ઇસ્લામિક કટ્ટરવાદની પ્રચંડ લહેર બિન-ઇસ્લામિક વિશ્વ સામે અથડાવા ઉતાવળી થઈ રહી છે. ભારતે પણ સીમા પારથી નવી વ્યાપક ઘૂસણખોરી અને ત્રાસવાદ સામે તૈયાર રહેવું પડવાનું છે.
ઇજિપ્તનાં ચૂંટણી પરિણામો તથા પાકિસ્તાન-ઇરાનની ઉગ્ર અમેરિકા વિરોધી લાગણીનું નેતૃત્વ માત્ર કટ્ટરવાદી ઇસ્લામ પરસ્તો જ કરતા રહેવાના હોઈ તેના પેટા પરિણામરૂપ કાશ્મીર મોરચો પણ ફરી ભડકે બળે તેવી સંભાવના-ઓનો ઇન્કાર થઈ શકે તેમ નથી.
ઇસ્લામિક ત્રાસવાદનો વિકરાળ ચહેરો દર્શાવતી ૯/૧૧ની ઘટના બની તે પહેલાં અમેરિકાના પ્રો. સેમ્યુઅલ હેમિગ્ટનનું વિશ્વવિખ્યાત બનેલું પુસ્તક ‘ફ્લેશ ઓફ સિવિલિઝશન’(સંસ્કૃતિઓનો સંઘર્ષ) પ્રસિદ્ધ થયું હતું. ઇસ્લામિક વિશ્વ અને બિનઇસ્લામિક વિશ્વ વચ્ચેના ચાલી રહેલા સંઘર્ષ નિવારી શકાવાના નથી. તેથી આ પુસ્તકની ભવિષ્યવાણી સાચી પડવાના અણસારો તાજેતરમાં બહાર પડેલા ઇજિપ્તનાં ચૂંટણી પરિણામો, પાક. અફઘાનિસ્તાનની ઘટનાઓ અને ઇરાન- અમેરિકા વચ્ચે વધતા જતા ટકરાવો પછી વધારે સ્પષ્ટ દેખાવા લાગ્યા છે.
ગયા વર્ષે પ્રથમ ટ્યુનિશિયા અને ત્યારબાદ ઇજિપ્ત હોશ્ની મુબારક સામે લોકઆંદોલન શરૂ થયાં ત્યારે એવી આશા રાખવામાં આવતી હતી કે આરબ જગતમાં આવી રહેલી આ વસંતમાંથી લોકશાહી અને ઉદારમતની વેલ પાંગરવા લાગશે. હવે ગયા અઠવાડિયે ઇજિપ્તના ચૂંટણીનાં પ્રથમ ચરણનાં જે પરિણામો આવ્યાં છે તે સાવ ઊલટા છે. રાજધાની કેરોના પ્રસિદ્ધ દૈનિક ‘અલ અહરામ’ના જણાવ્યા પ્રમાણે દેશની નવી સંસદમાં ઇસ્લામિક કટ્ટરવાદી ‘મુસ્લિમ બ્રધર હુડ’(જેનું આરબ નામ ‘અલ ઈખવાન અલ મુસ્લિમુમ’ છે)નું સંખ્યાબળ બે તૃતીયાંશ ઉપરાંતનું હશે.
૧૯ર૩માં સ્થપાયેલું આ કટ્ટરવાદી સંગઠન પંડિત નહેરુના ગાઢ સાથી રહેલા ઇજિપ્તના રાષ્ટ્રપતિ ગમાલ નસાર તથા તેમના અનુગામીની બિનસાંપ્રદાયીક નીતિઓનો વિરોધ કરી શરિયતના કાનૂનો લાદવા માટે સતત કાવતરાં કરતું રહ્યું હતું. નાસરની હત્યાનું કાવતરું રચવા માટે આ સંગઠનના વડા સૈયદ કુતુબને જેલમાં પૂરી તેને ગેરકાયદેસર જાહેર કરવું પડ્યું હતું. નાસરના અનુગામી રાષ્ટ્રપતિ અન્વર સદાતની હત્યામાં પણ મુસ્લિમ બ્રધર હૂડની સંડોવણી હતી.
ઇજિપ્તની નવી સંસદમાં કટ્ટરવાદી ઝનૂની ઇસ્લામપરસ્તોની બહુમતી આવતાં તેની અસરમાંથી બાકીના આરબ દેશો બચી શકવાના નથી. ખાસ કરીને ઇઝરાઈલનું નામોનિશાન મિટાવી દેવાનો છેલ્લાં ૬૩ વર્ષોથી જે આરબ સંગઠનો પ્રયાસ કરી રહ્યાં છે તેને હવે નવું બળ પ્રાપ્ત થવાનું છે. વધારામાં ૧૯૭૮માં ઇઝરાયલને માન્યતા આપતી જે સમજૂતી ઇજિપ્તે કરી હતી તેનું ભાવિ પણ હવે ભયમાં મુકાવાનું છે. આ ઉપરાંત પેલેસ્ટાઈનના મોરચે લડવા ‘હમાસ’જેવાં ત્રાસવાદી સંગઠનોને બ્રધરહૂડનો સાથ મળતાં ઇઝરાયલના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થો મુકાવા માંડ્યા છે અને તેને ઉગારવા અમેરિકાએ ઝંપલાવવું પડવાનું જ છે ત્યારે પશ્ચિમ એશિયામાં વ્યાપક રક્તપાત અનિવાર્ય બને તેમ છે.
આરબ જગતના બદલાતા આ ચિત્ર સાથે જોગાનુંજોગ પાકિસ્તાનને ગાઢ સંબંધ છે. આરબ દેશોને બાદ કરતા, મુસ્લિમ બ્રધરહૂડની સૌથી વધારે અસર પાકિસ્તાન પર રહી છે. ૧૯પ૬થી બ્રધરહૂડ તથા તેના નેતા સૈયદ કુતુબનો પ્રભાવ જમાતે-ઈસ્લામી પક્ષ પર રહ્યો છે. ઇજિપ્તે આ સંગઠનને ગેરકાયદે જાહેર કર્યા પછી તેના સંખ્યાબંધ કાર્યકરો સાઉદી અરેબિયા અને પાકિસ્તાનમાં આશ્રય પ્રાપ્ત કરતા રહ્યા હતા. અત્યારે ‘મેમોગેટ’ અને પાક.-અફઘાન સીમા પર અમેરિકાના હવાઈ હુમલાને કારણે ર૪ પાકિસ્તાની સૈનિકોના થયેલા મૃત્યુ પછી વોશિંગ્ટન સાથેના સંબંધોમાં ઊંડી તિરાડ પડી છે.
સમગ્ર દેશમાં પ્રવર્તતી વ્યાપક અમેરિકા વિરોધ લાગણીનું નેતૃત્વ દેશના જે કટ્ટર ઇસ્લામપરસ્ત પક્ષો કરી રહ્યા છે તેમાં જમાતે ઇસ્લામી અગ્રસ્થાને છે. અન્ય એક કટ્ટરવાદી સંસ્થા જમાતે દાવા(લશ્કર-એ- તોઈબા જેવાં ત્રાસવાદી સંગઠનની માતૃ સંસ્થા)ના વડા સૈયદ હાફિઝ તો ગયા અઠવાડિયે લાહોરની એક જાહેર રેલીને સંબોધતા ભારત અને અમેરિકા સામે જેહાદ શરૂ કરી દેવાની હાકલ કરી હતી.
આ સાથે ૯/૧૧ના દસ વર્ષ પછી પણ અફઘાનિસ્તાનની જે પરિસ્થિતિ છે તે ભારે ચિંતાજનક છે. જર્મનીના લોનમાં મળેલી આંતરરાષ્ટ્રીય પરિષદે ર૦૧૪માં અમેરિકા તથા નાટોના સૈનિકો ખસી ગયા પછી સહાય ચાલુ રાખવાની ખાતરી તો આપી છે પરંતુ અમેરિકા તથા યુરોપના કથળતા જતાં અર્થતંત્રને જોતાં આ રાષ્ટ્રો અફઘાનિસ્તાનને બચાવી શકશે કે કેમ તેની શંકાઓ થતી રહી છે. વધુમાં તાલિબાનો તથા તેના આશ્રયદાતા એવા ઇસ્લામાબાદ જે મિજાજ દાખવી રહ્યું છે તે જોતાં તેઓ માત્ર અમેરિકાની વિદાયની જ રાહ જોઈ રહ્યા છે.
પરિણામે ૧૯૯રમાં સોવિયેત સંઘની વિદાય પછી જે વ્યાપક અંધાધૂંધી અફઘાનિસ્તાનમાં ફાટી નીકળી હતી તેનું પુનરાવર્તન ર૦૧૪ પછી થાય તેવું ચિત્ર અત્યારે ઉપસી રહ્યું છે. ઇજિપ્તનાં ચૂંટણી પરિણામો તથા પાકિસ્તાન-ઇરાનની ઉગ્ર અમેરિકા વિરોધી લાગણીનું નેતૃત્વ માત્ર કટ્ટરવાદી ઇસ્લામપરસ્તો જ કરતા રહેવાના હોઈ તેના પેટા પરિણામરૂપ કાશ્મીર મોરચો પણ ફરી ભડકે બળે તેવી સંભાવનાઓનો ઇન્કાર થઈ શકે તેમ નથી.
આ અગાઉ તૂર્કી અને હવે ઇજિપ્તનાં પરિણામો તથા પાક. -અફઘાનિસ્તાનમાં પાંગરતી પરિસ્થિતીથી સ્પષ્ટ થવા લાગે છે કે ઇસ્લામિક કટ્ટરવાદની જે પ્રચંડ લહેર દોડવા લાગી છે તે બાકીના બિન-ઇસ્લામિક વિશ્વ સામે અથડાવા માટે ઉતાવળી થઈ રહી છે અને સંભવત: ભારતે પણ સીમા પારથી નવી વ્યાપક ઘૂસણખોરી અને ત્રાસવાદ સામે તૈયાર રહેવું પડવાનું છે.