Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Vidyut Thakar
 

આ વિસ્ફોટક મુદ્દાઓ સરકારનું પોલ ઉધાડી પાડવા માટે છે કાફી

 
Source: Vidhut Thakar   |   Last Updated 12:16 AM [IST](30/11/2011)
 
 
 
 
 
સામે ચાલીને વિપક્ષને વિસ્ફોટક મુદ્દો કેમ અપાયો?
મુંબઈમાં વોલમાર્ટ ખૂલતાં ત્યાંનો સસ્તો માલ એક યા બીજા માર્ગે ગુજરાતમાં આવતા કોણ રોકી શકવાનું છે? અને પરિણામે તેની અસરમાંથી નાના વેપારીઓ બચી શકવાના નથી.

સરકારના પરિપત્ર મુજબ ૩૦ ટકા માલ આ સુપર ભંડારો વિશ્વના ગમે તે ખૂણેથી નાના અને લઘુ ઉત્પાદકો પાસેથી ખરીદી શકશે. સરકારની આ છટકબારીને પરિણામે સુપર ભંડારો ચીન જેવા દેશમાંથી સસ્તો માલ લાવી શકશે અને પરિણામે આપણા લઘુ ઉત્પાદકોના ધંધા બંધ થઈ જશે.

સંસદનું ચાલુ શિયાળુ સત્ર મળે તે પહેલાં સૌ જાણતા હતા કે મોંઘવારી, કાળાંનાણાંના પ્રશ્નો તથા લોકપાલ ખરડા જેવા અતિ વિસ્ફોટક મુદ્દાઓ કેન્દ્રની ડૉ.મનમોહનસિંહની સરકારનું વસ્ત્રાહરણ કરવા માટે પૂરતા હતા. આમ છતાં સરકારે સામે ચાલી પરચૂરણ-છુટક વેપારમાં ૫૧ ટકા સીધું વિદેશી મૂડીરોકાણનો ભારે વિસ્ફોટક મુદ્દો વિપક્ષને કેમ પૂરો પાડ્યો તે સમજવું મુશ્કેલ બની રહે છે.

આમ તો છેલ્લાં કેટલાંય વર્ષોથી છુટક વેપારમાં વિદેશી મૂડીરોકાણનો મુદ્દો અટવાતો રહ્યો હતો. આથી સંસદનું ચાલુ સત્ર પૂરું થયા પછી સરકારે ૫૧ ટકા સીધા વિદેશી મૂડીરોકાણની છુટ જાહેર કરી હોત તો કશું પણ ખાટું મોળું થવાનું નહોતું. અને સંભવત : અત્યારે જે વ્યાપક વિરોધ વંટોળમાં સરકાર ફસાઈ ગઈ છે તેમાંથી તેનો ઉગારો થઈ ગયો હોત.

છુટક વેપારમાં ૫૧ ટકા વિદેશી મૂડીરોકાણના પ્રશ્ને ભારે ગોથું ખાઈ ગયેલા નાણામંત્રી પ્રણવ મુખરજી હવે એવો બચાવ કરી રહ્યા છે કે આવું મૂડીરોકાણ થતાં અત્યારે ભારતીય અર્થતંત્ર જે મંદીની ઝપટમાં આવી ગયું છે તેમાંથી તે બહાર આવી શકશે અને ફરીવાર ભારે વિકાસદર તરફ અર્થવ્યવસ્થા આગળ વધી શકશે. પરંતુ ભાજપ અને ડાબેરી જેવા વિપક્ષીને તો આ દલીલ માન્ય થાય તેમ નથી.

બહારથી સરકારને સમર્થન આપી રહેલાં માયાવતી અને મુલાયમસિંહ તો આ મુદ્દે સરકારને આખરીનામું આપી રહ્યાં છે પરંતુ સરકારમાં સામેલ તેવાં મમતા તથા ડી.એમ.કે. પણ વિરોધ ઝુંબેશમાં સામેલ થઈ ચૂક્યાં છે. આટલું ઓછું હોય તેમ ખુદ કોંગ્રેસ પક્ષમાંથી પણ વિરોધનો સૂર બહાર આવી રહ્યો છે અને કેરાલા કોંગ્રેસના અધ્યક્ષની જેમ ઉત્તરપ્રદેશના કોંગ્રેસી સાંસદ સંજયસિંહે પોતાના અસહમતી પ્રગટ કરી છે. વાસ્તવમાં ઉત્તરપ્રદેશ કે જ્યાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યાં મોટા ભાગના કોંગ્રેસીઓ આ દરખાસ્તનો ખાનગીમાં વિરોધ કરી રહ્યા છે.

કેન્દ્ર સરકારે મંજૂર કરેલી નીતિ પ્રમાણે ૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે ભારતનાં જે શહેરોની વસ્તી ૧૦ લાખ ઉપર હશે ત્યાં વોલમાર્ટ, ડેરોફોર અને ટેસ્કો જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સુપર ભંડારો પ્રવેશ કરી શકશે. કરોડો ડોલરોની મૂડી સાથે ભારતમાં પ્રવેશનારા આ સુપર ભંડારો દેશના લાખો લાખો નાના વેપારીઓ, ફેરિયાઓ તથા પાથરણાંવાળાને તો બેકાર કરી નાખશે પરંતુ વધારામાં નાના ખેડૂતો તથા મજૂરોનાં હિતોને વ્યાપક હાનિ પહોંચાડશે તેવી વિપક્ષની દલીલનો અસ્વીકાર કરવો સરળ નથી.

આ સામે સરકાર એવી દલીલ કરી રહી છે કે આ સુપર ભંડારોએ ૩૦ ટકા માલ નાના અને અતિ નાના ઉત્પાદકો પાસેથી ખરીદવાનો હોવાથી અંતે તો નાના તથા લઘુ ઉત્પાદકોને મોટા લાભ થશે અને પરિણામે રોજગારીમાં ગણનાપાત્ર વધારો થશે. પરંતુ અહીં પણ સરકારની છેતરપિંડી છતી થઈ જાય છે. આ સંબંધમાં સરકારે બહાર પાડેલા પરિપત્ર મુજબ ૩૦ ટકા માલ આ સુપર ભંડારો વિશ્વના ગમે તે ખૂણેથી નાના અને લઘુ ઉત્પાદકો પાસેથી ખરીદી શકશે.

સરકારે રાખેલી આ છટકબારીને પરિણામે સુપર ભંડારો ચીન જેવા દેશમાંથી સસ્તો માલ લાવી શકશે અને પરિણામે આપણા લઘુ ઉત્પાદકોના ધંધા બંધ થઈ જશે. વધુમાં આ જોગવાઈ પર સરકારનું નિયંત્રણ પણ રહી શકવાનું નથી અને આથી હાનિ ભારતના નાના ઉત્પાદકોને જ થાય તેમ છે. જે રાજકીય પક્ષો આ દરખાસ્તનો વિરોધ કરી તેને રદબાતલ કરવાનું દબાણ સરકાર પર લાવી રહ્યા છે તેઓનું લોકસભામાં સંખ્યાબળ ૨૮૨ જેટલું થાય છે. આનો અર્થ એ થયો કે લોકસભાની બહુમતીનો આ દરખાસ્ત સામે વિરોધ છે.

આમ છતાં સરકાર ટસની મસ થવા સંમત ન થાય તોપણ ભાજપ, માયાવતી, મમતા, જયા અને બિહારના નીતીશકુમારનો વિરોધ જોતાં ભારતનાં ૫૩ શહેરોમાંથી ૨૫ ઉપરાંત શહેરોમાં આ વિદેશી સુપર ભંડારો પ્રવેશ કરી શકવાના નથી. પરંતુ તેમ છતાં, લઘુતમ ૧૦ કરોડ ડોલરની મૂડી સાથે પ્રવેશતા આ સુપર ભંડારો પાસે પ્રચંડ સ્પર્ધાક્ષમતા હોવાથી તેઓ વર્ષો સુધી ખોટ ખાઈને પણ પોતાના હરીફોને હંફાવતા રહેવાના છે અને પરિણામે ભારતના નાના વેપારીઓ, ફેરિયાઓ, કિસાનો તથા કારીગરોએ અંતે પરાજિત થવું પડવાનું છે.

દરખાસ્તના બચાવમાં કેન્દ્ર સરકાર એવી પણ દલીલ કરી રહી છે કે છુટક તથા પરચૂરણ વ્યાપાર રાજ્ય હસ્તકનો વિષય છે અને તેઓ ઇચ્છતા ન હોય તો તેઓના રાજ્યમાં આ સુપર ભંડારો પ્રવેશ કરી શકશે નહીં. પરંતુ આ દલીલ પણ અર્થહીન છે કારણ કે મુંબઈમાં વોલમાર્ટ ખૂલતાં ત્યાંનો સસ્તો માલ એક યા બીજા માર્ગે ગુજરાતમાં આવતા કોણ રોકી શકવાનું છે? અને પરિણામે તેની અસરમાંથી નાના વેપારીઓ બચી શકવાના નથી.

આ બધા વચ્ચે પ્રશ્ન એ થાય છે કે મોંઘવારી, કાળાં નાણાંનો પ્રશ્ન તથા લોકપાલના મુદ્દે સરકાર બરાબર ફસાયેલી હતી ત્યારે ૫૧ ટકાની વિદેશી રોકાણ જેવી ભેંસના શિંગડામાં સામે ચાલી માથું ભરાવવાની ડૉ.. મનમોહનસિંહ અને પ્રણવ મુખરજીને શી ઉતાવળ હતી? પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યા વગર આ છુટને પાછી ખેંચી લેવામાં જ સરકર તથા કોંગ્રેસનું શ્રેય રહેલું છે? ૧લી ડિસેમ્બરનો ‘ભારત બંધ’ નહીં રોકાય અને બંધ દરમિયાન હિંસાખોરી ફાટી નીકળશે તો સરકારની મુશ્કેલીઓમાં ઔર વધારો થશે.

વિદ્યુત ઠાકર, લેખક પ્રતિષ્ઠિત રાજકીય સમીક્ષક છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.