આપણી સંવેદનશીલતા પર આ એવું પ્રશ્નાર્થચિહ્ન છે, જેનાથી આપણે સજજ થવાનો દાવો કરીએ પણ તેનાથી છટકી જઈ શકીએ એમ નથી. આપણા સમાજમાં મોટી સંખ્યામાં મહિલાઓ માનવીય પ્રતિષ્ઠા સાથે જીવી શકતી નથી એ જગજાહેર છે, પરંતુ મૃત્યુ પછી વિધવાઓ ગરિમાપૂર્વક અંતિમવિધિ પણ પામતી ન હોય ત્યારે આપણે પોતાને એ પ્રશ્ન જરૂર પૂછવો જોઈએ કે વિકાસ અને પ્રગતિ માટેના આપણા દાવાઓની હકીકત આખરે શું છે?
સમાચાર છે કે વૃંદાવનમાં સરકારી આશ્રમોમાં રહેતી અનેક વિધવાઓના મૃતદેહોની પરંપરાગત અંતિમવિધિ એ આશ્રમો પાસે પૂરતી જોગવાઈના અભાવે થઈ શકતી નથી. કેટલીક નિવાસો વિધવાઓ આવા મૃતદેહોને પોતાના ખર્ચે સફાઈ કામદારો પાસે નિકાલ કરાવે છે. આ કર્મચારીઓ રાત્રે શબ લઈ જઈ, તેના ટુકડા કરીને કોથળામાં ભરીને ક્યાંક નાખી આવે છે એવું મથુરાની ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના સર્વેક્ષણમાં બહાર આવ્યું છે.
વિધવાઓની દુર્દશાના સમાચારો છપાતાં નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ જસ્ટિસ અલ્તમસ કબીરે આ સર્વેક્ષણ કરાવ્યું હતું. પોતાનાં કુટુંબો દ્વારા ત્યજાયેલી વિધવાઓ આ આશ્રમોમાં આવે છે. સરકાર વૃંદાવન અને આસપાસના વિસ્તારોમાં બિનસરકારી સંગઠનોની મદદથી આશ્રમો ચલાવે છે. પીવાનું પાણી, શૌચાલય અને તબીબી સેવાઓ દયનીય હાલતમાં છે. માસિક R ૩૦૦નું મળતું પેન્શન અપૂરતું હોઈ વિધવાઓએ મજબૂરીથી ભીખ માગવી પડે છે.
કુટુંબ અને સમાજથી ત્યજાયેલી આ સ્ત્રીઓને આશ્રમ આપવામાં સરકાર સાવ નિષ્ફળ ગઈ છે. પરંતુ સમસ્યાનું અસલ મૂળ તો મહિલાઓનું સમાજમાં ઉતરતું સ્થાન છે. કુટુંબમાં તેમને બોજ માનવામાં આવે છે. ૧૮મી સદીમાં શરૂ થયેલું સમાજ સુધારા આંદોલન તેનો હેતુ પૂરો કર્યા વિના જ અટકી ગયેલું છે. બંધારણની સમતાસૂચક જોગવાઈઓ છતાં હજારો સ્ત્રીઓને માનવીય દરજજો મળવો હજુ ઘણી દૂરની વાત છે.