વિવેકાનંદ જયંતીના દિવસે સરદાર વિશ્વ પ્રતિભા એવોર્ડથી સમ્માનિત ડૉ.. ભીખુ પારેખે અગાઉ અફસોસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતમાં સ્વસ્થ બૌદ્ધિક ચર્ચાનું વાતાવરણ નથી. આવું કેમ?
વિવેકાનંદ અને ગુજરાત: આજે આ સૌથી અધિક પ્રસ્તુત સંબંધ-સમજ છે! ૨૧મી સદી યુવાનોની મહત્વાકાંક્ષાની છે. તંદુરસ્ત લોકશાહી, મજબૂત અર્થકારણ જેવાં પડકારો માટે શાસન, સમાજ કેટલાંક સજજ છે?
ઉત્તરાયણ પહેલાં જ ગુજરાત અને ગુજરાતીઓ પોતાની આગવી લકીર દોરવા માંડ્યા છે. ગઈકાલે ૧૨ જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની સાર્ધ જન્મશતાબ્દીની ઉજવણીથી તેનો પ્રારંભ થયો. પૂર્વ રાષ્ટ્રપતિ અને વર્તમાન મુખ્યપ્રધાન, બંનેએ ગુજરાતના યુવકોની ચિંતા અને ચિંતનની બારી ખોલી આપી. હવે વર્ષ આખું, અને કદાચ પછીનાં વર્ષેય વિવેકાનંદ-સ્મરણનો તરેહવારનો માહોલ બનશે.
સ્વામી વિવેકાનંદ અને ગુજરાત : આજની ઘડીએ આ સૌથી અધિક પ્રસ્તુત સંબંધ-સમજ છે! એકવીસમી સદી બીજે બધે, તેમ ગુજરાતમાં યે યુવાનોની પીડા અને મહત્વાકાંક્ષાની છે. તંદુરસ્ત લોકશાહી, મજબૂત અર્થકારણ, વિકસિત વિજ્ઞાન અને ટેક્નોલોજીની સાથોસાથ વિચારસમૃદ્ધ જીવનશૈલી... આટલા પડકાર અને પુરુષાર્થો છે જ. તેને માટે શાસન અને સમાજ કેટલાંક સજજ છે?
આ સવાલ વારંવાર ઘૂંટાતો રહેવો જોઈએ અને તેના ઉકેલ તરફ સક્રિય બનવું રહ્યું. એ એક સારી નિશાની છે કે તેવું વાતાવરણ ગુજરાતમાં દેખાવા માંડ્યું છે. ડૉ.. વાય.કે. અલઘ હમણાં વડોદરાના એક પરિસંવાદમાં યાદ કરી રહ્યા હતા કે થોડાંક જ વર્ષો પર ઉમાશંકર જોશી, એસ.આર. ભટ્ટ, જયંતિ દલાલ, ધીરુભાઈ દેસાઈ, માવળંકર વગેરે પ્રશ્નો સમજવાની-સમજાવવાની કોશિશ કરતા. યુનિ.ના કુલપતિપદે બી.આર. શિનોય જેવા નિષ્ણાતનું માર્ગદર્શન મળતું. વડોદરામાં આઈ.જી. પટેલ અને વિદ્યાનગરમાં એચ.એમ. પટેલ તેમજ ભાઈકાકા હતા.
વિવેકાનંદ જયંતીના દિવસે સરદાર વિશ્વ પ્રતિભા એવોર્ડથી સમ્માનિત ડૉ.. ભીખુ પારેખે અગાઉ આવો અફસોસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતમાં સ્વસ્થ બૌદ્ધિક ચર્ચાનું વાતાવરણ નથી. આવું કેમ? જવાબ તો અનેક રીતે આપી શકાય તેમ છે. ચર્ચાની અહીં ખોટ નથી પણ તેમાં કાં પૂર્વગ્રહ હોય અથવા તો પક્ષપાત! ભાષા અને બોલી સાથે જોડાયેલા એક વિદ્વાને હજુ થોડાંક જ વર્ષ પર એવા મતલબનું વિધાન કર્યું હતું કે હું મારા પડોશી ગુજરાતીની સાથે વાત પણ કરી ન શકું એટલી ધિક્કારની હવા છે.
એ તો સારું જ થયું કે સીતાંશુ યશશ્વંદ્ર જેવા થોડાક સર્જકોએ તુરત આનો પ્રતિરોધ કર્યો. પરંતુ એવું દેખાય છે- અને સામાન્ય ગુજરાતી નાગરિકમાં તો તેની ઊંડી પ્રતિક્રિયા છે કે- આવી બૌદ્ધિક ચર્ચા મોટા ભાગે વિતંડાવાદી હોય છે, અથવા પોતે માની લીધેલા ‘સત્ય’ને પુરવાર કરવા માટેના વણદેખ્યા ઝનૂનથી પ્રેરિત હોય છે. એક હિંદી કવિ દુષ્યંતકુમારનું વિધાન આ સંદર્ભે અત્યંત અસરકારક છે. તેમણે કહ્યું હતું કે હું તટ પર તો ઊભો છું પણ ‘તટ-સ્થ’ નથી બનવા માગતો! જેઓ એક યા બીજા કારણોસર કિનારે ઊભા છે તેમનામાં પૂર્વગ્રહ વિનાનો અને પોતાને જ ‘પવિત્ર શ્રેષ્ઠ’ ન માનવાનો અભિગમ હોવો જોઈએ.
એવું ન થાય તો સરોવરમાં કાંકરી નાખો એટલાં વલય થાય અને તંદુરસ્ત ચર્ચા થતી હોય તો તે ‘વિવેકાનંદના ગુજરાત’નો માહોલ સર્જી શકે. વિવેકાનંદ તો એક નામ આપ્યું પણ આપણી વિચાર-સમૃદ્ધિની પરંપરાના ઘણા મહાનાયક છે. આ વારસદારીને વધુ ઊજળી કરવા વર્તમાનનું ચિંતન અને મૂલ્યાંકન બેઉ જરૂરી છે. જૂનાગઢમાં સાહિત્ય પરિષદના મંચ પરથી સાહિત્ય, ભાષા અને સમાજ-ત્રણેયની સુપેરે ચર્ચા થઈ.
મોરારિબાપુ પણ ત્રણે દિવસ ઉપસ્થિત રહ્યા અને સંભાષણ કર્યું, ત્યારે મારા જેવાને લાગ્યું કે ભાષાના સંકટને નિવારવા માટે આવી સામાજિક અધ્યાત્મની વાણી પણ ઉપયોગી કેમ ન થઈ શકે? અહીં, વિવેકાનંદ જયંતીના ઉપલક્ષ્યે ગાંધીનગરમાં આયોજિત યુવા શિબિરમાં ત્રણે દિવસ રમેશભાઈ ઓઝાએ યુવાકર્મને કેન્દ્રમાં રાખ્યું. એ.પી.જે.અબ્દુલ કલામ રાજકારણના એકાંગી મેદાનથી થોડાક ખસીને બોલ્યા અને મુખ્યપ્રધાને સાર્થક ઉજવણીની ખ્વાહિશ વ્યક્ત કરી : આ બધા પ્રસંગનો સંગ ગુજરાતને માટે આશાનાં કારણો સાથેનો છે. જ્યાં કારણ છે, ત્યાં કિરણ તો હોવાનાં જ!
તમે નોંધ્યું? આ દિવસોમાં બે ‘લોર્ડ’ ગુજરાતના આંગણે હતા. બંને ગુજરાતી. ઇંગ્લેન્ડમાં ‘હાઉસ ઓફ લોર્ડઝ’ના સન્માનિત લોર્ડ ભીખુ પારેખ અને મેઘનાદ દેસાઈ. (ત્રીજા પારસી-ગુજરાતી લોર્ડ બિલિમોરિયાની રાહ જોઈશું!) મેઘનાદ દેસાઈએ ગૂજરાત વિદ્યાપીઠના સ્વર્ગસ્થ કુલપતિ રામલાલ પરીખની સ્મૃતિમાં યોજાતી વ્યાખ્યાનમાળામાં ગાંધીજીની અહિંસા વિશે પ્રશ્નો ઉઠાવ્યા. હિટલરની કેટલીક બાબતોમાં પ્રશંસા કે ગીતાની સ્વીકૃતિ : આટલા મુદ્દે તેમનું અહિંસાનું મૂલ્યાંકન શક્ય છે ખરું? એમ તો ગાંધીજીએ મુસોલિનીનાં યે વખાણ કર્યા હતાં. (જુઓ, રોમા રોલાં સાથેનો પત્રવ્યહાર) બૌદ્ધિક ચર્ચામાં મૂલ્યાંકન સરળ નથી એવું ‘લોર્ડ’ને સમજાવવું પડે? ચાલો, ૨૦૧૨ની ચર્ચાના નકશે ગુજરાત માટે નિરાશ ન થઈએ!
વિષ્ણુ પંડ્યા, લેખક વરિષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર છે.