પ્રેમ અને કૌભાંડ માનવીના કોરાકટ જીવનમાં મધુર મધુર વાતો લાવે છે
આપણે કૌભાંડ કહીએ છીએ તેને યુરોપ-અમેરિકામાં સ્કેન્ડલ કહે છે. પાંડવોને કૌરવોએ જુગાર રમવા બોલાવ્યા તે મોટું સ્કેન્ડલ હતું ત્યારથી આજ સુધી ભારત અને જગતભરમાં સેક્સકૌભાંડ, હવાલાકૌભાંડ અને ગુપ્ત યુદ્ધોનાં કૌભાંડ ચાલ્યાં આવે છે. આપણને સૌને કૌભાંડ વાંચવા ગમે છે. હેન્રી ફિલ્ડિંગ નામના વિદ્વાને કહેલું કે પ્રેમ અને કૌભાંડ એ માનવીના કોરાકટ જીવનમાં મધુર મધુર વાતો લાવે છે અને વળી કોઈ જુઠ હોય તો તેને પગ હોતા નથી પણ કૌભાંડને તો પાંખો હોય છે.
શેક્સપિયરની એક કહેવત આજે ૨૦૧૦માં સાચી પડે છે-‘ગ્રેટેસ્ટ સ્કેન્ડલ વેઈટ્સ ઓન ગ્રેટેસ્ટ ગવર્નમેન્ટ.’ આજકાલ વિકિલિક્સ નામની સંસ્થાએ અફઘાનિસ્તાનના તાલિબાનોને શરૂમાં ખૂબ નાણાંની મદદ કરીને તેમ જ આ પ્રક્રિયામાં વચેટિયા રાજકીય લૂંટારા પાકિસ્તાનને અબજો ડોલર ભૂખ્યા બળદને કડબ નીરે તે રીતે નીર્યા છે તેની થોકબંધ વાતો પ્રગટ કરી છે. તે વાંચી તમને લાગશે કે અમેરિકા પોતે કેટલું લુચ્ચું, બદમાશ અને બેમોંઢાળું છે. એક બાજુ તે તાલિબાનોને હાથે સતત મૂંડાતુ જાય છે અને તે તાલિબાનોને તન- મન- ધનથી મદદ કરનારા પાકિસ્તાનને અબજો ડોલર ગઈકાલ સુધી આપતું જ જાય છે.
વિકિલિક્સના અહેવાલ અનુસાર આજ સુધીમાં અમેરિકાએ તાલિબાનોને ચગાવવા અને પછી તેની સામે લડવામાં પાકિસ્તાનને બ્રિલિયન્ટ મહિલા પત્રકાર ક્રિસ્ટીના લેન્બના કહેવા પ્રમાણે ૧૮ અબજ ડોલર છેલ્લાં ૯ વર્ષમાં આપ્યા છે. એટલે કે આ R ૯૦૦,૦૦૦ કરોડ માત્ર ત્રાસવાદ સામે લડવા આપ્યા છે. બીજી બીજુ અમેરિકાની બાયલા જેવી હરક્તોમાં પાકિસ્તાને જે મદદ કરી હોય તેના રિવોર્ડના ઇનામી નાણાં પણ અબજો થાય છે. આવી અને બીજી અફઘાન યુદ્ધ તેમ જ તે પહેલાં ઈરાકનો કબજો જ્યોર્જ બુશે કેવાં બાલશિ અને લુચ્ચા કારણો ધરીને કર્યો તેની અનેક ચોંકાનારી વાતો વિકિલિક્સનાં પ્રકરણોમાં છે.
એકલા અફઘાનિસ્તાનમાં અમેરિકાએ જે બદમાશી કરીને પોતાની જનતા અને જગતથી છુપાવી છે તેને પ્રગટ કરતાં આધારભૂત ૭૫૦૦૦ ફાઈલો અને ૯૨૦૦૦ ડોકયુમેન્ટો વિકિલિકસે પ્રગટ કર્યા છે. તેમાં આપણે શરૂમાં માત્ર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં જનરલ મુશર્રફ તેમ જ તે પછી તેના સર્વેસવૉ જનરલ કિયાણીએ અમેરિકા પાસેથી અબજો ડોલર પડાવીને કાશ્મીર-ભારતમાં ત્રાસવાદ ફેલાવ્યો તે વાત કરીશું.
બેનઝીર ભુટ્ટોનું ખૂન પણ અમેરિકાના સહકારથી (સંમતિથી) જનરલ મુશર્રફે કરાવ્યું હતું. પરંતુ આ ‘વિકિલિક્સ’ વળી શું છે? શું કામ આજકાલ લંડનના ટાઇમ્સ, ઓબ્ઝર્વર, ન્યુ યોર્ક ટાઇમ્સ અને જર્મનીનું ‘દર સ્પીગલ’ નામનું સાપ્તાહિક આ વિકિલિકસે પ્રગટ કરેલા કૌભાંડને પાનાં ભરી ભરીને છાપે છે?
છેક ૧૭૭૭માં રિચાર્ડ શેરિડન નામના આઈરશિ નાટકકારે ‘ધ સ્કૂલ ઓફ સ્કેન્ડલ’ નામનું નાટક લખેલું. તેમાં કહેલું કે કોઈ પણ આધાર વગર તો કોઈ કૌભાંડ બહાર પડે જ નહીં. સ્વિડનમાં સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તેના સભ્યો જગતમાંથી ગમેતેમ-યેનકેન પ્રકારેણ ડોકયુમેન્ટો મેળવીને સરકારો કે ધમૉદા સંસ્થા કે વ્યક્તિનાં કૌભાંડો પ્રગટ કરે છે.
છેક ૨૦૦૬થી સનશાઈન પ્રેસ તે પ્રગટ કરે છે. છેલ્લાં ચાર વર્ષમાં ઈન્ટરનેટ ઉપર વિકિલિકસે ૧૨ લાખ ડોકયુમેન્ટો પ્રસારીત કર્યા છે. આ ‘વિકિલિક્સ’ જેવા તેવાની સંસ્થા નથી. ચીનની સામ્યવાદી સરકારની સામે થનારા બુિદ્ધમંત ચીની રાજકારણી અને પ્રોફેસરો, પત્રકારો, મેથેમેટશિ્યનો અને અમુક ટેકનોલોજિસ્ટો પણ છેક તાઈવાન, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, યુરોપ અને અમેરિકાથી એમાં જોડાયા છે. કેટલાક ભારતીઓ પણ છે. ગુપ્ત રહેવા માગે છે. વિકિલિક્સમાં મહત્વનો ભાગ ઓસ્ટ્રેલિયાના પત્રકાર જુબિયન અસાન્જ ભજવે છે. તે માહિતી ભેગી કરીને ઈન્ટરનેટ ઉપર મૂકે છે.
વિકિલિક્સની માહિતીને લંડનના ‘ધ ઇકોનોમસ્ટિ’ જેવા ગંભીર આર્થિક મેગેઝિન આધારભૂત ગણે છે એટલું જ નહીં વિકિલિક્સને ૨૦૦૮નો ‘ન્યુ મીડિયા એવોર્ડ’ (ઈન્ટરનેટ અખબારના જેવું એક નવું પ્રખર-પ્રકાશન-ન્યૂઝ મીડિયા છે) ઉપરાંત જુન ૨૦૦૯માં કેન્યામાં જે લોહીનો વેપાર (રક્તદાનને નામે) થાય છે તે કૌભાંડ ખુલ્લું કરવા બદલ તેને ‘એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનો એવોર્ડ’ પણ મળ્યો છે. કેન્યામાં માણસને લોહી માટે મારી નાખીને તેનું તમામ લોહી મશીનથી ચૂસીને તેનો વેપાર થાય છે અને તેમાં પોલીસ ભળેલી છે.
અમેરિકાના લશ્કરે ત્રાસવાદીઓને મારવાના નામે જે નિર્દોષ નાગરિકો ઉપર શંકા આવે તેવા હજારો ઈરાકી નાગરિકોની કતલ કરી છે તે કૌભાંડ હમણાં જ ૨૦૧૦માં ‘કોલલેટરલ મર્ડર’ને નામે પ્રગટ કર્યું છે. અમેરિકા-પાકિસ્તાને મળીને અફઘાનિસ્તાનને રગદોળ્યું છે તેને લગતા ડોકયુમેન્ટ તમને ઇન્ટરનેટ ઉપર ‘અફઘાન વોર ડાયરી’ના મથાળા હેઠળ જોવા મળશે. મે, ૨૦૧૦માં ‘ન્યુ યોર્ક ડેઈલી ન્યૂઝ’ નામના અખબારે વિકિલિક્સને એવું સમાચાર માધ્યમ ગણ્યું છે જેણે સમાચારનું આખું મુખડું બદલી નાખ્યું છે.
વિકિલિક્સના મુખ્ય પ્રણેતા ઓસ્ટ્રેલિયાના પત્રકાર છે. તે અધ્ધર આકાશમાંથી ગુપ્ત માહિતી મેળવતા નથી. તેણે ૧૨૦૦ જેટલા વિશ્વસનીય રજિસ્ટર્ડ વોલિન્ટિયરો રાખ્યા છે. તેમાં લગભગ બે ડઝન સોલિસિટરો, વકીલો, પત્રકારો, નિવૃત્ત બ્યુરોક્રેટો વગેરે છે. વિકિલિક્સનો મૂળ હેતુ એશિયામાં (ભારત-પાકિસ્તાન) સરકારો કૌભાંડ ચલાવી ગરીબોનું લોહી ચૂસે છે તે પ્રગટ કરવાનો હતો. ઉપરાંત આખા આફ્રિકા ખંડ અને મિડલ ઈસ્ટના આરબ દેશોનાં કૌભાંડ પણ પ્રગટ કરે છે. આજ સુધીમાં ૧૩ દેશોનાં કૌભાંડોનાં ડોકયુમેન્ટો વિકિલિક્સને મળ્યા છે. તિબેટમાં ચીનની બદમાશી ચાલે છે તે પ્રગટ કરે છે.
આવાં કૌભાંડ બહાર પાડવામાં ટેક્નોલોજી-સંદેશાવ્યવહાર વગેરેનો ખર્ચ તો થાય જ. ખર્ચ ખૂટી પડતાં વચ્ચે વિકિલિક્સ સસ્પેન્ડ થયેલું પણ પછી છુપા દાન મળવા માંડ્યા. કોઈની લાલચમાં આવીને કૌભાંડ છુપાવાતા નથી. અમેરિકાની એફબીઆઈ નામની આંતરીક જાસૂસી સંસ્થા વિકિલિક્સનાં સભ્યોને હેરાન કરે છે. સ્વિડનની પી. આર. કયુ. કંપની અને જહોન-જેમ્સ-નાઈટ ફાઉન્ડેશન નામની અમેરિકન સંસ્થાએ કુલ્લે ૧૦ લાખ ડોલરની મદદ કરી છે. વિકિલિક્સનો વાર્ષિક ખર્ચ R ૩૦,૦૦,૦૦૦ છે. એ. પી. ન્યૂઝ સર્વિસ લોસ એન્જલસ ટાઇમ્સ અને અમેરિકાની નેશનલ ન્યૂઝ પેપર પબિ્લશર્સ એસોસિયેશન કાનૂની મદદ કરે છે.