Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Aas-Pass
 

આભ ફાટે ત્યારે ગરીબો જ દંડાય

 
Source: Aas pass, Kanti Bhatt   |   Last Updated 12:48 AM [IST](10/08/2010)
 
 
 
 
 
ઋતુઓની વધેલી અનિશ્ચિતતા માટે આપણાં જ પાપ જવાબદાર

જર્મન કવિ ગેટે મરણપથારીએ હતો ત્યારે તેને પ્રતીતિ થયેલી કે દુનિયા ખોટે રસ્તે જઈ રહી છે. અકરાંતિયો ઉપભોગ, વણસેલા સામાજિક સંબંધો, સૃષ્ટિના પર્યાવરણનો બગાડ એ તમામમાં માનવ સેલ્ફ ડિસ્ટ્રિકશન (સ્વવિનાશ) તરફ જઈ રહ્યો છે, તેની તેને વહેલાસર પ્રતીતિ થયેલી. તેના છેલ્લા શબ્દો હતા-મોર લાઈટ, યસ મોર લાઈટ, હજી વધુ પ્રકાશ હજી વધુ પ્રકાશ, એમ પ્રકાશની અબળખા કરતો કરતો કવિ મરી ગયો. તમે કાશ્મીરના લેહ વિસ્તારમાં ભયંકર અતિવર્ષા જેને ‘આભ ફાટ્યું’ કહેવાય છે તેની તબાહી જોઈ.

આપણે તમામ તે ક્લાઉડ બ્રર્સ્ટ (સાંબેલાધાર વરસાદ)થી ઘણા માઈલો દૂર હતા, પણ આપણા તમામનાં પાપ-આપણો ઉપભોગ, એ અતિવર્ષા, એ પછી દુષ્કાળ, વચ્ચે ભયંકર તાપ અને ઋતુઓની અનિશ્ચિતતા માટે જવાબદાર છે. માનવી જેને વાદળ કહે છે તેને જુનાં દેવીતત્વો કે વિજ્ઞાનીઓ ‘ચાન્સ ઓફ શાવર્સ’ કહેતા. માનવીને વર્ષાનું વચન આપે તે વાદળ. નોર્વેની મૂળ વાનીર જાતિ વાદળાંને ‘વીન્ડ કાઈટસ’ કહેતી. ધર્મકથાના ધુરંધર લોકો વાદળાંને ‘હોપ ઓફ રેઈન’ કહેતા.

જુના જમાનામાં ગ્રીક ફિલોસોફરો મુંઝાય ત્યારે ઉકેલ માટે કે જવાબ માટે આકાશ તરફ જોતા. સેમ્યુઅલ જોન્સન નામના કવિએ કહેલું કે બે અંગ્રેજો મળે ત્યારે હવામાનના જ ખબર પૂછે. ભારતમાં કાઠિયાવાડથી કાશ્મીર સુધી ખેડૂતો મળે તો પૂછે છે જ કે ‘વરસાદ પાણી કેવાં છે?’ અને પછી બન્ને જણા આકાશ સામું જોઈને જો કાળાં ડિબાંગ વાદળાં જુએ તો હરખાઈને છુટા પડે છે. એરિસ્ટો ફેન્સ નામના કવિએ ૨૪૩૦ વર્ષ પહેલાં વાદળાં વિશે બહુ ઊંચી વાત કરી હતી. વાદળાં હંમેશાં દિવ્યતાનાં પ્રતીક છે. એ વાદળાંમાંથી જળદેવી પ્રગટે છે. એ જળમાંથી બુદ્ધિ મળે છે. એ વાદળાં થકી ભાષા મળે છે. લેહ અને આજુબાજુના પ્રદેશમાં ‘વાદળ ફાટયાં’ તેણે અનેકને મારીને હજારોનાં ખોરડાં ખતમ કર્યા.

કવિ શેલીની ભાષામાં તેને વાદળી કહે છે-‘અરે મહેરબાનો મને વાદળીને ઓછી ન સમજો... હું પૃથ્વી અને જળપરીની પુત્રી છું. અને આકાશની ધાવણી પુત્રી છું. હું વિરાટ સમુદ્રોના રોમ છીદ્રો (પોર્સ)માંથી પસાર થઈને પુષ્ટિ મેળવું છું. હા, મારા સ્વરૂપમાં પરિવર્તન થાય છે. કાળીડિબાંગમાંથી હું જળ જળ થાઉં છું, પણ કદી મરતી નથી-વાદળી કેવી સરસ ફિલસૂફી કહે છે કે, જો તમે માત્ર બીજા માટે જ જીવતા હો તો કદી મરતા નથી. કવિ શેલીએ કોની પાસેથી પ્રેરણા મેળવેલી? ‘ધ ઇન્વેન્શન ઓફ ક્લાઉડઝ’ નામના પુસ્તકના લેખક રિચાર્ડ હેમ્બલિન (૨૧૬૩ પાનું) લખે છે કે કવિ શેલીને કવિ કાળિદાસના ‘મેઘદૂત’ મહાકાવ્યમાંથી પ્રેરણા મળેલી. જેમાં કવિ કાલિદાસ કાવ્યનાં રોમેન્ટિક પાત્રો માટે વાદળોનો સંદેશાવાહક તરીકે ઉપયોગ કરે છે.

ચાલો ‘આભ ફાટ્યા’ના સમાચાર થકી આપણે મેઘદૂતના દુ:ખી પાત્રને યાદ કરીએ. આજે ચોમાસામાં જ ‘કઠણાઈ’ એ થાય છે કે પરણેલીઓને તેના કોલેજના સમયના પ્રેમીઓ યાદ આવે છે. કુંવારિકાને તેના હાલની ભાષાના ‘લવર’ યાદ આવે છે. આજે આ પ્રેમના વિરહનું મૂલ્ય રહ્યું નથી. વાદળીને સંદેશાવાહક બનાવવાની ઝંઝટ નથી. મોબાઈલે મજા બગાડી નાખી છે. લેહનાં ‘ક્લાઉડ બ્રર્સ્ટ’ કે આભ ફાટવું આપણે માટે બહુ નુકસાનકર્તા નથી.

તેમાંથી તો બેઠું થઈ જવાશે, પણ નાની પાલખીવાલાએ ‘વી ધ નેશન’ નામના પુસ્તકમાં કહ્યું છે તેમ ‘નોટ ધ નેચરલ કેલેમિટી, ધ ગ્રેટેસ્ટ એનિમી ઓફ ઈન્ડિયા ઈઝ નોટ પાકિસ્તાન ઓર ચાયના બટ ઈન્ડિયન્સ ધેમ સેલ્વઝ.’ હા, ક્લાઉડ બ્રર્સ્ટ કે ખરાબ હવામાન નહીં પણ આપણે ભારતીયો પોતે જ આપણા દુશ્મન છીએ! વધુ ઊંડે જઈએ તો ભગવાન બુદ્ધે કહેલું કે ‘ઈટ ઈઝ વન્સ ઓન માઈન્ડ નોટ વન્સ એનેમી ધેટ લ્યોર્સ વન ઈનટુ ઈવીલ આઈઝ.’ આજે માત્ર માનવીનું મન જ તેનું દુશ્મન નથી પણ જે જે ઉપભોગની ચીજો (અને સેક્સ) માનવીને લોભાવે છે તે પણ માનવીના દુશ્મન છે.

‘લેહ’ના વિનાશના સમાચાર પ્રસારિત થતા હતા ત્યારે મુંબઈમાં સોનમ કપૂરના અભિનયવાળી ફિલ્મ ‘આઈશા’ ચાલતી હતી. તેમાં એટલી હદ સુધીનો વંઠેલો સમાજ બતાવાય છે. એ ફિલ્મમાં એવો વંઠેલો સમાજ છે જેના જીવનમાં કોઈ સમસ્યા નથી. માત્ર લફરાં, લફરાં અને લફરાંવાળી જ આખી ફિલ્મ છે. જો આવી ફિલ્મો ભારતમાં પેદા થતી હોય તો પછી મેઘદૂત કે વાદળીની વાતો કરવી નકામી લાગે છે. કુદરતી આફત કરતાં છુટાછેડા, લગ્ન પહેલાંનું સેક્સ, તૂટતાં લગ્નો, તૂટતાં કુટુંબોની આફત વધુ ખતરનાક છે.

આજે મનુસ્મૃતિનું સૂત્ર બૂઠ્ઠું પુરવાર થાય છે. મનુસ્મૃતિ કહે છે, ‘આખું વિશ્વ સજા થકી જ ચાલે છે. સજાથી માણસ ડરે છે. છતાં આ જગતમાં અનપોલ્યુટેડ માણસ જડવો મુશ્કેલ છે. જો એ જમાનામાં ભગવાન મનુ આટલા નિરાશ હતા તો ‘આયેશા’માં દેખાડેલું વંઠેલું કલ્ચર જુએ તો શું કહે?

આ હાલતમાં આપણે વાદળી, વાદળાં, મેઘરાજા અને કાલિદાસના મેઘદૂતની વાત કરીએ ત્યારે લાગે છે કે આપણે હજી થોડા ભોળા રહ્યા છીએ.... દુનિયા વંઠી છે પણ સાવ વંઠી નથી તેમાં થોડાંક બુભુક્ષુ છે-જેને જાણવાની ઉત્કંઠા છે તેને મેઘદૂતની અને ‘આભ ફાટવા’ અંગેના ભાષા પ્રયોગની વાત આજે મોકો આવતાં કરું છું. મહાકવિ કાલિદાસના મેઘદૂતના ખંડ કાવ્યમાં અલકાપુરીના રાજાના અધીશ્વર કુબેરજીનો એક નોકર (યક્ષ) હોય છે તે પ્રેમમાં પડેલો છે. પરંતુ તે જમાનામાં કોઈ પણ વ્યક્તિ નિયમભંગ કરે તેને શાપ અપાતો. મેઘદૂતના હીરોને શાપ મળે છે કે તેણે તેની પ્રેમિકાનો વિરહ સહન કરવો પડશે. આ શાપ ભોગવનારો હીરો શહેરમાં રહેતી તેની પ્રેમિકાને સંદેશો મોકલે છે. તે માટે સંદેશાવાહક તરીકે વાર્તાનો પ્રેમી વાદળાનો-મેઘનો ઉપયોગ કરે છે.

જે પ્રેમમાં પડ્યા હોય તેને માટે આજકાલનો વર્ષાઋતુનો સમય વિયોગ માટે દુ:ખદ ગાળો બને છે. કાલિદાસ પણ કહી ગયા છે કે વર્ષામાં વિરહદુ:ખ દુ:સહ્ય છે. પછી આ વિરહ એટલો ગહન બની જાય છે કે પછી કાલિદાસ કહે છે કે ‘એ વિરહનું દુ:ખ પ્રસંગોપાત કવચિત કિંચિત (થોડુંક) સુખસ્વરૂપ-લહેજતદાર પણ લાગે છે! આ મેઘદૂતમાં જે પ્રેમીઓની વિરહવ્યથા છે તેનું વર્ણન ગુજરાતી ધુરંધર કવિઓ ડૉ. હ. હ. ધ્રુવ અને કવિ ન્હાનાલાલથી માંડીને ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ જેવા કવિએ ગુજરાતીમાં કર્યું છે.

મકરંદ દવેએ ત્રિભુવન વ્યાસની કવિતાને શેડ્ય કઢાં દૂધની સોડમ આપતી કવિતા કહી છે. તો ચાલો એ શેડ્ય કઢાં દૂધની એક પ્રસાદી ‘વર્ષા-વાદળી’ની કવિતામાંથી લઈએ.-‘જરાક જેટલી ચડી વાદળી, ઉત્તર ખંડેથી આવી, આભ લઈ ઊંડળમાં એણે ધારે ધરતી નવરાવી, ધરતીનાં મૂળ ધોઈ ધફોઈ, કાઢયાં સાગરમાં ઠેલી એ મંડાણો મુશળધારે, અનરાધાર મચી હેલી. રંકોનાં ઘર જાય પડી, હોમ હવન, પારાયણ પૂજન સઘળાંએ શાંતિ પકડી... ૧૮૮૮માં જન્મેલા કવિ ત્રિભુવન વ્યાસ પણ જાણતા હતા કે અતિવર્ષા કે આભ ફાટે તેની કારમી અસર લેહના ગરીબો જ ભોગવે છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.