લો, અબ મેં ચલા..... ૨૦૧૨ની રાજકીય તસવીરમાં આ પાત્રોની ઉપસ્થિતિ ન હોય તો યે, દરેક રાષ્ટ્રીય સમસ્યા વખતે તેમને યાદ કરવા જ પડે એવાં અસ્તિત્વ તો છે જ!
જનસંઘ પછી ભાજપ : અત્યારે કેન્દ્રમાં વિરોધ પક્ષે અને ગુજરાત સહિત કેટલાંક રાજ્યોમાં સત્તા પક્ષે છે ત્યારે લગભગ બધાને અટલ બિહારી વાજપેયીની ખોટ અચૂક વર્તાય છે. અનેક પ્રશ્ને ‘અટલજી હોત તો-’ વાળી ‘જો’ અને ‘તો’ની નિયતિ હોઠ પર આવી જતી હશે.
ડૉ.. મનમોહનસિંહ, શ્રીમતી સોનિયા ગાંધી, એલ.કે. અડવાણી, પ્રણવ મુખરજી, જયલલિતા, કરુણાનિધિ, શરદ પવાર, નરેન્દ્ર મોદી, મમતા બેનરજી... સાંપ્રત રાજકારણનાં આ બધાં પાત્રોની વચ્ચે ક્યાંય ન દેખાતાં, પણ લાંબા સમય સુધી મહત્વનાં બની ચૂકેલાં બે નામો યાદ કરવા પડે તેવાં છે તે અટલ બિહારી વાજપેયી અને જયોર્જ ફર્નાન્ડિઝ.
એકે વિરોધ પક્ષના સમર્થ નેતા તરીકે અને ગઠબંધનની એન.ડી.એ. સરકારના વડાપ્રધાન તરીકે ભારતીય રાજનીતિના કંઈ કેટલા પડાવ પાર કર્યા તો બીજા નેતા ડૉ.. રામમનોહર લોહિયાની પ્રેરણાપૂર્વકના સમાજવાદી લડાયક મજદૂર નેતા રહ્યા. આ બંને આજે બીમારીના બિછાને વર્તમાન ભારતને નિહાળી રહ્યા છે. નિતનવી રાજકીય સમસ્યાઓ નિમિત્તે જો સક્રિય હોત તો કેવી ભૂમિકા ભજવી હોત આ રાજપુરુષોએ? આ સવાલ આપણને થાય તે સ્વાભાવિક છે.
વાજપેયી આગામી ૨૫મી ડિસેમ્બરે નેવુંના દશકના ઉત્તરાર્ધે હશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમના કથળેલા સ્વાસ્થ્યે અને અમુક અંશે સ્વૈચ્છિક સંન્યાસના નિર્ણયથી તેમણે વર્તમાન પ્રવાહોમાં સક્રિય રહેવાનું ટાળ્યું છે. પહેલીવાર ૧૩ દિવસ સુધી વડાપ્રધાનપદે રહ્યા પછી રાજીનામું આપ્યું તે સાંજે ૬, રાયસીના માર્ગના તેમના નિવાસસ્થાને તેમણે ડૉ.. શિવમંગલસિંહ ‘સુમન’ની એક કાવ્યપંક્તિ કહી હતી તેનું સ્મરણ મને એવું ને એવું છે.
કહ્યું હતું તેમણે : ‘ક્યા હાર મેં, ક્યા જીત મેં, કિંચિત નહીં ભયભીત મૈં, જીવન પથ પર જો મિલા, વહ ભી સહી, યહ ભી સહી!’ અત્યારે પણ તેમની દાર્શનિક ભૂમિકા એવી ને એવી છે. ‘મેરી અનુભૂતિ’ ફિલ્મ માટે તેમની એકાધિક મુલાકાતો લેવાની થઈ, તેમાં એકવાર તેમણે છલોછલ આંખે ‘ઊંચાઈ’ કવિતા સંભળાવી હતી, તેનો મર્મ એ હતો કે ખાલી ઊંચા થવાથી ઊંચાઈ નથી થતી, તળેટીનોય નમ્ર સ્વીકાર કરવાથી જ ઊંચાઈ વધે છે!
વાજપેયીના જીવનનો પૂવૉર્ધ વિપક્ષના રણમાં જહાજ ચલાવવાનો હતો. શાસનનો ઉત્તરાર્ધ તો ઘણો મોડો આવ્યો. આ બંને છેડાને તેમણે કુશળતાથી અને બેશક, સંવેદનશીલતાથી પાર પાડ્યા હતા. ‘સંસદીય જીવન કે ચાર દશક’ ગ્રંથોમાં તેમનાં વિદેશનીતિ, અર્થકારણ અને રાષ્ટ્રીય પ્રશ્નો પરનાં ભાષણો છે. અહીં અમદાવાદમાં જયપ્રકાશ ચોકની સભામાં ૧૯૭૪ના ફેબ્રુઆરીની સભામાં જે.પી.એ કહ્યું હતું, ‘અબ મૈં ક્યા બોલુંગા?’ પછી વાજપેયી તરફ જોઈને કહે : ‘ઉન કી જીભ પર તો સરસ્વતી બસતી હૈ!’
પ્રારંભે સંસદ-પ્રવેશ સમયે પંડિત જવાહરલાલ નેહરુ વડાપ્રધાન હતા, તેમણે વિદેશી મહેમાનોને એક ભોજનસભારંભમાં પરિચય કરાવતાં કહ્યું હતું : ‘આ ભવિષ્યના ભારતના નેતા છે...’ એ જ નેહરુજીની ખિલાફ જરૂરત પડી ત્યારે, ચીન-પાકિસ્તાન આક્રમણ, બેરુબારી અને કચ્છ-પ્રશ્ન, ગૌહત્યા વિરોધી આંદોલન, તિબેટની સમસ્યા, મોંઘવારી જેવા પ્રશ્નો પર તેમણે લોકસભા ગજવી હતી અને વડાપ્રધાનપદેથી નૈતિક ગૌરવ સાથે રાજીનામું આપ્યું ત્યારે સમગ્ર સંસદગૃહને એક વાક્ય હચમચાવી ગયું હતું : લો, અબ મૈં ચલા... વિદાયની ભીતર ફરી આગમનનો અણસાર આપતા હોય તેમ, વળી પાછા ચૂંટણીમાં વિજિત થઈને વડાપ્રધાન પણ બન્યા. એ દિવસે તેમણે જનસંઘના અકિંચન સ્વર્ગવાસી નેતાને સંભાર્યા હતા, ‘કાશ, આજ દીનદયાલજી જીવિત હોતે!’
જનસંઘ પછી ભાજપ : અત્યારે કેન્દ્રમાં વિરોધ પક્ષે અને ગુજરાત સહિત કેટલાંક રાજ્યોમાં સત્તા પક્ષે છે ત્યારે લગભગ બધાને અટલ બિહારી વાજપેયીની ખોટ અચૂક વર્તાય છે. અનેક પ્રશ્ને ‘અટલજી હોત તો-’ વાળી ‘જો’ અને ‘તો’ની નિયતિ હોઠ પર આવી જતી હશે.
દિલ્હીમાં જ પંચશીલ પાર્કમાં અત્યારે ધુંઆધાર નેતા જયોર્જ ફર્નાન્ડિઝ બીમારીની શય્યા પર પડ્યા છે. તેઓ અલ્ઝાઈમર અને પાર્કિન્સનથી ગ્રસ્ત છે. આગંતુકને ઓળખી શકતા નથી. પત્ની લૈલા કબીર તેમની સારસંભાળ રાખે છે. પત્રકાર વંદિતા મિશ્રાએ નોંધ્યું છે તેમ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહે દલાઈ લામા તેમને મળવા જઈ પહોંચ્યા હતા. માંડ પથારીમાં બેસી શક્યા. દલાઈ લામાએ તેમના હાથ પકડી લીધા. જયોજેઁ આંખો ખોલી. હોઠ ફફડાવ્યા... ગમગીન માહોલ હતો.
આ ઝુઝાર નેતા- સંરક્ષણપ્રધાન હતા ત્યારે પણ- કૃષ્ણમેનન માર્ગ પરના નિવાસસ્થાને એક-બે રૂમ તિબેટિયનોની આઝાદી માટે કામ કરતા યુવાનોને કાયમ માટે ફાળવ્યા હતા! ૧૯૯૬ની કડકડતી ઠંડીની જાન્યુઆરીની આખી રાત ફર્નાન્ડિઝની સાથે અમે બેઠા હતા ત્યારે તરેહવારના વિષયો પર આ ‘અગ્નિભર્યા’ વ્યક્તિત્વે વાતો કરી હતી. મિનિસ્ટર તરીકે તેમના નિવાસસ્થાને કોઈ સુરક્ષાની વ્યવસ્થા નહોતી. તેમના દીવાનખંડ સુધી પહોંચી જવાની તક મળતી. દલાઈ લામા તિબેટ માટે, ડૉ.. લોહિયાની જેમ જ અખંડ સંઘર્ષ-સમર્થન કરી રહેલા જયોર્જનું ઋણ ચૂકવવા જ આવ્યા હોય તેમ લાગ્યું તિબેટ માટે જયોર્જ અને અટલજી બંને એક્સરખી લાગણી ધરાવે છે.
ફર્નાન્ડિઝની રાજનીતિનો રસ્તો પહેલેથી જ ઊબડખાબડ અને થકવી નાખે તેવો રહ્યો હતો. એસ.કે. પાટિલને મુંબઈમાં હરાવીને ચૂંટણીયુદ્ધમાં ‘જાયન્ટ કિલર’નું બિરુદ મેળવ્યું હતું. વડોદરામાં રહીને ઇમર્જન્સી દરમિયાન ‘બરોડા ડાયનેમાઈટ કેસ’ના ‘હાથકડી સાથેના સંઘર્ષશીલ’ની છબિ ન્યૂયોર્ક ટાઈમ્સે પણ છાપી હતી...૨૦૧૨ની રાજકીય તસવીરમાં આ પાત્રોની ઉપસ્થિતિ ન હોય તો યે, દરેક રાષ્ટ્રીય સમસ્યા વખતે તેમને યાદ કરવા જ પડે એવાં અસ્તિત્વ તો છે જ!
વિષ્ણુ પંડ્યા, લેખક વરિષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર છે.