૯/૧૧ મોસ્કનો સવાલ જો એક છેડેથી મુસ્લિમ હક્કનો હોઈ શકે છે, તો બીજે છેડેથી સર્વસમાવેશી હોઈ શકતી અમેરિકી ઓળખને સારુ અંત: સત્વ અને અર્કનો છે. કબીર અને ગાંધીના મુલકમાં આ મુદ્દે કદરબૂજની ઇન્દ્રિય હોવી ઘટે છે. અયોધ્યાઉત્તર માહોલમાં આટલું સમજાશે? ન જાને.
૯/૧૧ મોસ્ક (ખરું જોતાં જોકે ગ્રાઉન્ડ ઝીરોથી બે બ્લોક છેટે સૂચિત સેન્ટર, જેનું નામ કોર્ડોબા હાઉસ હોવાનું છે એને) વિશે લખતાં કાન્તિ ભટ્ટે ખાસ તો ‘કોર્ડોબા’ની અચ્છી સમજૂતી આપી છે. એટલે એમાં નહીં આરંભે એટલું જ કહું કે અમેરિકામાં ચાલી રહેલા આ વિવાદ વિશે જેટલું જાણુંસાંભળું છું, નવી દુનિયાના સંદર્ભમાં એક ગુર્જર ભારતવાસી તરીકે અવનવાં સ્પંદન, સંવેદન અને મંથન અનુભવું છું. વિભાજનોત્તર ભારતમાં, એમાંય તે બાબરીધ્વંસ પછીનાં વરસોમાં, એક પ્રાચીન સંસ્કૃતિ અને મહાન પ્રજા તરીકે આપણે ઓછા અને પાછા પડ્યાની લાગણીથી વચ્ચે વચ્ચે કેમ જાણે અમળાઉં છું.
પ્રમુખ ઓબામા અને મેયર બ્લુમબર્ગ, મસ્જિદ સહિતનું સેન્ટર બાંધવાના અધિકાર બાબતે બંધારણીય રાહે અને અન્યથા વચનબદ્ધ છે. બીજી બાજુ સુદૂર ફ્લોરિડામાં એક અજાણ્યા પાસ્ટર (ખ્રિસ્તી ધર્મગુરુ) એકાએક સુરખીઓમાં ઉભર્યા છે, કેમ કે તેઓ ૯/૧૧નો દિવસ કુરાનની જાહેર હોળી વાટે મનાવવા ઇચ્છે છે. ત્રીજી બાજુ, સૂચિત સેન્ટરની પાછળના ચાલકબળ રૂપ ઇમામ ફૈઝલ અબદુલ રઉફ આ દિવસોમાં અખાતના દેશોનો પ્રવાસ પૂરો કરવામાં છે. એક મુસ્લિમ અમેરિકન લેખે સંબંધિત સૌની સાથે પોતાની બહુધર્મી, બહુસાંસ્કૃતિક ભૂમિકાની પિછવાઈ પર તેઓ વિમર્શનો દોર ચલાવી રહ્યા છે.
આ બધો માહોલ જોઈને સરસ ટિપ્પણી કરી છે. ઇટલીસ્થિત એક ઇમામે કે અહીં ઇટલીમાં મસ્જિદ બાંધવાની મારી અરજી બે દાયકાથી પડતર છે, એની સામે અમેરિકાનો દાખલો જુઓ- ત્યાં જાહેર બહસ માટેની મોકળાશ કેવી છે! કોઈક મુસ્લિમ બૌદ્ધિકો, અમેરિકામાં અને અન્યત્ર, એવી ટિપ્પણી કરતા પણ સંભળાયા છે કે અમેરિકા સામે હજાર ફરિયાદ હશે (-બલકે, છે) પણ અહીં મસ્જિદ કે બીજાં ધર્મસ્થાનકની જે રજા છે, કેટલાક મુસ્લિમ દેશોમાં એ ક્યાં જોવા મળે છે? દેખીતી રીતે જ, ૯/૧૧ મોસ્ક વિવાદ વિશ્વસ્તરે મુસ્લિમોમાં પણ મિશ્ર પ્રતિભાવો જગવી રહ્યો છે.
બંધ દુનિયા, અંતે તો, અસંભવ હોવાની છે. શું અહીં, શું તહીં, કે કહીં.હમણાં અહીં બીજાં, રિપીટ, બીજાં ધર્મસ્થાનક એવો ઉલ્લેખ કર્યો. ઉત્તરોત્તર વધુ અને વધુ સમાવેશક બની રહેલા અમેરિકા માટે, અમેરિકી છેડેથી જોતાં આ એક સંકટની ઘડી છે, કેમ કે ૯/૧૧ની ઘટના અને ‘વોર ઓન ટેરર’નો માહોલ જીરવી એક સમુદાર શાસન તરફની શક્યતા પ્રગટ કર્યા પછી અને છતાં આજે અહીં ઓળખ અને આત્મખોજની એક નવી કટોકટી વરતાય છે. હજુ એક-બે વરસ પર જ દિવંગત થયેલા સેમ્યુઅલ હંગ્ટિટને ‘હુ આર વી’ (‘આપણે કોણ’) વિશે છેલ્લાં વરસોમાં ખાસો ઊહાપોહ કર્યો હતો.
કંઈક યહૂદી સંમિલનપૂર્વકની પણ એકંદરે એંગ્લો-ખ્રિસ્તી ઓળખ ઉપર એમની ‘આપણે’-ખોજ લાંગર હતી. તે સિવાયનાઓ? એ કદાચ ‘ધ અધર’ પણ હોય. કમબખ્ત, આ જાલીમ બીજાનો સ્તો ડખો છે. ૯/૧૧ મોસ્ક સરખી છાપાળવી ઓળખે આ ‘અમે, આપણે’ વિ. ‘બીજા’ની લાગણી એવી જગવવા માંડી છે કે કોઈકે પ્રમુખ ઓબામાને ઇમામ ઓબામા તરીકે ઓળખાવવાનીયે ચેષ્ટા હમણેના દિવસોમાં કરી છે.
ઓબામા-બ્લુમબર્ગ બંધારણીય સમર્થન પછી અને છતાં, વકરતો વિવાદ જોઈને ફ્રાન્સના એક મુસ્લિમ ધર્મવડાએ કહ્યું છે કે મસ્જિદ સહિતના સૂચિત સેન્ટરથી (જેનું સંચાલન મુસ્લિમો સહિત બહુધર્મી હાથોમાં હોવાનું છે, તેનાથી) અમેરિકી માનસમાં કોઈ દુ:સ્મૃતિઓ જાગતી હોય તો તે માંડી વાળવું ઠીક રહેશે.
એક રીતે, મુસ્લિમ છેડેથી આવું ચિંતન ઠીક જ લાગે છે. પણ અમેરિકી છેડેથી ઠીક ઠીક વર્તુળોમાં સંભળાતી (અને કેટલાંકમાં પડકારાતી) લાગણી એ છે કે સૂચિત મસ્જિદ માટે સહ્યખ્ય સાનુકૂળતા કરી આપવી એ આપણી અમેરિકી ઓળખને અધોરેખિત કરી આપતી સાહેદી છે. એમને મતે આ પ્રશ્ન મુસ્લિમ હક્કનો એટલો નથી જેટલો અમેરિકી અસ્તિત્વના અંત:સત્વ અને અર્કનો છે.
હંટિગ્ટને ‘કલેશ ઓફ સિવિલાઇઝેશન્સ’ની વાત કરી હતી. હાલની અમેરિકી મથામણ ‘કલેશ વિધિન સિવિલાઇઝેશન્સ’ થકી નવી દુનિયા માટે સર્જનાત્મક તનાવ (ક્રિયેટિવ ટેન્શન)ની ગુંજાશ ધરાવે છે.
નરસિંહ, કબીર, ગાંધીના મુલકમાં આ પ્રક્રિયાને માટે કદરબૂજની ઇન્દ્રિય હોવી ઘટે છે. નવા ઇસ્લામને પણ (જે આપણે માનીએ છીએ એટલો મોનોલિથિક નથી) એની રગ કેળવ્યા વિના ચાલવાનું નથી. ખયાલમાં રહે કે અમેરિકી શાસક ઈતિહાસ જેમ ફ્રેન્કેન્સ્ટાઇલની તાસીરનો છે તેમ આ દેશની ‘મેલ્ટિંગ પોટ’ શી એક તરાહ પણ રહી છે.
પ્રકાશ ન. શાહ, લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.