Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Vishnu Pandya
 

પ્રવાસનને ઈતિહાસ સાથે જોડો

 
Source: Vishnu Pandya   |   Last Updated 1:17 AM [IST](30/09/2011)
 
 
 
 
 
અસલ ખુશ્બૂ ગુજરાત કી

પ્રવાસનનું એક વધુ કામ તે સ્થાનોની સાથે જોડાયેલા ગૌરવવંતા ઈતિહાસનો અંદાજ આપવાનું યે છે. પ્રવાસીઓ માત્ર ‘સહેલાણી’ નથી, પ્રજાજીવનની અસ્મિતાનો અંશ પણ છે.

ગુજરાતમાં એવાં એકસોથી વધુ સ્થાનો છે, જેની પાસે ઈતિહાસ-વૈભવ પડ્યો છે. પ્રવાસનને સાર્થક બનાવવું હોય તો આવાં સ્થાનો સુધી પ્રવાસીઓને દોરી જવાના વિશેષ પ્રયત્નો કરવા પડે.

નવરાત્રિ બરાબર મધ્યાંતરે છે. થોડાક દિવસોમાં જ દુગૉષ્ટમી આવશે અને દુનિયામાં સૌથી દીર્ઘ રાત્રિ-ઉત્સવ તરીકે જાણીતી નવરાતનું સમાપન થશે. રાસરસિયાઓ અને રાસરસિકાઓ તેને શરદપૂનમ સુધી દોરી ન જાય તો જ નવાઈ! હવે તો નવરાત્રિ પ્રવાસન ‘ઇવેન્ટ’ તરીકે ય સ્થાન મેળવી ચૂકી છે. એવો બીજો ‘પતંગોત્સવ’ છે. તીર્થ સ્થાનોએ તો પ્રવાસન વિભાગ નહોતો ત્યારથી શ્રદ્ધાળુઓ પહોંચતા રહ્યા છે.

કચ્છ-ઉત્સવ, હમીરસર તળાવ ઉત્સવ અને વનવાસી મેળા વળી આમાં થોડાક વધુ રંગ ઉમેરે છે. પણ કોઈકવાર એવો સવાલ થાય કે આ બધાની સાથે પ્રવાસન વિભાગ જવલંત ઈતિહાસની આછીપાતળી લકીર પણ કેમ દોરતું નહીં હોય? હમણાં એક ઘટના કોઈકે જણાવી. ‘ખુશ્બૂ ગુજરાત કી’ માટે ખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચન ગુજરાતના પ્રવાસે આવતા રહ્યા છે. પહેલીવાર કચ્છની મુલાકાત લીધી ત્યારે માંડવીના સમુદ્રકિનારે પહોંચ્યા.

ત્યાં તેમને પંડિત શ્યામજી કૃષ્ણવર્માની તસવીર ભેટ આપવામાં આવી ત્યારે ‘કોણ કૃષ્ણવર્મા?’ એવો પ્રશ્નાર્થ ચહેરા પર ચોખ્ખો દેખાયો. દોષ તેમનો ના ગણાય. આ નગરમાં જ ખુદ મુખ્યપ્રધાન પોતાના ખભે જેમનાં અસ્થિકુંભને જિનિવાથી ઉપાડીને લાવ્યા તે દેશેવિદેશે ખ્યાત ક્રાંતિકાર શ્યામજીનું ભવ્ય સ્મારક છે તે માહિતી તેમને આપવામાં આવી હોત તો ‘ઈતિહાસ સાથેનું પ્રવાસન’ સાર્થક થયું હોત. અને તે વિશે ટૂંકી જાહેખબર ફિલ્મમાં બોલ્યા પણ હોત.

પ્રવાસનની સાથે ધાર્મિકાસ્થાનો પહેલેથી જોડાયેલાં છે. પર્વત, સમુદ્ર અને રણ પણ તેમને આકર્ષે છે. પરંતુ એ યાદ રાખવા જેવું છે કે પ્રવાસનનું એક વધુ કામ તે સ્થાનોની સાથે જોડાયેલા ગૌરવવંતા ઈતિહાસનો અંદાજ આપવાનું યે છે. પ્રવાસીઓ માત્ર ‘સહેલાણી’ નથી, પ્રજાજીવનની અસ્મિતાનો અંશ પણ છે.

દલીલ એવી થાય કે આવાં સ્થાનો સુધી વાહનવ્યવહાર કે રસ્તાઓ નથી, પણ ખરેખર એ કારણે જ ઈતિહાસની વાત ઉમેરવામાં નથી આવતી? સોમનાથની વાત અમિતાભ ડોકયુમેન્ટરીમાં કરે ત્યારે આ સ્થળે જ સ્વામી વિવેકાનંદે- કન્યાકુમારીની પૂર્વે- સમાધસ્થિ થઈને ભારતમાતાનું દિવ્ય દર્શન કર્યું હતું તે ઘટના અનેકોનાં હૃદયને ય રણ ઝણાવે તેવી નથી? પોરબંદરમાં કીર્તિમંદિર કે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ઉપરાંતનો કેટલોક અણસાર આપવામાં આવે તો પ્રવાસનની સાર્થકતામાં ઉમેરો થાય.

નવરાત્રિ ઉત્સવના પ્રારંભે મુખ્યપ્રધાને કરેલું એક વિધાન સૂચક છે કે આ ઉત્સવોની સાથે સમગ્ર પ્રજાની શક્તિને જોડવી છે. આ એક અનિવાર્ય ઈતિહાસબોધ છે. પ્રવાસન વિભાગે આ જ ઉત્સવમાં વિવેકાનંદને તો બતાવ્યા પણ ‘ગુજરાતમાં વિવેકાનંદ’ની વધુ પ્રભાવી દશ્યાવલિ થઈ હોત.

ચામુંડા, આશાપુરા, અંબાજીની માતૃશક્તિની સાથે- ભલે થોડીક ક્ષણો માટે- છેક અવૉચીન ગુજરાતની મહિલાશક્તિનું ઉમેરણ કરાયું હોત તો પૂર્વ- દક્ષિણ ભારતની એકતા સ્થાપિત કરનારી દ્વારિકાની મહારાણી ધીરા, કનરા ડુંગર પરની પહેલી શહીદ સત્યાગ્રહી મઇયા-રાજપૂતની કન્યા, ઓખામાં તોપના ગોળા ઝીલનારી વાઘેર વીરાંગનાઓ કે આણંદમાં ૧૮૫૭ના વિપ્લવીની પત્ની અને છેક કસ્તુરબા સુધીની એક દીર્ઘ કતારમાંથી થોડીક પ્રેરણા મળી હોત.મૂળ વાત એ છે કે પ્રવાસનને ઈતિહાસબોધ સાથે જોડવાનું બાકી જ છે. ગુજરાતમાં એવાં એકસોથી વધુ સ્થાનો છે, જેની પાસે ઈતિહાસ-વૈભવ પડ્યો છે. ત્યાં સત્યાગ્રહીઓ પાડ્યા છે.

છાતી પર ગોળી ઝીલીને મર્યા છે, અંગ્રેજોની સામે બહારવટું ખેડીને મોતને વર્યા છે, આંદામાનની કાળકોટડી ભોગવીને નામશેષ થયેલાઓની જન્મભૂમિ છે, એંસી જેટલા સત્યાગ્રહીઓ- ગાંધીજીની પહેલાં- બંદૂકની ગોળીનો ભોગ બન્યા પણ હથિયાર ન ઉઠાવ્યાં તેવી ખાંભીઓ છે, દલિતના ઝૂંપડામાં રહીને ‘ના છડિયાં હથિયાર’ ખુમારીથી ગાઈને બંદૂકની ગોળી ઝીલનાર માણેકના પાળિયા છે, સુભાષચંદ્ર બોઝના આગમનનો અંદાજ આપતું નાનકડું હરિપુરા છે, પાલ-ચિતરિયા અને માનગઢના ‘જલિયાંવાલા બાગ છે, ખેડા-છોટાઉદેપુર-રાજપીપળાની જેલો છે, જ્યાં વિપ્લવીઓને ફાંસી અપાઈ હતી, સરદાર ભગતસિંહના સાથીદાર હુતાત્મા ભગવતીચરણ વોરાના પિતામહોનું વડનગર છે, સ્વતંત્રતાના વણિક વિપ્લવીનું ફાંસીસ્થાન નાનકડા સમૌ ગામમાં છે, સારંગપુરનું વિપ્લવ કેન્દ્રી મંદિર છે, એવું જ તારંગાનું જંગલ છે, ઇડર પાસેનું ચાંડુપ છે, માછરડાની ધાર પર ખપી ગયેલા વાઘેરોની જગ્યા છે, સંતરામપુરના અતિથિગૃહના મેદાનમાં સત્તાવનના સાથી સૂતેલા છે, સિહોરમાં નાનાસાહેબનાં સ્મૃતિસ્થાનો છે... પ્રવાસનને સાર્થક બનાવવું હોય તો આવાં સ્થાનો સુધી પ્રવાસીઓને દોરી જવાના વિશેષ પ્રયત્નો કરવા પડે.

અત્યારે તો જે પુસ્તકો (હમણાં એક વધુનું વિમોચન થયું) તૈયાર થઈ રહ્યાં છે તેમાંયે આ બધું ઉપેક્ષિત રહ્યું છે. રમણીય સમુદ્રકિનારો, પર્વતીય હવા, દેવાલયો, હોટેલો... આ યોજના ઉપરાંત એક ગરિમા છે ઈતિહાસસ્થાનોની. મેડિકલ ટુરિઝમની જેમ ‘ઈતિહાસ-પ્રવાસન પણ હોવું જોઈએ કે નહીં? તે વિચારવાનો અને અમલીકરણનો તકાજો સમજવો પડે.

વિષ્ણુ પંડ્યા, લેખક વરિષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.