તૃણમૂલ પછી એનસીપી : વધતો કંકાસ ડૉ.. મનમોહનસિંહની સરકાર કરતાં પ્રતિષ્ઠા નેતૃત્વ હેઠળની ભૂતકાળની અટલબિહારી વાજપેયીની સરકારને વધુ સારી ગણાવે ત્યારે તેનું શું અર્થઘટન કરવું રહ્યું?
કોંગ્રેસ અને ગઠબંધનના સાથીઓ વચ્ચે વધતા જતા અંતરનું મુખ્ય કારણ એ છે કે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી કે પોતપોતાના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ કોંગ્રેસની સાથે રહી પોતે જીતી શકે તેમ નથી તેવી વધુને વધુ પ્રતીતિ આ પ્રાદેશિક પક્ષોને થવા લાગી છે.
શરદ પવાર એક ભારે ગણતરીબાજ અને પરપિકવ રાજકારણી તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરતા રહ્યા છે. આવા બાહોશ મનાતા રાજપુરુષ પોતે જે સરકારમાં મોભાનું સ્થાન ધરાવે છે તે ડૉ.. મનમોહનસિંહની સરકાર કરતાં પ્રતિષ્ઠા નેતૃત્વ હેઠળની ભૂતકાળની અટલબિહારી વાજપેયીની સરકારને વધુ સારી ગણાવે ત્યારે તેનું શું અર્થઘટન કરવું રહ્યું? આટલું ઓછું હોય તેમ આગળ વધી કોંગ્રેસપક્ષના ચમકતા સિતારા એવા રાહુલ ગાંધી પર નિશાન તાકી એમ પણ કહે કે જો ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસનો સારો દેખાવ નહીં થાય તો રાહુલનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે!
તો વળતે દિવસે કોંગ્રેસના સર્વેસવૉ એવાં સોનિયા ગાંધીની પ્રિય યોજના એવી ફૂડ સિકયુરિટી નીતિઓ પર પણ તાતાં તીર પવાર વરસાવી રહ્યા છે ત્યારે યુ.પી.એ-૨ ગઠબંધનમાં ‘સબ સલામત’ નથી તેવું તારણ કાઢવું રહ્યું. આ ઉપરાંત તાજેતરની મણિપુરની ચૂંટણીમાં શરદ પવારની રાષ્ટ્રીય કોંગ્રેસ તથા મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ ભેગા મળી સોનિયા-રાહુલની કોંગ્રેસ સામે ચૂંટણી લડ્યાં તેને પણ નજર અંદાજ કરી શકાય તેમ નથી.
ઉત્તરપ્રદેશ સહિત અન્ય ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો આવે તે પહેલાં શરદ પવારનાં આ ઉચ્ચારણોનું એવું અર્થઘટન થવા માંડ્યું છે કે મમતા બેનરજીની જેમ શરદ પવાર પણ ડૉ..સિંહના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાંથી છેડો ફાડવાનું વિચારી રહ્યા છે. કારણ? છેલ્લાં બે વર્ષથી ૨-જી સ્પેકટ્રમ, રાષ્ટ્રકુટુંબ રમતોત્સવ તથા આદર્શ હાઉસિંગ સહિત જે કૌભાંડોનો સિલસિલો ચાલતો રહ્યો છે તેણે ડૉ..સિંહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તથા કોંગ્રેસ પક્ષની છબિ મલિન કરી નાખી છે. તો ભ્રષ્ટાચારના મુદ્દે ચાલેલા અણ્ણા હજારેના આંદોલને તથા લોકપાલનો ખરડા પસાર ન થતાં કેન્દ્ર સરકાર તથા કોંગ્રેસની પ્રતિષ્ઠાને વધુ નુકસાન પહોંચાડ્યું છે.
આ પરિપ્રેક્ષ્યમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં પ્રજાના રોષનો ભોગ કોંગ્રેસ બનશે તેની ચોક્કસ ગંધ પવારને આવી ગઈ હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. અન્ય શબ્દોમાં ઉત્તરપ્રદેશ સહિત અન્ય ચાર રાજ્યોનાં ચૂંટણી પરિણામો કોંગ્રેસની વિરુદ્ધમાં આવશે તો છેલ્લાં બે વર્ષથી ભ્રષ્ટાચારના ઘેરામાં સપડાતી રહેલી કેન્દ્ર સરકાર સ્વાભાવિકપણે હાલી જવાની છે તેવી માન્યતા હેઠળ શરદ પવાર શું કોંગ્રેસને અલવિદા કરવાની પૂર્વ તૈયારીઓ નથી કરતાને?
દરમિયાન મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે સરકાર કરતાં પણ વ્યક્તિગત સ્તરે વડાપ્રધાન ડૉ.. મનમોહનસિંહને વધુ ને વધુ નુકસાન છેલ્લાં બે વર્ષમાં થતું આવ્યું છે. જાહેર જીવનનો નહીવત્ અનુભવ ધરાવતા અને સક્રિય રાજકારણથી અજાણ એવા ડૉ..સિંહની ૨૦૦૪માં વડાપ્રધાન તરીકે નિયુક્તિ થઈ ત્યારે તેમનાં બે પાસાઓને આગળ ધરવામાં આવતાં હતાં. (૧) તેઓ વિશ્વકક્ષાના નિપૂણ અર્થશાસ્ત્રી છે અને (૨) વ્યક્તિગત રીતે તેઓ સંપૂર્ણ પ્રામાણિક છે.
પરંતુ સતત વધતી રહેલી મોંઘવારી પછી દેશનો સામાન્ય નાગરિક તેમને નિપૂણ અર્થશાસ્ત્રી તરીકે સ્વીકારી શકતો નથી અને આથી બાબારામદેવ જેવા જ્યારે કટાક્ષમાં આ જાણીતા અર્થશાસ્ત્રીને ‘અનર્થ શાસ્ત્રી’ તરીકે ઓળખાવે છે ત્યારે શ્રોતાઓ વ્યંગભર્યું હાસ્ય કરતા હોય છે! આવું જ વડાપ્રધાનની પ્રામાણિકતાનું થવું છે અને તેમની આંખ નીચે અબજો-અબજોના કૌભાંડો થતાં રહ્યાની જાણ જનતાને થતાં તેઓની કહેવાતી અંગત પ્રામાણિકતા કોંગ્રેસ પક્ષ કે સરકાર માટે મોંઘેરી મૂડી રહી નથી.
વડાપ્રધાનની પ્રતિષ્ઠામાં ઓટ આવવાનું એક વધારાનું કારણ એ પણ છે કે સરકારના વડા હોવા છતાં સરકાર, સંસદ કે સહયોગી પક્ષો સાથેના વ્યવહારમાં તેઓ નેતૃત્વ પૂરું પાડી શકતા નથી. તાજેતરના મહિનાઓમાં તેમની આ કમજોરી છતી થતી રહી છે. અણ્ણા કે બાબા રામદેવનું આંદોલન હોય, સંસદમાં લોકપાલ કે કાળાં નાણાંની ચર્ચાઓ હોય કે મમતા કે ડી.એમ.કે જેવા સાથી પક્ષો સાથેના વિવાદો હોય ડૉ..સિંહ વડા હોવા છતાં કોઈ ભૂમિકા ભજવી શકતા નથી અને નાણામંત્રી પ્રણવબાબુએ જ સંકટ મોચનની કામગીરી કરવી પડતી હોય છે. આ પરિસ્થિતિને પરિણામે ડૉ..સિંહ કમજોર અને પ્રભાવહીન નેતા હોવાની છાપ દ્રઢ થતી ચાલી છે.
વડાપ્રધાનના નબળા નેતૃત્વને કારણે કોંગ્રેસ અને ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે કેવળ કાર્યપïતિ અંગે જ નહીં પરંતુ નીતિવિષયક મતભેદો ઉકેલી શકાતા નથી અને પરિણામે સરકારની પ્રતિષ્ઠાનું જાહેર ધોવાણ થતું રહ્યું છે. લોકપાલના ખરડામાં, પેન્શન બિલ તથા વિદેશી મૂડીરોકાણના પ્રશ્ને મમતા સાથેનો વિવાદ જાહેરમાં પ્રગટ થતો રહ્યો. હવે આવું જ ફૂડ સિકયુરિટીના મુદ્દે શરદ પવાર સાથે થઈ રહ્યું છે.
તો ટેલિકોમ કૌભાંડ પ્રકરણમાં મંત્રી રાજા તથા સાંસદ કનિમોઝી જેલ ભેગી થયાં પછી ડી.એમ.કે સાથેના સંબંધો સુધારવા કાચા તાંતણે લટકી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે કોંગ્રેસ અને ગઠબંધનના સાથીઓ વચ્ચે વધતા જતા અંતરનું મુખ્ય કારણ એ છે કે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી કે પોતપોતાના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ કોંગ્રેસની સાથે રહી પોતે જીતી શકે તેમ નથી તેવી વધુને વધુ પ્રતીતિ આ પ્રાદેશિક પક્ષોને થવા લાગી છે અને પરિણામે યુ.પી.એ-૨નો માળો વિંખાતો રહ્યો છે!