સદ્ભાવના મિશન અભિયાન બનવું જોઈએ
એક વર્તમાન અને એક પૂર્વ મુખ્યમંત્રી- મૂળ એક જ પક્ષના કૂળના, પણ હવે અલગઅલગ- ૧૭મીથી ઉપવાસે છે, ‘સાથે નહીં, સામસામે’. એ ર્દશ્ય જરાક અલગ પ્રકારનું છે.
મોદીના સમર્થનમાં યુનિવર્સિટી મેદાનમાં કેશુભાઈ દેખાશે કે કેમ અને શંકરસિંહની સાથે કોંગ્રેસના પૂર્વ મુખ્યપ્રધાનો માધવસિંહ સોલંકી, સુરેશ મહેતા અને દિલીપ પરીખ જોડાશે ખરા- આ મજાની જિજ્ઞાસા રહે! છેવટે તો, મુદ્દાની લડાઈ છે ને?
ધરણાં, ઉપવાસ અને આમરણ અનશન: આ ત્રણે તરીકાઓ સ્વાતંત્ર્યની લડાઈ દરમિયાનનાં ફરજંદ છે. ૧૯૫૦માં સંસદીય લોકશાહી સાથેની સ્વતંત્રતા મળી તે પછી, ન જાણે કેટલી બધીવાર અનશન સ્વરૂપે વિરોધ કરવામાં આવ્યો છે અને આજે પણ તે ચાલુ છે. અગાઉ ભાષાવાર પ્રાંતરચના માટે આંધ્રમાં રામુલુના ઉપવાસે નવાસવા સ્વાધીન ભારતના રાજકારણને હલબલાવી મૂક્યું હતું. એના જ ચીલે ગુજરાતમાં મહાગુજરાત આંદોલન માટે મોટા ભાગની પ્રજા રસ્તા પર આવી ગઈ ત્યારે અમદાવાદમાં હિંસાચાર સમાપ્ત કરવા માટે મોરારજીભાઈ દેસાઈએ જાહેરમાં ઉપવાસ કર્યા અને તેમણે જ ૧૯૭૫માં નવી દિલ્હીમાં તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની કેન્દ્ર સરકારની ખિલાફ મુખ્યત્વે ‘મિસા’ કાનૂના રાજકીય દુરુપયોગ સામે ઉપવાસ કર્યા તેના પારણાં શ્રીમતી ગાંધીએ કરાવ્યાં અને થોડાક જ મહિનાઓ પછી જૂન, ૧૯૭૫માં એજ ‘મિસા’ હેઠળ લગભગ એક લાખ લોકોને પકડ્યા, તેમાં મોરારજીભાઈ પણ સામેલ હતા!
મોરારજીભાઈ વિરુદ્ધ ઇન્દુલાલ યાજ્ઞિક: આ બે રાજકીય ધુરંધરોની કશ્મકશે ગુજરાતના રાજકારણને અનેકવાર ‘જીવંત’ બનાવી દીધેલું! ચાચાએ તો ગુજરાતમાં કોમી એકતા માટે ય અનશન કર્યા, મોરારજીભાઈએ પણ! આ બધા થોડા કે વધુ દિવસના ઉપવાસો હતા, મરણ સુધીના નહીં. ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે જો ખરેખરો મહત્વનો સાર્વજનિક મુદ્દો હોય તો આ-મરણ અનશનના સત્યાગ્રહીએ તેના તાર્કિક અંત સુધી (એટલે કે મરણ સુધી) પહોંચવું જોઈએ.
ગાંધીજીના મોટા ભાગના ઉપવાસો પરાધીન ભારતીય પરિસ્થિતિમાં એક યા બીજા વિક્ષોભક પ્રસંગ સાથે જોડાયેલા હતા. અલગ મતદારની નીતિરીતિ સામેના તેમના અનશન સમયે ખુદ ડૉ.. ભીમરાવ આંબેડકર તેમને મનાવવા ગયા હતા અને ૧૯૪૭ પછીના નવી દિલ્હીના કોમી હિંસાચાર વખતે ય ગાંધીજીને ઉપવાસ છોડી દેવા માટેનું કહેવા તમામ રાજકીય- સામાજિક મંડળો સક્રિય બન્યાં હતાં. પરંતુ એ સ્વાતંત્ર્યપૂર્વેના સત્યાગ્રહો હતા.
નામાંકિત પત્રકાર ડૉ.. કૃષ્ણલાલ શ્રીધરાણીએ ૧૯૩૬માં અમેરિકનોના પ્રશ્નાર્થોનો પ્રત્યુત્તર આપવા માટે કોલંબિયા યુનિવર્સિટીમાં સંશોધન પછી જે પુસ્તક લખ્યું (અને ડોક્ટરેટની ડિગ્રી મેળવી) તે ‘વા‹ર વિધાઉટ વાયોલન્સ’માં ગાંધીના સત્યાગ્રહનું વિશ્લેષણ કરતાં જણાવ્યું છે કે આ-મરણ અનશન એ સાર્વજનિક વિરોધ માટેનું અંતિમ શસ્ત્ર છે.
‘અનશન એ લોકશાહી પ્રક્રિયામાં વિરોધ કરવાનો યોગ્ય રસ્તો નથી’ તેમ કહેનારાઓએ અણ્ણાસાહેબનાં અનશનનું પરિણામ જોઈને એટલું તો સ્વીકારવું પડ્યું કે આ મરાઠી માણુસે (કેટલાકના મતે જિદ્દી અણ્ણાએ) આવડી મોટી સરકારને- તેમના મિનિસ્ટરોનાં નાદાન વકતવ્યોની વચ્ચે-‘નમ્ર’ બનાવી અને સંસદે તેમના અનશન સમાપ્ત થાય તેવી વિનંતીની સાથે જનલોકપાલ બિલની ચર્ચા માટે વાત મંજૂર રાખી... અનશનનું આ પણ શુભ પરિણામ!
ગુજરાતના આંગણે આવતીકાલ- ૧૭મી સપ્ટેમ્બરથી- મુખ્યપ્રધાન મોદી આમ તો ત્રણ જ દિવસના ઉપવાસ કરવાના છે પણ આ ‘જાહેર ઉપવાસ’, તેને માટેનો સમય અને તે વિશેની ઘોષણા- ત્રણે યે તરેહવારનાં વમળો પેદા કરી દીધાં! મુદ્દો તો ગુજરાતમાં, વિધેયાત્મક વલણોને માટેના ‘સદ્ભાવના મિશન’નો છે, પણ મોદી આ બધું આગામી ચૂંટણી પછી વડાપ્રધાનપદ માટેની રણનીતિ તરીકે આમ કરી રહ્યા છે: એ વાત તો હજુ સમૂહ માધ્યમોમાં સ્થાન મેળવતી રહી છે! ૨૦૧૪માં સામાન્ય ચૂંટણી, ગુજરાતની ધારાસભાની ચૂંટણી, સુપ્રીમ કોર્ટે જાફરી-મુકદ્દમામાં આપેલો ચુકાદો અને અમેરિકન કોંગ્રેસનો અહેવાલ: આ બધું એક સાથે મોદી-ઉપવાસની સાથે જોડાઈ ગયું છે એ એક રસપ્રદ વિશ્લેષણનો મુદ્દો બની જાય છે.
એક વર્તમાન અને એક પૂર્વ મુખ્યમંત્રી- અને બંને એક જ પક્ષના કૂળના, પણ હવે અલગઅલગ- ૧૭મીથી ઉપવાસે છે, ‘સાથે નહીં, સામસામે’. એ ર્દશ્ય જરાક અલગ પ્રકારનું છે. બે મુખ્યમંત્રીઓ ઉપવાસ પર ઉતરે તે ગુજરાતમાં ‘ઉપવાસનાં પ્રજાકારણ’નું નવું પ્રકરણ ઉમેરશે? કદાચ.
આ સિવાયના મુખ્યમંત્રીઓ સત્તરમીની ઘટના વખતે ક્યાં હશે? કેશુભાઈ હજુ ભાજપના વરિષ્ઠ નેતા છે, મોદીના સમર્થનમાં યુનિવર્સિટી મેદાનમાં દેખાશે કે કેમ અને શંકરસિંહની સાથે કોંગ્રેસના પૂર્વ મુખ્યપ્રધાનો માધવસિંહ સોલંકી, સુરેશ મહેતા અને દિલીપ પરીખ જોડાશે ખરા- આ મજાની જિજ્ઞાસા રહે! છેવટે તો, મુદ્દાની લડાઈ છે ને? આ જ મહિનામાં જેમનો જન્મદિવસ આવતો હતો તેવા એક પત્રકારે મોદીને એવી આશા વ્યક્ત કરી કે ‘સદ્ભાવના મિશન’ માત્ર ત્રણ દિવસના ઉપવાસમાં સીમિત રહેવાને બદલે લાંબા ગાળાનું અભિયાન થાય તો કેવું સારું?
વિષ્ણુ પંડ્યા, લેખક વરિષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર છે.
letter2editor@bhaskarnet.com