લોકપાલ : ઈચ્છાશક્તિ વિનાની વ્યૂહરચનાભારત ભાગ્ય વિધાતા! તું ક્યાં ખોવાઈ ગયો છે? અમને તારી સખત જરૂરત છે- ઇસુ વર્ષ ૨૦૧૨માં તેના આગમનની આશા માટે કોઈ કિરણ કે કોઈ કારણ બનશે ખરાં?
વર્તમાન ચિત્ર જોતાં આ સવાલ તો ઊભો રહે જ છે- ભારતીય પ્રજાની પીડા અને મહત્વાકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરનાર ‘ભારત ભાગ્ય વિધાતા’ કોણ છે? કાચું પાકું લોકપાલ વિધેયક? જેને પ્રજાની પ્રતિનિધિ સર્વોચ્ચ સંસ્થા માનવામાં આવે છે તે સંસદગૃહ?
લોકપાલ વિધેયક નિમિત્તે સંસદથી સડક સુધી જે મંથન થયું, દેશ આખામાં ઊહાપોહ થતો રહ્યો તેને વિદાય લઈ રહેલાં ઇસુ વર્ષ ૨૦૧૧નો કેવો ઉપહાર ગણી શકાય? સાન્તાકલોઝ તો ‘મજબૂત લોકપાલ’ની બક્ષીસ આપી દે તેવું લાગતું નથી પણ કાનૂન ઘડનારી- અને તેવા અધિકાર માટે ગૌરવ લેનાર- સંસદમાં જે વિધેયક પ્રસ્તુત થયું તે તદ્દન નબળું છે એ એક અભિપ્રાય, બીજો ‘આ ભારે મહત્વનું વિધેયક છે, ભ્રષ્ટાચાર સામેની લડાઈ માટે પ્રતિબદ્ધ છે’ એવો છે. આ ચર્ચામાં સમવાયી શાસનની જિકર થઈ કેમ કે રાજ્યો-પ્રદેશોને પોતાની સત્તા પર કેન્દ્ર હાવી થવા લાગે છે તેવી મોટી આશંકા જાગી છે. ખુદ યુપીએના સાથીદાર પક્ષો સહિત, બીજા નાના-મોટા, પ્રાદેશિક પક્ષોએ વિરોધ નોંધાવ્યો.
વિધેયક માટે પ્રસ્તુત સંશોધનોની સંખ્યા ઘણી મોટી રહી, અને તેમાં જોગવાઈઓ છે તેનાથી શાસક પક્ષે ભાગી છુટવાની જરૂર કેમ રહી? આનાથી તો માત્ર ફજેતી જ મળી! હવે ડૉ.. મનમોહનસિંહ કહે છે: ‘લમ્હોંને ખતા કી થી, સદીઓંને સજા પાયી!’ વડાપ્રધાને પરંપરામાં આવેલા કેન્દ્ર શાસનને નજરમાં રાખીને આવું કહ્યું હોત તો કેવું સારું? ચર્ચા તો એવી છે કે વડાપ્રધાનની આસપાસ ઘેરાયેલાં ઘનઘોર વાદળાંની આ, જાણ્યે-અજાણ્યે થયેલી અભિવ્યક્તિ છે! ...પણ આ વિધેયકથી, અને તેની ચર્ચાથી સાન્તાકલોઝની થેલીમાંથી આપણને શું મળ્યું?
‘હા’ અને ‘ના’ની જિદ્દની ટકરામણ? માત્ર જ્ઞાનતંતુઓનું યુદ્ધ? કે આગામી ચૂંટણી માટેની વ્યૂહરચના? જે કંઈ હોય તે, છેલ્લા કેટલાક દિવસોથી લાંબી ચર્ચા ચાલી, ઉપવાસો થયા, સભાઓમાં ભાષણો સળવળ્યાં, ક્રિયા અને પ્રતિક્રિયાઓનાં વમળો સરજાતાં રહ્યાં, અન્નાએ ત્રીજીવાર ઉપવાસ કર્યા... સંસદીય લોકશાહીના પંડિતોએ આને અભૂતપૂર્વ ઘટના તો કહી છે, પણ સામાન્ય માણસના મનમાં એક બીજો સવાલ છે : આમાંથી દેશને શું ખરેખર ભ્રષ્ટાચારનો ઉકરડો સમાપ્ત કરનારી કોઈ વ્યવસ્થા ઊભી થશે ખરી?
એક્સો વર્ષ પહેલાં, આ દિવસોમાં કોલકોતામાં કોંગ્રેસ અધિવેશનમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું એક ગીત ગવાયું, જનગણમન...’ તેમાંનો એક શબ્દ છે: ‘ભારત ભાગ્ય વિધાતા!’ આજે તો દેશ સ્વતંત્ર છે, ચૂંટણીપ્રથા છે, સંસદ છે.
રાષ્ટ્રગીત તરીકે જનગણમનને બંધારણીય દરજજો મળ્યો છે, સભા-સમારંભોમાં તેનું સમ્માનપૂર્વક ગાન થાય છે એ તો ખરું, પણ સંસદમાં જે રીતે લોકપાલ વિધેયક પ્રસ્તુત થયું, બાર કલાક લોકસભામાં અને પછી રાજ્યસભામાં તેની તરફેણ-વિરોધમાં ચર્ચા ચાલી, અખબારોનાં પાનાં છલકાયાં, ન્યૂઝ ચેનલો નિષ્ણાતોના અભિપ્રાયો રજૂ કરતી રહી, મુંબઈ-દિલ્હીમાં કડકડતી ઠંડીમાં અણ્ણાના સિપાહી જેવા આંદોલનકારીઓએ ઉપવાસ કર્યા... તે પછી તો પેલો સવાલ વધુ ઘૂંટાયો છે: આપણા માટે ભારત ભાગ્ય વિધાતા કોણ?
૨૦૧૧ના ડિસેમ્બરે, વષાઁ તે સંસદીય લોકશાહીમાં પ્રજાકીય પરેશાનીનો ઉકેલ શોધવા માટે લોકપાલ વિધેયક આવ્યું તો ખરું પણ વર્તમાન ચિત્ર જોતાં આ સવાલ તો ઊભો રહે જ છે- ભારતીય પ્રજાની પીડા અને મહત્વાકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરનાર ‘ભારત ભાગ્ય વિધાતા’ કોણ છે? કાચું પાકું લોકપાલ વિધેયક? જેને પ્રજાની પ્રતિનિધિ સર્વોચ્ચ સંસ્થા માનવામાં આવે છે તે સંસદગૃહ? જ્યાં ભ્રષ્ટાચાર-વિરોધી તીવ્ર સંવેદના સરજાઈ છે તે અણ્ણા-આંદોલન? ‘અમે પ્રજાના પ્રતિનિધિઓ છીએ, કાનૂન ઘડવાનું કામ અમારું’ એમ કહેનારા સાંસદો? શાસન ચલાવી રહેલી યુપીએ સરકાર? વડાપ્રધાન ડૉ..સિંહ, કોંગ્રેસ સુપ્રીમો શ્રીમતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી?
વારંવાર પ્રયોજાતો શબ્દ ‘રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ’ એ આજની પરિસ્થિતિનું મૂળ કારણ છે. તેમાંથી વ્યૂહરચનાઓની માયાજાળ શરૂ થઈ. ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા માટે એક મજબૂત લોકપાલ વિધેયક જોઈએ, એટલી સાદી સીધી વાતના અમલમાં કેટકેટલા ગૂંચવાડા ઊભા કરાયા? ચર્ચાને ખોટા રસ્તે ચડાવી દેવાઈ, ઉપવાસીઓની સામે પહેલાં લાલ આંખ કાઢી, ધરપકડ કરી, પછી અનશનને મંજૂરી અપાઈ, તેમની સાથે મંત્રણા માટે રાજદૂતો દોડ્યા, જુદા જુદા પક્ષોની સાથે વાતચીત થઈ, સમિતિએ સૂચનો મંગાવ્યા, ડ્રાફટ કમિટિએ મસવિદો તૈયાર કર્યો, વળી મંત્રીમંડળની બેઠક થઈ, છેવટે લોકસભામાં વિધેયક પ્રસ્તુત થયું ત્યારે વિપક્ષોને લાગ્યું કે અમારી વિરોધ-નોંધોને હડસેલી દેવાઈ છે અને અણ્ણા-ટીમને તો આ ખતરનાક વિશ્વાસઘાત જ લાગ્યો... વડાપ્રધાન અણ્ણાને કાગળ લખે અને તેના પક્ષના કેટલાક નેતાઓ અણ્ણાને ‘સૈન્ય ના ભાગેડુ’ ગણાવે! ખેલ બંને બાજુ તો નહીં, અનેક બાજુનો શરૂ થઈ ગયો.
તેનું પ્રથમ પરિણામ એ આવ્યું કે વિધેયક તો પસાર થયું (બહુમતી શું શું કરી શકે તેનો આ પ્રયોગ હતો!) પણ બંધારણીય જોગવાઈ પૂરી પાડતી વ્યવસ્થાનું ઠેકાણું ના પડ્યું! એમાં યે જો આ વિધેયક જે રીતે પસાર થયું તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવે તો... ‘જો’ અને ‘તો’ની આ નિયતિ આપણા માટે તો એક જ મુકામે પહોંચાડી શકે કે ભ્રષ્ટાચારનાં મૂળિયાં સમેત વિચ્છેદન માટેની ન તૈયારી છે, ના સંકલ્પ! સંસદીય લોકશાહીએ આપેલી ઉત્તમ જોગવાઈઓનો કનિષ્ઠ ઉપયોગ કરીને, વ્યૂહરચનાનાં જંગલમાં તેને ભુલભુલામણી તરફ ધકેલી દેવામાં આવે ત્યારે અફસોસપૂર્વક પ્રશ્ન કરવો પડે કે, ભારત ભાગ્ય વિધાતા! તું ક્યાં ખોવાઈ ગયો છે? અમને તારી સખત જરૂરત છે- ઇસુ વર્ષ ૨૦૧૨માં તેના આગમનની આશા માટે કોઈ કિરણ કે કોઈ કારણ બનશે ખરાં?
વિષ્ણુ પંડ્યા, લેખક વરિષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર છે.