કરપ્શન, કમિશન, કન્ફયુઝન, કોન્ટ્રાડિકશન! સત્તા અને રાજકારણ, ચૂંટણી અને વહીવટ, સમાજ અને સંપ્રદાય : બધાંએ પેલાં ચારે ‘સી’નો ધ્વજ હાથમાં રાખીને આગેકદમનો પાક્કો નિશ્વય કર્યો લાગે છે!
દેશની ભીતર અને બહાર નેતૃત્વની ખરી ઊંચાઈનો પણ દુકાળ પડવા માંડ્યો છે. ‘પિગ્મેલિયન જાહેર જીવન’ અત્યારનો અભિશાપ છે, અને તેને સમાપ્ત કરવાનો ઉપાય પૂર્વગ્રહ વિના શોધીએ તો તે રાજકીય-સામાજિક-સાંસ્કૃતિક ઇચ્છાશક્તિના સંકલ્પમાંથી પ્રાપ્ત થઈ શકે?
કરપ્શન. કમિશન. કન્ફયુઝન અને બેશક, કોન્ટ્રાડિકશન. હિન્દુસ્તાની પ્રજાસત્તાક દિવસ પછીના દિવસોની આ તાજી તસવીર છે. પહેલાં પણ એવી સ્થિતિ હશે, આજે તેમાં બદલાવ એટલો જ આવ્યો છે કે સત્તા અને રાજકારણ, ચૂંટણી અને વહીવટ, સમાજ અને સંપ્રદાય : બધાંએ પેલાં ચારે ‘સી’નો ધ્વજ હાથમાં રાખીને આગેકદમનો પાક્કો નિશ્વય કર્યો લાગે છે! આજકાલની જ ઘટનાના સંકેતો પર નજર કરો.
સર્વોચ્ચ અદાલતમાં ચાલતા મુકદમાઓ, તેના ચુકાદાઓ અને પડતી-આખડતી સી.બી.આઈ. જેવી તપાસ સંસ્થાઓના અહેવાલોથી એકલાં અખબારો જ નહીં, નાગરિકનાં દિલો દિમાગ પણ વહેલી સવારથી સાંજ સુધી ઉત્તેજિત થઈ ગયાં છે : આ ટુ-જી કૌભાંડ, ચિદમ્બરમ નામે ગૃહપ્રધાનની સંડોવણીનું આરોપનામું, ‘સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન’ સંગઠનની લાંબા સમયથી પી.આઈ.એલ. અને હવે લશ્કરી વડાની જન્મતારીખ પ્રશ્ને સૈન્ય-સરકાર વચ્ચેના મતભેદનો સંભવિત ચુકાદો... આનું શું થશે? તેનાં પરિણામો કેવાં વલય સર્જી શકે?
સુપ્રીમના ન્યાયમૂર્તિ, એ.કે. ગાંગુલી અને ન્યાયમૂર્તિ જી.એસ. સિંઘવીના ચુકાદાઓ દેશના રાજકારણને અને નૈતિકકારણને ય હલબલાવી મૂકશે. આમાંના ગાંગુલી તો ગઈકાલના ફેંસલાની સાથે નિવૃત્ત થઈ ચૂક્યા છે. પણ તેમનાં, જુદા જુદા નિમિત્તે વિધાનો નોંધ્યાં તમે? ૨૦૧૦માં સુનાવણી વખતે તેમણે એડિશનલ સોલિસિટર જનરલની દલીલોને વચ્ચે અટકાવીને સવાલ કર્યો હતો, : ‘...પણ તમારા મિનિસ્ટર (રાજા) તો હજુ પ્રધાનપદે ચાલુ છે... સરકાર આવી રીતે ચાલે?’ એક અ-નામ પત્રમાં હમણાં આ બધા મુકદમાના સંદર્ભે કોઈકે લખ્યું કે કોર્ટ પણ ‘મેનેજ’ થઈ શકે છે.
જસ્ટિસ ગાંગુલીએ આ પત્ર અદાલતમાં જ જણાવ્યો અને ઉમેર્યું કે ‘સ્વતંત્ર ન્યાયતંત્ર જ સામાન્ય માણસની કાયદો અને વ્યવસ્થા પ્રત્યેની આસ્થાને મજબૂતીથી ટકાવી શકે છે...’ તેમનો એક ચુકાદો પી.એમ.ઓ (પ્રાઈમ મિનસ્ટિર્સ ઓફિસ)ની ઢીલાશ વિશેનો હતો તેનાથી તો નાગરિક વિચારતો થયો કે જો સંસદીય લોકતંત્રમાં સર્વોચ્ચ પ્રતિનિધિ વડાપ્રધાનનું કાર્યાલય આવા દિશાહીન છબરડા વાળતું હોય તો બીજે શું નહીં થતું હોય?ગઈકાલના ચુકાદાના એકથી વધુ નિષ્કર્ષ છે.
કેન્દ્રમાં પી. ચિદમ્બરમ જેવા પૂર્વ નાણાપ્રધાન માટે જ નહીં, મંત્રીમંડળના સર્વોચ્ચ ગણાતા વડાપ્રધાન અને સંસદીય લોકશાહીની તંદુરસ્તી માટે ચિંતા કરનારા સૌને માટે રસ્તો બતાવે તેવો આ પ્રસંગ છે. રાજકારણ અને વહીવટીતંત્ર જ જ્યાં નૈતિક નાદારી નોંધાવે તો પછી મતદારનો મૂલ્યવાન મત પણ નકામો બની જાય! સ્વાધીન ન્યાયતંત્રની સાથે જ પ્રજાકીય કલ્યાણનો એકમાત્ર અભિગમ ધરાવતું સત્તાનું રાજકારણ પણ જોઈશે. તે વાત ન્યાયાલયે સાહસપૂર્વક કહી છે. આ ચુકાદાના રાજકીય પરિણામો પ્રત્યે કોણ, કેટલું સંવેદનશીલ છે એ પણ જલદીથી- દિવસોમાં નહીં, કલાકોમાં- ખબર પડી જશે.
તેનો પ્રભાવ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કેવો રહેશે? અત્યારે તો કોઈ પણ ભોગે જીતી જવું, તે જ ઉમેદવારની ‘લાયકાત’ છે! જરાક યાદી જુઓ : તેમાંના કેટલાક ગુનેગારો છે. મોટા ભાગે જાતિ અને સંપ્રદાયના પ્રતિનિધિ છે. કેટલાક જેલમાં છે, બીજા કેટલાક જલદીથી જેલમાં જવાના છે. તેમને અનામતના જથ્થામાં યે જથ્થાની લાલચ અપાઈ રહી છે.
ઓબીસી, મુસલમાન, દલિત, સવર્ણ, રાજપૂત, કુરમી, યાદવ... નામાવલિની આ લાક્ષણિકતાઓના આધારે ઉમેદવારી નોંધાવાઈ રહી છે. એક પક્ષ બીજાને કહે છે કે તમે ભ્રષ્ટાચારી છો, તો બીજો પક્ષ હસીને કહે છે, ‘તમે ક્યાં કમ છો?’ શરૂઆતમાં નોંધ્યા તેમાં બીજા ‘સી’ ઉમેરવા હોય તો કાસ્ટીઝમ અને કમ્યુનલઝિમને મૂકી શકાય, અને છતાં તેમના પક્ષ-બંધારણમાં તેઓ ‘સેકયુલર’ તો છે ને છે જ! જ્યાં ચૂંટણી નથી, ત્યાં પણ પેલો વિરોધાભાસ- કોન્ટ્રાડિકશનની ગેરહાજરી નથી.
જયપુરમાં સાહિત્ય સમારંભ થયો અને સલમાન રશ્દીને આમંત્રણ અપાયું તો જે ઊહાપોહ થયો, તેનું મૂળ ઈરાનના આયાતુલ્લા ખુમેનીએ રશ્દી માટે ભૂતકાળમાં બહાર પાડેલો ફતવો છે કે શું? આ સાહિત્યકારો યે કેવા, જે ધરપકડના ડરથી સમારંભ છોડીને નાસી ગયા? તસલિમા નસરીનની આત્મકથાનો સાતમો ખંડ ‘નિવૉસન’ કોલકાતામાં ભારે વિવાદ સાથે વિમોચિત થયો. એક જગ્યાએ ભાંગફોડ પણ થઈ. ઝનૂની જેહાદના આ પ્રકારનો મેળ વિચારસ્વાતંત્રયની તંદુરસ્તી સાથે પડતો નથી. ભારત સરકાર તસલિમાને ભારતીય નાગરિકતા હજુ આપી ન શકે તે ઓછી લજજાની વાત છે?
દેશની ભીતર અને બહાર એક્સરખી સાવધાની અને સજજતાનો અભાવ દર્શાવે છે કે નેતૃત્વની ખરી ઊંચાઈનો પણ દુકાળ પડવા માંડ્યો છે. ‘પિગ્મેલિયન જાહેર જીવન’ અત્યારનો અભિશાપ છે, અને તેને સમાપ્ત કરવાનો ઉપાય પૂર્વગ્રહ વિના શોધીએ તો તે રાજકીય-સામાજિક-સાંસ્કૃતિક ઇચ્છાશક્તિના સંકલ્પમાંથી પ્રાપ્ત થઈ શકે? વર્તમાનનાં સંકટમાંથી જ અને ન્યાયતંત્રના ચુકાદાઓમાં આનો જવાબ મેળવવાનો છે.
વિષ્ણુ પંડ્યા, લેખક વરિષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર છે.