Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Vishnu Pandya
 

ભારત, ચીન અને ગુજરાત

 
Source: Vishnu Pandya   |   Last Updated 12:42 AM [IST](18/11/2011)
 
 
 
 
 
ચીનની દોસ્તી અને ચીન સામેની સાવધાની
૧૯૬૨ના ચીની આક્રમણને વારંવાર યાદ કરવું પડે તેનું કારણ ચીનની સામ્રાજ્ય વિસ્તારની ભૂખ છે. દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશોને તેનો અનુભવ છે. ચીનનો ભરોસો કેટલો-કેવોક થાય?

રાષ્ટ્રીય સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ આ બે મોટાં અને મહત્વનાં પરિબળો છે. તેની આસપાસ બાકીના નિર્ણયો લેવાય તો એ રાષ્ટ્ર ટકી રહે છે. એ તો સાવ સાચું છે કે મિત્રો બદલી શકાય છે, પડોશીઓ નહીં.

હમણાં ચીને વળી પાછી સરહદે ભારતીય લશ્કર વિષે ધમકી આપી છે. ઓક્ટોબર-નવેમ્બર મહિના ભારતીય જનમાનસમાં કાયમને માટે ભારત-ચીન સરહદો પર ૧૯૬૨માં થયેલા ભીષણ આક્રમણનું સ્થાન રહ્યું છે. ‘જબ દેશમેં થી દિવાલી, વે ખેલ રહે થે હોલી’ એ આપણા સૈનિકોએ જીવન-મૃત્યુનો જંગ ખેલીને ચીની લશ્કર આગળ ન ધપે તેવા પ્રયાસ કર્યા તેને માટે અપાયેલી અંજલિ છે. લતા મંગેશકરે કવિ પ્રદીપના એ ગીતની પંક્તિનો છેલ્લો અંશ ગાયો ત્યારે, ‘તુમ ભૂલ ન જાઓ, ઈસ લિયે કહીં યે કહાની’ સાંભળતાં, પંચશીલની પ્રામાણિકતાથી કરેલી ભૂલ અને ચીની વિશ્વાસઘાતથી અજંપો અનુભવતા જવાહરલાલની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.

પ્રદીપજીનું એક વધુ કાવ્ય હતું : ‘તુમ હો ચીન, તો હમ પ્રાચીન!’૧૯૬૨ના ચીની આક્રમણને વારંવાર યાદ કરવું પડે તેનું કારણ ચીનની સામ્રાજ્ય વિસ્તારની ભૂખ છે. એકલા ભારતને જ નહીં, દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશોને તેનો અનુભવ છે. અમે બોધપાઠ આપીશું’ એવું કહીને ચીને વિયેતનામ પર આક્રમણ કર્યું હતું. હમણાં બાલીમાં પૂર્વ એશિયા સંમેલન થયું તે ચીનની ગીધનજરથી સાવધાન બનેલા નાના દેશોના સંગઠનનો સંકેત આપે છે.

એશિયામાં ચીનનું વર્ચસ્વ વધે કે અમેરિકાનું- તે મુખ્યત્વે આર્થિક, ભૌગોલિક અને રાજકીય ક્ષેત્રમાં- ભારે મહત્વનો સવાલ છે અને તેમાંથી આવા આં.રા. પ્રશ્નો અને પ્રવાહો સર્જાતા રહ્યા છે. ૧૯૯૧માં સોવિયેત સંઘ ધરાશાયી થયા પછી આર્થિક-રાજકીય નકશો બદલવાની ચીનની ચાલાકી વધી ગઈ છે. પરંતુ ચીનનો ભરોસો કેટલો અને કેવોક થાય? તિબેટમાં ભાષા, સંસ્કૃતિ અને રાજવ્યવસ્થા ત્રણે રીતે ચીન સર્વભક્ષી પુરવાર થયું છે. કાશ્મીરી પંડિતોની જેમ તિબેટિયનો પણ ભારતમાં ચોતરફ જીવનયાપન માટે ફરતા હોય છે. આજકાલ અમદાવાદમાં શિયાળુ વસ્ત્રોનાં વેચાણ માટે તિબેટિયન બજાર ઊભું થયું, ત્યાં એક તિબેટિયન યુવકે ઉદાસ આંખોએ કહ્યું, ‘અમારી આ ત્રીજી પેઢી છે... જેણે માતૃભૂમિ લ્હાસાને માત્ર નકશામાં જોયું છે!’

આમ ગણો તો ચીન-ભારત તેની સાંસ્કૃતિક ચિંતનની વિરાસતમાં એકસરખાં છે, પણ સામ્યવાદી ચીનનો સરહદોને ખતરનાક અનુભવ થઈ ચૂક્યો છે. ૧૯૫૦માં સરદાર પટેલે ચેતવેલા. ૧૯૬૦થી ‘પંચશીલ કરાર’માં સાવધાની માટે લોહિયા-જેપી-કૃપલાણી-ડૉ.. મુખરજી આગળ આવ્યા હતા. નેહરુ-મેનન ન માન્યા. ૧૯૫૩માં ટચુકડા ભારતીય જનસંઘની રાષ્ટ્રીય કારોબારીએ ચીની બદદાનત પર સવાલ ઉઠાવતો પ્રસ્તાવ કરેલો. આજ સુધીમાં આંતરરાષ્ટ્રીય પ્રશ્નો અને વિદેશનીતિના મુદ્દે પ્રસ્તાવો થયા તેમાં ‘ચીન સાથેના સંબંધોમાં સુધાર’ માટેના પ્રયાસોની સાથોસાથ ‘ભારતીય સરહદ પર વિસ્તારો અને દાવાઓ’ સામે દ્રઢતાથી કામ લેવાની માગણી અચૂક કરાઈ છે.

આવી સાવચેતીની પાછળ મોટું કારણ ચીનના સત્તાધીશોએ ભારતીય સરહદ પર જે દાવ અજમાવ્યા, તે છે. ૧૦ ઓક્ટોબર ૧૯૬૨ એવો નિર્ણાયક દિવસ છે જ્યારે ખરેખરું યુદ્ધ થયું. આવતી સાલ એને ૫૦ વર્ષ પૂરાં થશે. ૧૯૫૦માં અકસાઈ ચીનમાં ચીની હિલચાલને અમેરિકાએ દર્શાવી. ૨૫ ઓગસ્ટ, ૧૯૫૯ લોંગ્જુ પર હુમલો. નવ ભારતીયોને મોતને ઘાટ ઉતારાયા. ‘પીપલ્સ ડેઈલી’ ચીની સરકારી અખબારે નેહરુ પર દોષનો ટોપલો ઢોળ્યો ને લખ્યું : ‘નેહરુએ બુદ્ધિમત્તા દર્શાવવી જોઈએ.

દક્ષિણપંથી રાજકારણીઓ, સંસદસભ્યો અને લશ્કરી અધિકારીઓના ફંદામાં ફસાઈને ચીન-વિરોધી ચક્રમાં ન ફસાઈ જાય તો સારું!’ ૮ સપ્ટેમ્બરે તેણે ભારતની ૫૦,૦૦૦ વર્ગમાઈલ જમીન પર દાવો કર્યો. તેમાંની ૧૨,૦૦૦ વર્ગમાઈલ પચાવી પાડી. ૧૯ એપ્રિલ, ૧૯૬૦ ચાઉ એન લી ભારત આવ્યા. ‘અમે મેકમોહન માની લઈએ, તમે અકસાઈ ચીન અમને આપી દો!’ ચાઉની આવી માગણી સામે નેહરુથી કહેવાઈ ગયું : ‘તો... હું વડાપ્રધાન નહીં રહી શકું!’ પછી તો ધો-લા, તવાંગ, લડાખ, અરુણાચલ, થાંગ-લા, બોમ્ડી-લા, વાલોંગ, દિરાંગ, જોંગથી તેજપુર સુધીનો રક્તરંજિત ઈતિહાસ જગજાણીતો છે. આજે ય ચીન અરુણાચલને તો પોતાનું જ માને છે.

રાષ્ટ્રીય સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ- આ બે મોટાં અને મહત્વનાં પરિબળો છે. તેની આસપાસ બાકીના નિર્ણયો લેવાય તો એ રાષ્ટ્ર ટકી રહે છે. એ તો સાવ સાચું છે કે મિત્રો બદલી શકાય છે, પડોશીઓ નહીં. અટલબિહારી વાજપેયીના, વિપક્ષનેતા તરીકે અને વડાપ્રધાન તરીકેનાં પ્રવચનો-લેખો-વક્તવ્યોના દસ્તાવેજી પુસ્તકો (‘મેરી સંસદીય યાત્રા : તીન દશક’ અને ‘સંકલ્પકાલ’) તેમજ વાજપેયી-નેહરુ વચ્ચે લોકસભામાં ભાષણોની દસ્તાવેજી પુસ્તિકા ‘ચાઈના પોલિસી : વ્હેન વાજપેયી કલેશક વિથ નેહરુ’ હમણાં હાથમાં આવ્યાં, ‘ચીનની દોસ્તી અને ચીન સામેની સાવધાની’ બંનેનો તેમાં સ્પષ્ટ અંદાજ છે.

ગુજરાતના મુખ્યપ્રધાન ઔદ્યોગિક અને વેપાર-વિકાસ માટે હમણાં ચીન-પ્રવાસે ગયા હતા. તેમણે અરુણાચલ અને સરહદી પ્રશ્નો ઉઠાવેલા. તેનો કોઈ ખુલાસો ચીન તો શાનું કરે? મોદી પણ જાણતા હતા કે આ પ્રશ્નો તો ચીન માટે ટિનાનમેન સ્કવેર કરતાં યે વધુ મહત્વના છે! ‘ગુજરાત અને ચીન’ જેવા મુદ્દે વધુ નિર્ણયો, વધુ સાવધાની અને વધુ ચર્ચાને અવકાશ છે. એકલા ઉદ્યોગ કે વેપાર પૂરતો એકાંગી મુદ્દો નથી એ વાત વિચારધારાની ભૂમિકાએ નરેન્દ્ર મોદી ન સમજતા હોય એવું માનવાને કોઈ કારણ નથી.

વિષ્ણુ પંડ્યા, લેખક વરિષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.