Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Vidyut Thakar
 

ઝરદારી સુપ્રીમ કોર્ટના સાણસામાં!

 
Source: Vidhut Thakar   |   Last Updated 12:22 AM [IST](04/01/2012)
 
 
 
 
 
મેમોગેટના ધડાકા ને ભડાકા
અમેરિકી હસ્તક્ષેપ માટે પાક વડાપ્રધાને કરેલા પ્રયાસો બાદ લશ્કરી વડા કિયાણી તેમને કોર્ટમાં ગુનેગાર ઠેરવવા માગે છે.

લશ્કર તથા આઈ.એસ.આઈ. અત્યંત અપ્રિય રાષ્ટ્રપતિ ઝરદારીને ચલાવી લેવા તૈયાર નથી. સંસદીય લોકશાહીનો આ અભૂતપૂર્વ બનાવ છે કે જેમાં લશ્કર અને સરકાર સામસામા છે અને લશ્કરે સર્વોચ્ચ બંધારણીય સેનાપતિ સામે અદાલતે પહોંચી દાદ માગી હોય!

ભારતમાં લોકપાલનો વિવાદ અટકવાનું નામ લેતો નથી તો પડોશી પાકિસ્તાનમાં ‘મેમોગેટ’નો વિવાદ રાષ્ટ્રપતિ ઝરદારી તથા વડાપ્રધાન ગિલાણીનાં આસનોને હચમચાવી રહ્યો છે. ગયા વર્ષના મે માસમાં અમેરિકાના કમાન્ડોએ લશ્કરી છાવણીના નગર આબોટાબાદમાં ઘૂસી ત્રાસવાદી ઓસામા બિન લાદેનને ઠાર મારતાં છંછેડાયેલા લશ્કરી વડા જનરલ કિયાણી લશ્કરી વિદ્રોહ કરી બેસશે તેવી દહેશત હેઠળ રાષ્ટ્રપતિ ઝરદારીએ વોશિંગ્ટન સ્થિત પોતાના રાજદૂત હુસેન હકકાની દ્વારા એક પત્ર (મેમો રેન્ડમ) પાઠવી અમેરિકાને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હોવાનો જે વિવાદ છેલ્લા અઢી મહિનાઓથી ચાલી રહ્યો છે તે હવે નવા વિસ્ફોટો સર્જી રહ્યો છે.

રાષ્ટ્રપતિ ઝરદારી ખુદ લશ્કર સામે કાવતરાંઓ કરી તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યા છે તેવો આક્ષેપ લશ્કરના વડા જનરલ કિયાણીએ મૂકતા ગભરાયેલા ઝરદારી સ્વાસ્થ્યની સારવાર માટે દુબઈ રવાના થતાં અફવાઓનું બજાર ગરમ થવા લાગ્યું. ઝરદારી રાષ્ટ્રપતિપદ છોડી રહ્યા છે અને તેઓ ભાગીને અમેરિકામાં આશ્રય લેશે તેવી અફવાઓ બે અઠવાડિયાઓ સુધી ચાલ્યા પછી ગયા માસની ૧૯મી તારીખે તેઓ સ્વદેશ પાછા ફર્યા.

આ પછી વડાપ્રધાન ગિલાણીએ એવો સ્પષ્ટ જાહેર આક્ષેપ કર્યો કે લશ્કર તથા ગુપ્તચર સંસ્થા આઈ.એસ.આઈ. પોતે ‘સરકારની સરકાર હોય’ (સ્ટેટ વિધીન સ્ટેટ) તેવો વર્તાવ કરી રહી છે. વધારામાં લશ્કરી વિદ્રોહની શક્યતાઓનો તેઓએ અણસાર કરી દીધો. વળતા દિવસે જનરલ કિયાણી અને આઈ.એસ.આઈ.ના વડા અહમદ શુજા પાશાએ લશ્કરના વિદ્રોહની સંભાવનાઓનો સાફ ઇન્કાર કરી દીધો.

દરમિયાન અમેરિકાને હસ્તક્ષેપ માટે આમંત્રણ આપતા આ કહેવાતા પત્ર સાથે ઝરદારી કે સરકારને કોઈ લેવાદેવા નથી તેવું પ્રસ્થાપિત કરવા વડાપ્રધાન ગિલાણીએ એક સંસદીય તપાસપંચની નિમણુંક કરી દીધી પરંતુ વિપક્ષના નેતા અને માજી વડાપ્રધાન નવાઝ શરીફના પક્ષે આ સંસદીય તપાસપંચનો બહિષ્કાર કરી સર્વોચ્ચ અદાલત પાસે દાદ માગી. સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ ઇફિતખાર ચૌધરીએ સરકાર લશ્કર, આઈ.એસ.આઈ. તથા આ મેમોનો વિસ્ફોટ કરનાર પાકિસ્તાન મૂળના અમેરિકન નાગરિક મનઝુર ઈજાઝ સહિત તમામ લગતાવળગતાઓ સામે સમન્સ બહાર પાડી અદાલત સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે.

અદાલતના આ આદેશ સામે રાષ્ટ્રપતિ ઝરદારી વતી સરકારે એવી દલીલ કરી કે તેઓ રાષ્ટ્રપતિનું પદ સંભાળતા હોવાથી તેમની સામે કોઈ અદાલતી કાર્યવાહી ચાલી શકે નહીં પરંતુ અદાલતે આ દલીલને ફગાવી દઈ બલુચિસ્તાનના મુખ્ય ન્યાયમૂર્તિના અધ્યક્ષપણા હેઠળ ત્રણ જજોની સમિતિ બનાવી તપાસ આગળ ચલાવા માંડી.

રાષ્ટ્રપતિ ઝરદારી, વડાપ્રધાન ગિલાણી તથા માજી રાજદૂત હુસેન હક્કાનીના સમર્થકો હવે એવી દલીલ કરી રહ્યા છે કે સર્વોચ્ચ અદાલત લશ્કરના પ્રભાવ હેઠળ આ કાર્યવાહી આગળ વધારી રહી છે. સામે રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે લશ્કર તથા આઈ.એસ.આઈ. અત્યંત અપ્રિય બની ચૂકેલા રાષ્ટ્રપતિ ઝરદારીને ચલાવી લેવા તૈયાર નથી. સંસદીય લોકશાહીનો આ અભૂતપૂર્વ બનાવ છે કે જેમાં લશ્કર અને સરકાર સામસામા છે અને લશ્કરે પોતાના સર્વોચ્ચ બંધારણીય સેનાપતિ સામે અદાલતે પહોંચી દાદ માગી હોય! પરંતુ ભૂતકાળમાં ઐયુબખાન, ઝિયા કે મુશર્રફ લશ્કરી વિદ્રોહ કરી નાગરિક શાસનો ઊથલાવતા રહ્યા હતા તેવું જનરલ કિયાણી કરવા તૈયાર નથી અથવા તો કરી શકે તેમ નથી.

લશ્કરના અત્યારના વ્યૂહ પ્રમાણે તે સર્વોચ્ચ અદાલત દ્વારા ઝરદારીનો નિકાલ કરવા માગે છે. જે ઢગલાબંધ પુરાવાઓ તેમણે અદાલત સમક્ષ રજૂ કર્યા છે તે ઝરદારીને ગુનેગાર ઠેરવવા પૂરતા થઈ પડે તેમ છે.સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલી કાર્યવાહી ઉપરાંત ઝરદારીના રાજકીય હરીફો, ખાસ કરીને નવાઝ શરીફ તથા ક્રિકેટિયરમાંથી રાજકારણીય બનેલા ઈમરાનખાન પણ તેમના શાસનનો અંત લાવવા મેદાને પડ્યા છે.

તાજેતરમાં લાહોર અને કરાચીમાં ઈમરાનખાનની સુનામી જેવી પ્રચંડ રેલીઓ પછી મધ્યસત્ર ચૂંટણીઓની આગાહીઓ થવા લાગી છે. ઈમરાનના પક્ષમાં માજી વિદેશ પ્રધાનો શાહ મહંમદ કુરેશી અને કાસુરી જેવા મોટાં માથાંઓ જોડાતાં તથા વધારામાં માજી સરમુખત્યાર મુશર્રફનો પક્ષ પણ જોડાતાં એવી હવા બનવા લાગી છે કે લશ્કરે હવે ઝરદારીના શાસનના વિકલ્પે ઈમરાનને ટેકો આપવાનો વ્યૂહ ઘડી નાખ્યો છે.

પાકિસ્તાનની રાજ્યવ્યવસ્થામાં લશ્કર નિર્ણાયક પરિબળ મનાતું રહ્યું છે. તાજેતરના બનાવો પછી ન્યાય પાલિકાને પ્રજાતંત્રના મહત્વના અંગ તરીકે સ્વીકૃતિ સાંપડતી રહી છે, તો અખબારો તથા ટીવી જેવાં માધ્યમોને રાજ્યના ચોથા સ્તંભ તરીકે સ્વીકૃતિ સાંપડતી રહી છે. ઝરદારી કમનસીબે આ ત્રણે નિણૉયાત્મક પરિબળો- લશ્કરને ન્યાય પાલિકા તથા પ્રચાર માધ્યમોમાં અકારા બનતા ચાલ્યા છે ત્યારે ૨૦૧૨નું વર્ષ તેઓ ભાગ્યે જ પૂરું કરી શકે તેમ છે!

વિદ્યુત ઠાકર, લેખક પ્રતિષ્ઠિત રાજકીય સમીક્ષક છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.