ગયા સોમવારે મુંબઈના પરમેશ્વર ગોદરેજે ઓપ્રા વિન્ફ્રેના સ્વાગત માટે પોતાના નિવાસસ્થાને એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ત્રણ વખત પોલીસ આવી હતી. પહેલી વખત તો ઓપ્રા ત્યાં આવી તેવી પંદર મિનિટમાં જ પોલીસ આવી ગઈ હતી. ગોદરેજના પાડોશી અમરીશ પટેલે(જે વિધાયક છે) પહેલી વખત પોલીસ બોલાવી હતી, જે સમજાવટ કરીને જતી રહી. થોડા સમય પછી ત્યાં વાગતા મ્યૂઝિકનો અવાજ વધુ મોટો થઈ ગયો. ફરિયાદ મળતાં પોલીસ ફરીથી આવી અને પરાણે મામલો શાંત કરાયો અને પોલીસ પાછી ગઈ, પણ રાત્રે દોઢ વાગ્યે ફરીથી પોલીસ ત્યાં આવી પહોંચી.
આ પાર્ટીમાં સતત વિઘ્ન આવવાના બે કારણો હતાં, પહેલું તેમના પડોશી અમરીશ પટેલ, જે તે વિસ્તારના વગદાર રાજનેતા હતા અને તેમને આ પાર્ટીમાં આમંત્રણ નહોતું અપાયું. બીજું કારણ એ કે સેલિબ્રિટી મહેમાનની સ્વાગત પાર્ટી વિશે પોલીસને કોઈ પૂર્વ સૂચના આપીને તેમની મદદ મગાઈ નહોતી. એક વખત પિરામલ ગ્રુપના અજય પિરામલે એક અંગત પ્રોજેક્ટ બનાવ્યો હતો. તેમ છતાં તેમને એમ લાગ્યું કે તે વિશે તેમના સિનિયર અધિકારીઓ અને મેનેજરોનો મત લેવો જોઈએ તેથી તેમણે એક મીટિંગ બોલાવી.
મીટિંગમાં હાજર દરેક સભ્યના હાથમાં તેમણે અંતિમ પ્રોજેક્ટ આપવાની જગ્યાએ રફ કોપી આપી. સભ્યોએ સામાન્ય ફેરફાર કરવાનાં સૂચનો આપ્યાં. મીટિંગના બીજા તબક્કામાં સભ્યોએ સૂચવેલા ફેરફાર સાથેની અંતિમ કોપી આપવામાં આવી જે ખરેખર તો પહેલેથી જ તૈયાર હતી. અડધા કલાકમાં તો બધાએ તેને મંજૂરી આપી દીધી. મીટિંગ પછી અજય પિરામલે મને કહ્યું કે, ‘જ્યારે તમારે સંસ્થાની અંદર વિરોધ થવાનો ડર હોય ત્યારે વિરોધીઓને પણ પ્રોજેક્ટમાં જોડી દેવા જોઈએ. જેના કારણે તેઓ સહભાગી બની જશે અને તમારો પ્રોજેક્ટ ઝડપથી મંજુર થઈ જશે.
ફંડા એ છે કે, જો તમને એમ લાગે કે સંસ્થામાં વિરોધી સૂર ઊઠ્યો છે, તો સ્થિતિને રચનાત્મક બનાવવા માટે સહભાગી વ્યવસ્થા અપનાવવી જોઈએ. તેનાથી આંતરિક ઇર્ષા થવાની શક્યતા રહેશે નહીં.