Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Aas-Pass
 

ડાકણ-ભૂતપ્રેત માટે વધેલો વળગાડ

 
Source: Aas Pas, Kanti Bhatt   |   Last Updated 12:08 AM [IST](11/08/2010)
 
 
 
 
 
પશ્ચિમના દેશોમાં અને પ્રતિષ્ઠિત લોકોમાં પણ ભૂતપ્રેતની દ્રઢ માન્યતા

મૂળ ભારતના આધ્યાત્મિક ચિકિત્સક ડૉ.. દીપક ચોપરાની પુત્રી મલ્લિકાએ લંડનના ટાઈમ્સ અખબારને કહેલું કે મારા પિતાને (ડૉ.. ચોપરા) અમેરિકનો ‘વીચ ડોક્ટર માને છે અને કદાચ તેનું જીવન ભયમાં છે.’ પશ્ચિમના મહાન સંગીતકાર અને મહેશ યોગીના શિષ્ય જ્યોર્જ હેરિસનને સ્પિરિટ વળગ્યો છે, ભૂત વળગ્યું છે કે ડાકણ વળગી છે તેવું લોકો માનતા હતા. તેનો ઉપચાર ડૉ.. દીપક ચોપરાએ કરીને તેનું ‘ભૂત’ ભગાવેલું.

ચોપરાએ માઈકલ જેકસનની ટ્રીટમેન્ટ પણ કરેલી. ભૂત-પ્રેત અને પ્રેતાત્મામાં ભલભલા લોકો માને છે. દહેરાદૂનનો અહેવાલ છે કે દર વર્ષે ભારતમાં ૨૦૦ સ્ત્રીને ડાકણ કે ઈવીલ માનીને મારી નખાય છે. મહેન્દ્રસિંઘ ધોનીના ઝારખંડમાં ખાસ. આવું નેશનલ ક્રાઈમ બ્યુરો કહે છે. એમ ન માનશો કે ભારત કે શ્રીલંકા કે કમ્બોડિયાના અંધશ્રદ્ધાળુ લોકો જ પ્રેતાત્મા કે ડાકણમાં માને છે. ફ્રેન્ચ ન્યૂઝ એજન્સી કહે છે કે ટી.વી. સિરિયલો અને ભૂત-ડાકણીની ફિલ્મો અમેરિકામાં બહુ લોકપ્રિય છે.

‘વેમ્પાયર ડાયરીઝ’, ‘ટ´ બ્લડ’વગેરે ડાકણીની વાર્તાવાળી ટી.વી. સિરિયલો અમેરિકનો ખૂબ જુએ છે. ન્યૂ યોર્કની સિરાકુઝ યુનિ.ના સમાજશાસ્ત્રી ડૉ.. રોબર્ટ થોમસને ૨૧-૭-૧૦ ના રોજ કહેલું કે અમેરિકામાં જાણે વેમ્પાયર કલ્ચર પેદા થયું છે. એટલી હદે કે સાઉદી અરેબિયામાં એક સ્ત્રીને ડાકણી કે સ્પિરિટ માનવામાં આવી. આરોપ થયો કે એ બાઈએ એક પુરુષને પોતાના જંતરમંતરથી નપુંસક કરી નાખેલો. કોંગોમાં તો નાની બાળકીનેય ડાકણી જાહેર કરાય છે.

ડ્રેક્યુલા વિશેની માન્યતા યુરોપમાં એટલી બધી વ્યાપક થઈ કે એનસાઈકલોપીડિયા બ્રિટાનિકાએ ડ્રેકયુલા વિશેની માહિતી જ ગાયબ કરી દીધી, પણ વાસ્તવિકતાની સામે આંખમીંચામણા કરી શકાય નહીં. એનસાઈક્લોપીડિયામાં અમેરિકનોએ ડ્રેકયુલા વિશે એટલું બધું લખ્યું છે કે બ્રામ સ્ટોકર નામના વાર્તાકારે ૧૮૯૭માં ‘ડ્રેકયુલા’ નામની નોવેલ લખી, તે ખૂબ લોકપ્રિય થઈ. તેના પરથી ૧૯૨૭માં નાટક અને ૧૯૩૧માં ફિલ્મ ઊતરી તે છેક ભાવનગર-જોરાવરનગર સુધી લોકોએ જોઈ-માણી.

ડ્રેક્યુલાને રાત્રે વિહાર કરીને સ્ત્રીઓનાં લોહી ચૂસતો દેખાડાય છે. બ્રિટને શરૂમાં પોતાના જ લેખકની ફિલ્મ પર પ્રતિબંધ મૂકેલો. આજે બ્રિટિશરો સૌથી વધુ ભૂત, પ્રેત, મેલડી, સ્પિરિટ અને ડાકણીમાં માને છે. એટલી હદ સુધી કે કેથેરીન બીગલો નામની મહિલા ફિલ્મ ડિરેક્ટરે ડાકણની વાર્તાવાળી ફિલ્મ નામે ‘નિયર ડાર્ક’ બનાવી હતી. આમાં એક આખું અમેરિકન કુટુંબ લોહી તરસ્યું બતાવ્યું છે અને તે પણ ૨૧મી સદીમાં!

મહાન અધ્યાત્મવાદી ચિંતક જે. કૃષ્ણમૂર્તિથી માંડીને ચર્ચિલ પણ સ્પિરિટને બોલાવીને વાત કરતા. લંડનમાં પ્રિન્સેસ ડાયેનાનું લગ્નજીવન ખાડે જતું હતું, ત્યારે તેની સમસ્યાના ઉકેલ માટે પ્રેતાત્મા સાથે વાત કરાવનાર મિડિયમ અને સાયટીક ગણાતી બાઈ રીટા રોજર્સની પાસે ગયેલી.

ચર્ચિલને છોડો, રાણી વિક્ટોરિયા અને ઇન્દિરા ગાંધી પણ રાજીવના ખૂન પછી અને નાના દીકરાના મૃત્યુ પછી એટલાં વહિ્વળ થયેલાં કે તેમણે સ્પિરિટનો કન્સલ્ટ કરેલો. રાણી વિક્ટોરિયાએ હજુ તેના પતિ આલ્બર્ટ સાથે પૂરું લગ્નજીવન માણ્યું નહોતું ત્યાં તે મરી ગયા હતા. એટલે વિક્ટોરિયાએ લંડનના સ્પિરિચ્યુઆલિસ્ટ રોબર્ટ જેમ્સ લીઝને બોલાવીને પ્રિન્સ આલ્બર્ટના આત્મા સાથે વાત કરવાની ચેષ્ટા કરેલી.

બીજા વિશ્વયુદ્ધ વખતે કેનેડાના વડા પ્રધાન મેકેન્ઝી કિંગ પોતે જ સ્પિરિચ્યુઆલિસ્ટ હતા. મેકેન્ઝી કિંગ મહાન ચિત્રકાર લિઓનાર્ડો દ વિન્સી અને રાજા પંચમ જ્યોર્જના આત્માને બોલાવીને તેને પ્રશ્નો પૂછી રાજકીય કે બીજી આગાહી કરાવતા. એ પછી પ્રમુખ જહોન કેનેડી, અબ્રાહ્મ લિંકન, માર્ગરેટ થેચર અને પ્રમુખ રોનાલ્ડ રેગન ગૂઢ સહસ્ય અને જયોતિષમાં માનતાં હતાં.

મને યાદ છે કે મહુવામાં અમે ૧૯૪૦માં ભણતા ત્યારે એક ઓલિયાપીર હતા. તે કોઈ પણ સમસ્યા કે ભેદ પ્રેતાત્માને (કોઈ પણ પ્રેતાત્મા) બોલાવીને ખોલાવતા. આ ઓલિયાપીરે અમારા લખપતિ પાડોશીના કબાટમાંથી ઘરેણાં ચોરાયેલાં તે જાણવા ઓલિયાપીરને (વાશીતળાવીને ઝાંપે રહેતા) બોલાવ્યા અને પીરે કેટલીક વિધિ કરીને પુરવાર કર્યું કે તેના નાના ભાઈની વહુએ જ ઘરેણાં ચોરેલાં!

મોટા ભાગના લોકો ભૂત-પ્રેતથી ડરે છે. એમ્બ્રોઝ બિયર્સ નામના સાહિત્યકાર, પત્રકાર, કટાક્ષકારની પત્ની મરી ગઈ, પુત્રો મરી ગયા. ભ્રષ્ટાચાર વિરુદ્ધની ઝુંબેશ થકી તેને કોઈ તંત્રી તરીકે રાખવા તૈયાર નહોતા ત્યારે ૧૯૧૦માં ૧૦૦ વર્ષ પહેલાં તેને કોઈએ કહ્યું કે તમને સ્પિરિટ નડે છે, ત્યારે તેણે કહ્યું કે સ્પિરિટ કરતાં મને ડાહ્યા માણસો વધુ નડે છે! તેણે ‘‘ડેવિલ્સ ડિકશનરી’’ પ્રગટ કરેલી તેમાં ‘‘ઘોસ્ટ’’ (ભૂત-પ્રેત)ની વ્યાખ્યા લખેલી કે માનવીની અંદરની બીક બહાર પ્રગટ થાય તેને ભૂત કહે છે. હકીકતમાં આપણે બધા જ એક જાતના ભૂત છીએ! આપણને વારસામાં ભૂતવેડા મળ્યા છે! આ કટાક્ષને મહાન નાટકકાર હેનરીક ઈબસને તેના નાટક ‘‘ઘોસ્ટ’’માં વણ્યો હતો.

ગુજરાત-મહારાષ્ટ્રની સરહદના પોહરા ગામે (સુરત નજીક) રતોડીબહેનને, મહારાષ્ટ્રમાં નદુંરબાર નજીક કુસુમવેરીની રીતાબાઈને અને ઝારખંડમાં તો ડઝનબંધ સ્ત્રીઓને ડાકણી જાહેર કરાય છે અને કુટંુબ કે ગામની તકલીફો માટે તેના બલિ દેવાય છે.

આપણે ‘‘ડેથ એન્ડ ઈટસ મિસ્ટરીઝ’’નામના પુસ્તકની લેખિકા ઈન્ગેસ લેપની ચોટદાર વાત વાંચીએ. તેમણે નક્કર દાખલા દ્વારા એન્ટોનીઓ પોર્શીયા નામના વાર્તાકારે ‘‘વોઈસીસ’’ નામની વાર્તા લખેલી. તેમાં વહાલી વ્યક્તિ મરી જાય પછી તેના અવાજ સંભળાય છે અને પછી તેના પ્રેતાત્મા સાથે વાત કરે છે તેવી વાર્તા છે. પ્રેતાત્મા કે મિડિયમ કે ભુવાઓ કે વળગાડ ઉતારનારા સાવ ખોટા નથી. અહીં હું એક માતાનો દાખલો ટાંકવા માગું છું.’

એક માતાનો એકનો એક ૧૬ વર્ષનો પુત્ર મરી ગયો. માતાનો શોક એટલો ઉગ્ર બન્યો કે પછી તેને જીવવામાંથી રસ જ ઊડી ગયો. પણ એક દિવસ તે હતાશ થઈ સૂતી હતી ત્યારે એકાએક લાગ્યું કે તેનો પુત્ર અહીં ક્યાંક હાજર છે. તેણે અવાજ પણ સાંભળ્યો-‘મા’ આ પ્રકારની મૃત પુત્રની ‘હાજરી’ રાત્રે નિયમિત થવા લાગી અને માતા આ પ્રકારની મુલાકાતોની ભ્રમણાથી જ લાંબું જીવી ગઈ! તેનો શોક ઊડી ગયો.

જીવનમાં રસ જાગ્યો. શરૂમાં તે શ્રદ્ધાળુ હતી, પણ પછી મંદિરમાંય જવા લાગી. મહાન વિચારક અને જે. કૃષ્ણમૂર્તિની પરમ શિષ્યા પુપુલ જયકરે કૃષ્ણમૂર્તિની આત્મકથામાં લખ્યું છે ‘કૃષ્ણમૂર્તિને અમેરિકામાં રાત્રે મૂછૉ આવી જતી અને તેઓ તેની માતાની સાથે વાત કરતા હતા! કૃષ્ણમૂર્તિ તેની માતા અને બીજા સ્પિરિટને જોઈ શકતા અને વાત કરાવી શકતા!’’
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.