આપણે બધાં પરમપિતા પરમેશ્વરના છીએ. આ વિચારને તમામ ધર્મોએ પોત-પોતાની રીતે વર્ણવ્યો છે. ખ્રિસ્તી ધર્મમાં આ વાત અત્યંત સુંદર રીતે બતાવાઈ છે કે ભગવાને માનવીને તેનો પોતાનો ચહેરો આપ્યો છે. એટલેકે આપણને અંદરથી એક ઊર્જાનો અનુભવ થાય છે. આ ઊર્જા તે પરમશક્તિના અનુભવની હોય છે જેને પરમાત્મા માનવામાં આવ્યા છે.
આ ઊર્જા જ પ્રાર્થના, પૂજાનું સ્વરૂપ લઈ લે છે. તેના અહેસાસની સાથે પ્રાર્થનાનો આનંદ બદલાઈ જાય છે. તે સમયે પ્રાર્થનાનો પોકાર વાસનારહિત આગ્રહનું સ્વરૂપ લઈ લેશે. આ રીતે પ્રાર્થના કરતા સમયે જો આંખોમાં આંસુ આવી જાય તો સમજી લેવું કે તમારું સમગ્ર વ્યક્તિત્વ તે સુગંધથી ભરાઈ જશે, જેનું નામ ઇશ્વર છે. એટલે જ કહેવાય છે કે ઈશ્વર દેખાતો નથી પરંતુ તેની હાજરી વર્તાય છે. ભગવાન જીવનમાં ઊર્જાની જેમ આવે છે, પછી આ ઊર્જા અનેક સ્વરૂપમાં બદલાઈ જાય છે. કોઈ ભગવાનની મૂર્તિ બનાવી લે છે, તો કોઈ તેને ચિત્રમાં આલેખે છે, કોઈએ આ ઊર્જાને ગુરુના સ્વરૂપમાં સમાવી દીધી છે તો કોઈએ ગ્રંથમાં.
ભારતીય સંસ્કૃતિએ તેના એક સ્વરૂપને માતા-પિતા તરીકે પણ સ્વીકાર્યું છે પરંતુ આ ઊર્જાનો એક ખતરો એ પણ છે કે તેનું સંતુલન જળવાતું નથી. જો તે અસંતુલિત થઈ જશે તો ઉન્માદ, ભ્રમ, સાંપ્રદાયિકતાનાં પરિણામ પણ આપશે. તેનો ઉપયોગ સંતો પાસેથી શીખવો જોઈએ. તેઓ તેની મધ્ય કળા જાણે છે. સંતનો એક અર્થ સંતુલન પણ છે. પૃથ્વીનો નિયમ છે ઊર્જાને નીચે ખેંચવી. સંતની ઊર્જા મધ્યમાં રહે છે. જો આપણે બેધ્યાન રહીએ તો આ ઊર્જાનું ખરાબ પરિણામ પણ આવી શકે છે. આથી મધ્ય માર્ગ, સંતુલનની સાચી સ્થિતિ જ ઊર્જાનો સાચો ઉપયોગ છે.
- પં. વિજયશંકર મહેતા