સ્ટેફ્રી સેનેટરી નેપકિનનો ઉપયોગ કરતી દરેક સ્ત્રી ભલે રસ્તા પર પડી ગયેલા વૃદ્ધ દંપતીને જોઈને પોતાની કાર ઊભી રાખીને મદદ કરવાનું વિચારે, પણ આ પ્રોડકટના નિર્માતાઓએ આ વાત વિચારી તે પણ બહુ છે. આ જાહેરાતમાં એવું બતાવવામાં આવ્યું છે કે બે યુવતીઓ પોતાની કારમાં સિગ્નલ પર ઊભી છે. સિગ્નલ ગ્રીન થાય તેની રાહ જોઈ રહી છે, તેવામાં જ તેમની નજર રસ્તા પર પડે છે.
એક વૃદ્ધ દંપતી પડી ગયું હોય છે, તેઓ કારમાંથી બહાર આવીને તેમને મદદ કરે છે જ્યારે અન્ય લોકો માત્ર દર્શક બનીને આ ર્દશ્ય જોઈ રહ્યાં હોય છે. અન્ય એક જાહેરાતમાં કેટલાક દેખાવકારો સૂત્રોચ્ચાર કરતા એક વિસ્તારમાંથી પસાર થાય છે અને તેમણે પીધેલા પાણીની બોટલો અને પેપર નેપકિન રસ્તા પર જ ફેંકીને તેઓ જતા રહે છે, જ્યારે બે યુવતીઓ તે ઉઠાવી રહી છે. હકીકતમાં જોવા જઈએ તો આ બે બ્રાન્ડ્સની જાહેરાતોમાં કોઈ સાર્થક સામાજિક સંદેશો ગૂંથી લેવામાં આવ્યો છે, જેથી બજારમાં તે બ્રાન્ડ અન્ય કરતાં અલગ લાગે.
આજે ટીવી પર આવતા કોઈ પણ કાર્યક્રમમાં જાહેરાત આવે તો ૧૦થી ૧૮ જાહેરાતો આવે છે. આ જાહેરાતો બનાવતી ક્રિયેટીવ ટીમ સામાન્ય દર્શકો સાથે તેને જોડવા માટે મહેનત કરે છે, તથા તેમાં એવી બાબતોનો સમાવેશ કરે છે, જે લોકોની રોજબરોજની જિંદગી સાથે જોડાયેલી હોય છે. આપણે આપણા સમાજને સાફ અને સ્વસ્થ રાખવા ઇચ્છીએ છીએ પણ ઘણી વખત લોકોનો કે પછી શાસનનો સાથ ન મળવાથી આપણે તેમ કરી શકતા નથી.
ખાસ કરીને વિકાસશીલ શહેરોમાં આ સમસ્યા વધારે નડી રહી છે. જાહેરાત બનાવનારાઓએ આ સમસ્યાને જાણી અને તેને આ માધ્યમથી રજુ કરવાની શરૂઆત કરી છે. કોઈ પણ ફિલ્મ કે જાહેરાતમાં લોકોની દબાયેલી લાગણીઓને વાચા આપવામાં આવે તો તેને વ્યાપક સફળતા મળે છે.
ફંડા એ છે કે, આજે જાહેરાત બનાવનારા લોકો એવું માને છે કે જાહેરાતોમાં સામાજિક સંદેશા અને દુનિયાની રહેણીકરણી સુધારવાના પાઠ બતાવશે તો લોકોના મનમાં તેમની જગ્યા બનશે, જેનાથી તેમને કોઈ ને કોઈ રીતે ફાયદો થશે.