Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Vishnu Pandya
 

સામાન્યજનનું કરિયાણું, વિદેશી કંપનીઓનું હટાણું!

 
Source: Vishnu Pandya   |   Last Updated 12:57 AM [IST](02/12/2011)
 
 
 
 
 
એફડીઆઈ માટે મલ્ટિનેશનલ કંપનીઓએ અમેરિકામાં તો ‘લોબિંગ’ નામે કરોડોનો ભ્રષ્ટાચાર કરીને ભારત-પ્રવેશના દરવાજા ખોલી નાખ્યા છે.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત દેશનાં કેટલાંક રાજા રજવાડાં અને શાસન-કર્તાઓની સમૃદ્ધિ-સુરક્ષાના લાભના કારણે થઈ હતી. પછી તેણે એવો પગપેસારો કર્યો કે દેશના સામાન્ય કારીગરોએ અસામાન્ય કારીગરીની પરંપરા જાળવેલી, તે તૂટી ગઈ.

રાજકીય-આર્થિક ક્ષેત્રે આજે જે ગૂંચવાડો પેદા થયો છે તેમાંથી સામાન્યજનને હતાશા અને ગુસ્સો ન આવે તો જ નવાઈ! આત્મસંતોષ માટે એવું બહાનું ધરી શકાય કે આ તો ‘‘ફિનો’મિનલ’’ (અસાધારણ) પ્રવાહ છે. જુઓને, અમેરિકા, ઇંગ્લેન્ડ કે જર્મની પણ ક્યાં બાકાત છે? નહીંતર એક સામાન્ય સામિયકના તંત્રી કેલી લાસ્ન વોલ સ્ટ્રીટની એક પ્રતિમા પાસે, મિત્રોની સાથે જઈને ‘ઓકયુપાય વોલ સ્ટ્રીટ’ એવું બેનર લગાવે, અને દુનિયાના ઘણા બધા દેશોમાં તે પ્રચંડ ચળવળનું સૂત્ર બની જાય?

આપણે પણ હજુ થોડાક જ મહિનાઓ પર નિહાળ્યું કે મહારાષ્ટ્રના એક નાનકડા ગામના અન્નાસાહેબ દિલ્હીના રામલીલા મેદાનમાં ઉપવાસ પર ઉતરે ને દેશ આખો સમર્થનમાં રસ્તા પર ઉતરી આવે? તેના મૂળમાં પ્રજાજીવનના રોજિંદા જીવનવ્યવહારને ભરડામાં લેતો ભ્રષ્ટાચાર અને તેમાં ઓતપ્રોત રાજકારણી- અધિકારીઓનાં નિરંકુશ વર્તન જ હતાં. બીજાં ઘણાં ઉપવાસ-આંદોલનનો થયાં છે, તેને બદલે અન્ના-સત્યાગ્રહ જ કેમ આટલો ઝંઝાવાત પેદા કરી ગયો તે વિચારવા જેવું છે.

અત્યારે સૌથી વધુ વિવાદાસ્પદ નિર્ણય એફડીઆઈનો છે. રિ-ટેલનો સીધોસાદો અર્થ તો પરચૂરણ વેચાણ થાય છે, પણ આપણા આવડા મોટા દેશમાં તેનો પ્રસાર ઓછો તો ન જ હોય. આજકાલ પ્રવર્તતા આંકડાને અમુક અંશે સ્વીકારવામાં આવે તો ૨.૫ કરોડ વેપારીઓ રિટેલ ક્ષેત્રમાં છે, અને ૨૧ કરોડ લોકો તેમાંથી કમાણી કરે છે. ભારતમાં દર હજારની વસતીએ અગિયાર રિ-ટેલ દુકાનો છે, તેમાં ચાર કરોડ નાના-મોટા વેપારીઓ સામેલ છે. ૩૦ લાખ કરોડ રૂપિયાનાં રિ-ટેલ સેક્ટરમાં ૯૦ ટકા હિસ્સો નાના દુકાનદારોનો છે.

હવે જો કેન્દ્ર સરકારે એફડીઆઈની લાલચ સાથે વિદેશી કંપનીઓને માટે લાલ જાજમ પાથરવાનું નક્કી જ કર્યું હોય તો શું પરિણામ આવશે? ઇસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત દેશનાં કેટલાંક રાજા રજવાડાં અને શાસનકર્તાઓની સમૃદ્ધિ-સુરક્ષાના લાભના કારણે થઈ હતી. પછી તેણે એવો પગપસારો કર્યો કે દેશના સામાન્ય કારીગરોએ અસામાન્ય કારીગરીની પરંપરા જાળવેલી, તે તૂટી ગઈ. તેમને ભૂખે મરવાનો વારો આવ્યો. આપણા શતાબ્દી-વંદનાના કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીએ ઢાકાના મલમલના કારીગરો વિશે ૧૯૩૦માં ‘સર્જક શ્રેષ્ઠ આંગળાં’ કાવ્ય લખ્યું હતું તેમાં તેનો કરુણ ચિતાર છે.

એ કવિતા બ્રિટિશ શાસને પ્રતિબંધિત પણ કરી હતી!એફડીઆઈ અમુક નગરો પૂરતું મર્યાદિત રહેશે, અમુક ટકા જ તેમાં વિદેશી ભાગીદારી રહેશે, ૩૦ ટકા માલ નાના ખેડૂતો પાસેથી ફરજિયાત ખરીદવો પડશે, આપણી મંદી અને બેરોજગારી ઘટશે, એક લાખને રોજગારી મળશે, પ્રતિસ્પધૉને લીધે ભારતીય ઉત્પાદક વધુ અસરકારક બનશે... આ દલીલો એફડીઆઈના સૂત્રધારોની છે.

એ વાત જુદી છે કે કેન્દ્ર સરકાર ખોટા સમયે, ખોટા નિર્ણયો લઈને, વેરવિખેર વિરોધ પક્ષોને તાકાત પૂરી પાડે છે. મતદાન નિવારવામાં આવે, સાથીદાર પક્ષોને સમજાવી-પટાવી લેવાય, વિપક્ષોને કેટલીક બાબતોના સુધારા કરીને મનાવી લેવાય આ બધું અત્યારે રાજકીય મંચ પર ઉપસ્થિત છે, પણ સવાલ આ મુદ્દે હાલ પૂરતાં સમાધાનનો નથી, લાંબા ગાળાનાં પરિણામોનો છે.

એવો ભય સેવાઈ રહ્યો છે કે સામાન્ય ગ્રાહકને પાંચ-દસ રૂપિયાનું કરિયાણું મળતું અને દિવસોની અવધિમાં વ્યવહાર વેપારી પણ ચલાવતો, એવું હવે બનશે? શું વેચાણકર્તા કંપનીઓની મોટી બજારોમાં, ચીની કે તેવો બીજો માલ ઠાલવીને ભારતીય ચીજવસ્તુઓને હાંસિયામાં ધકેલી દેવાશે? શરૂઆતમાં ‘સસ્તો ભાવ’, અને પછી ‘મોંઘોદાટ’ ભાવ-એવી યુક્તિ અપનાવવામાં આવે તો આમ આદમીનું ગજવું તે ખમી શકશે? કાળઝાળ મોંઘવારીમાં એફડીઆઈ-નિર્મિત બજાર હાલતને વણસાવે તો સામાન્ય માણસ પણ યેનકેન પ્રકારે કમાવાની- ભ્રષ્ટાચારી વૃત્તિનો આદતી નહીં બની જાય?

જો અત્યારે જ ૨૬૨ ખરબ રૂપિયાનો છુટક વેપાર થતો હોય તેમાં એફડીઆઈથી સંગઠિત રિટેલ માર્કેટ ૧૨૫૦ અબજ ડોલર સુધી પહોંચી જવાનું હોય તો છેક ગામડાંની નાનકડી ગલીમાં છુટક વેપાર કરનારાઓની સંખ્યા પણ કરોડોમાં છે, તેનું શું થશે? વચેટિયાઓ નહીં રહી શકે પણ ખરીદનાર કંપનીઓ પોતે જ મનફાવતા ભાવ રાખે તો શું થાય? શું સરકારોની પાસે તેમાં અંકુશ રાખવાનો કોઈ અસરકારક ઉપાય છે ખરો? પેલી કંપનીઓ તો ૧૦-૨૦ કરોડના રોકાણ સાથે બજારમાં ધમધમતાં આવશે, અમારો શામજીભાઈ, દેશળભાઈ, કનીબેન કે રણછોડલાલ-માંડ હજાર-લાખની મૂડી પર હાટડી ચલાવે છે તે કઈ રીતે ટકશે? અને ત્યાં નહીં ટકે તો તેનું ભવિષ્ય કાં તો (મળે તો) નોકરી, નહીંતર ભૂખમરો! આનો ગળે ઉતરે તેવો ખુલાસો સામાન્ય નાગરિક માગે છે.

છેલ્લી વાત રાષ્ટ્રીય સંપત્તિમાં વધારાની છે. આવક વધશે, પણ તેનો ઉપયોગ તો વિકાસ માટેની સેવા અને ઉત્પાદનમાંને બદલે વહીવટ અને શાસકોના અઢળક ખર્ચામાં જ થતો હોય તો તેનો અર્થ શો- આવો સવાલ પૂછાતો થયો હોઈ સરકાર-પક્ષોને કહેવું રહ્યું કે એફડીઆઈ માટે મલ્ટિનેશનલ કંપનીઓએ અમેરિકામાં તો ‘લોબિંગ’ નામે કરોડોનો ભ્રષ્ટાચાર કરીને ભારત પ્રવેશના દરવાજા ખોલી નાખ્યા છે. આપણે પણ, જેવું સામ્યવાદી દેશોમાં બન્યું તેવું, લોકશાહીમાં, મિલોવાન જિલાસે કહેલો તેવો ‘ન્યુ કલાસ’ ઊભો નથી કરી રહ્યાંને, જે દેશને નવા શોષણ તરફ લઈ જાય છે? આંકડાના અર્ધસત્ય અને દલીલોની પાછળની ભ્રમણાને તોડીને આનો વિચાર થવો જોઈએ.

વિષ્ણુ પંડ્યા, લેખક વરિષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.