઓની છે. આયર્લેન્ડની પાવરફુલ રાજકારણી જોહાના સિગુરદોતીર પોતે લેસ્બિયન હતી (સ્ત્રીને પ્રેમ કરનારી), પણ તેને આયર્લેન્ડના લોકોએ પ્રમુખ તરીકે ચૂંટી છે. જોહાનાએ પુરુષો ઉપર પ્રહાર કરીને કહેલું બેન્કિંગનો ધંધો સ્ત્રીના હાથમાં હોવો જોઈએ. આયર્લેન્ડના પુરુષોએ બેન્કિંગના બિઝનેસનો સત્યાનાશ વાળ્યો છે. સ્ત્રી હવે બેન્કિંગનો ઉધ્ધાર કરશે. કોકાકોલા સામે લડવા પેપ્સીએ સ્ત્રીની મદદ લેવી પડી છે.
હન્ના રોઝીને સ્ત્રીઓના મહામ્ય વિશેનો લેખ લખવા ડઝનેક સ્ત્રીઓના ઈન્ટરવ્યૂ લીધા. તે તમામે કહ્યું કે ‘મોટા ભાગના યુરોપનાં ઘરોમાં સ્ત્રી કમાય છે અને પુરુષ ઘરે રહે છે.’ ભારત દેશ માટે અને ખાસ તો મુંબઈ માટે આ નવું નથી. મુંબઈની ઝૂંપડપટ્ટીના ૭૦થી ૮૦ ટકા ભાયડા બેકાર છે, પત્નીઓ જ કમાય છે. અરે, પમેલા પોલ નામની સ્ત્રીએ તો ધડાકો કરીને કહ્યું છે કે જાગતિક અર્થતંત્ર માટે પિતાઓ બિનજરૂરી છે! ફ્રાંસના બર્ન વિસ્તારમાં પિતાની જમીનનો વારસો પુત્રને લાંબા વરસો સુધી મળતો પણ દીકરાઓએ જમીનમાં ખાસ પેદા કર્યું નહીં.
હવે બર્ન વિસ્તારની ખેતીવાડી સ્ત્રીના હાથમાં આવતાં એ વિસ્તાર આર્થિક રીતે ધમધમે છે. હન્ના રોઝીને એક બહુ રસપ્રદ સાચો દાખલો આપ્યો છે. કાન્સાસ સિટીના કેટલાક પુરુષોએ કાનૂન પ્રમાણે તેણે પેદા કરેલાં બાળકો માટે પત્નીને ચાઈલ્ડ સપોર્ટના પૈસા આપ્યા નહીં. પોલીસે તેને પકડી જજ સામે રજૂ કર્યા, જજે ચુકાદો આપ્યો કે કાં તમે બધા ભાયડા જેલમાં જાઓ કાં બાળકોને કેમ સાચવવાં તેના કલાસ ભરીને બાળઉછેર શીખો! અમેરિકામાં તો ઘણાં પુસ્તકો પ્રગટ થાય છે તેમાં ‘કવેન્ચિંગ ધ ફાધર- થસ્ર્ટ’ નામનું પુસ્તક પુરુષોએ વાંચવું પડે છે.
બાળકને ઉછેરવાની તલબ કે ગરજ કેમ સંતોષવી તે આ પુસ્તકમાં છે. જે પુરુષ બાળકને પૂરેપૂરો સાચવવાનું જાણતો નથી તેને તેની પત્ની કાયદેસર કહી શકે છે-‘યુ જસ્ટ ગેટ આઉટ-બીચ!’ હા, સ્ત્રીઓ હવે પુરુષને ડાકણ (ડાકણાં) કહી દે છે. અમેરિકાના લેબર સ્ટેટેસ્ટિકસ બ્યુરોના આંકડા જુઓ-સ્ત્રીઓ ૫૧.૪ ટકા મેનેજરિયલ પોસ્ટ અને ૫૪ ટકા જેટલી એકાઉન્ટન્ટોની પોસ્ટ ધરાવે છે. બેન્કિંગ અને ઈન્શ્યુરન્સમાં અરધોઅરધ સ્ત્રીઓ છે. આવી વાતો ગાડાં ભરી ભરીને છે. અરે, તમે જ કહોને? તમારું ઘરમાં કેટલું ઊપજે છે?