Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Vidyut Thakar
 

પાકિસ્તાનમાં લશ્કર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ભીંસાતી સત્તા

 
Source: Vidhut Thakar   |   Last Updated 1:15 AM [IST](18/01/2012)
 
 
 
 
 
લશ્કર તથા અદાલતની સાઠગાંઠ અને પૂર્વગ્રહોને કારણે પ્રજાતંત્ર અને લોકશાહી સામે મોટો ખતરો ઊભો થયો છે. છેલ્લાં ત્રણ વષોના શાસન પછી સરકારે દેશને ખાડામાં નાખ્યો છે.

ઝરદારી તથા ગિલાણી આમ પ્રજામાં એટલા બધા અપ્રિય થઈ ચૂક્યા છે કે અદાલતી ચુકાદા કે લશ્કરના હસ્તક્ષેપથી આ સરકારને વિદાય લેવી પડે તો તેને માટે આંસુ સારનારા બહુ ઓછા લોકો છે.

લશ્કર અને સર્વોચ્ચ અદાલતની સીધી અથડામણમાં ઉતરી ચૂકેલા પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાણી જ્યારે એમ કહે છે કે ‘પ્રજાતંત્રનાં બધાં અંગોએ પોતપોતાની બંધારણીય મર્યાદામાં રહી કામ કરવાનું છે...’ ત્યારે ભૂમગિત વાસ્તવિકતા સાવ વિપરીત છે. લશ્કર, સરકારની અંદર સરકાર (સ્ટેટ વિધિન સ્ટેટ) હોવાનો વડાપ્રધાનનો આક્ષેપ માત્ર અર્ધસત્ય છે. હકીકતમાં પાકિસ્તાનમાં લશ્કર હંમેશાં સવાઈ સરકાર જ રહ્યું છે.

છેલ્લા પાંચ દાયકાઓથી એટલે કે ૧૯૫૮ના જનરલ અયુબ ખાનના લશ્કરી વિદ્રોહ પછી તથા લશ્કરી શાસન હોય કે નાગરિક શાસન, ભારત સાથેના સંબંધો, કાશ્મીર, અફઘાનિસ્તાન, પરમાણુ શસ્ત્રો, લશ્કરી શસ્ત્રસામગ્રીઓની ખરીદી, અમેરિકા સાથેના સંબંધો વગેરે બાબતોના નિર્ણયો માત્ર લશ્કર જ કરે છે. આ ઉપરાંત ‘ફૌજી ટ્રસ્ટ’ દ્વારા લશ્કર ટ્રાન્સપોર્ટ, બાંધકામ, ખાંડનાં કારખાનાંમાંથી માંડી પ્રતિવર્ષે કરોડો-કરોડો રૂપિયાનો વેપાર કરે છે.

તેનો હિસાબ તે સરકારને આપતું નથી અને કરોડોના નફા પર એક પૈસો પણ આવક વેરો ચૂકવતું નથી. વધારે આઘાતજનક બાબત તો એ છે કે રાષ્ટ્રીય આવકની લગભગ ૨૭થી ૩૫ ટકા જેટલી રકમ સશસ્ત્રદળો પાછળ ખર્ચાતી રહી હોવા છતાં સંસદ લશ્કરી અંદાજપત્રની ચર્ચા કરી શકતી નથી. સરકારની લાચારી તો ત્યારે પ્રગટ થતી રહે છે કે ત્રાસવાદ સામેના યુદ્ધમાં વોશિંગ્ટનના સહયોગી બન્યા પછી ચાલતી રહેલી ‘વ્યૂહાત્મક’ ચર્ચા-વિચારણાઓ વડાપ્રધાન કે વિદેશપ્રધાન લશ્કર તથા આઈ.એસ.આઈ. વડાને સાથે રાખ્યા વગર કરી શકતા નથી.

વડાપ્રધાન ગિલાણી, સર્વોચ્ચ અદાલતમાં મેમોગેટ પ્રકરણમાં લશ્કરના વડા જનરલ કિયાણી તથા આઈ.એસ.આઈ.ના વડા લેફ.જનરલ અહમદ શુજા પાશાએ કરેલી રજૂઆતને ‘ગેરબંધારણીય’ કહેતા ગુસ્સે ભરાયેલા જનરલ કિયાણી દેશના વડાપ્રધાનને ‘ગંભીર પરિણામો’ની ખુલ્લી ધમકી આપી શકે છે. સત્તાના એક સ્વતંત્ર કેન્દ્રની જેમ વર્તતા જનરલ કિયાણીની જેમ સર્વોચ્ચ અદાલત પણ મર્યાદા-લોપ કરતી રહી છે.

બંધારણ તથા કાયદાઓના અર્થઘટન અને પાલનની જવાબદારીઓથી ઉપરવટ જઈ વડા ન્યાયમૂર્તિ ઇફિતખાર ચૌધરીના નેતૃત્વ હેઠળની સર્વોચ્ચ અદાલત જાણે કે સરકાર હોય તેમ વહીવટી આદેશો આપે છે. ‘મેમોગેટ’ પ્રકરણનો વિસ્ફોટ થતાં સરકારે તેની તપાસ માટે સંસદીય તપાસપંચની નિમણુંક કરી પરંતુ સર્વોચ્ચ અદાલતે સરકારના આ પગલાને અમાન્ય રાખી જાતે તપાસ શરૂ કરી દીધી છે. વડા ન્યાયમૂર્તિ ચૌધરી અને રાષ્ટ્રપતિ ઝરદારી વચ્ચેનો વિખવાદ દેશભરમાં જાણીતો છે અને આ મેમોગેટ પ્રકરણમાં અદાલત જે રીતે લશ્કરની રજૂઆતને મહત્વ આપી રહી છે તે પછી અદાલતના નિષ્પક્ષપાતીપણા અંગે પ્રશ્નાર્થો થવા લાગે છે.

લશ્કર અને ન્યાયપાલિકા વચ્ચે સાઠગાંઠ હોવાનો જે ગણગણાટ શાસક પક્ષમાં થતો રહ્યો છે તેને વધારે હવા તો ત્યારે મળવા લાગે છે કે બલુચિસ્તાનમાં આ જ લશ્કરે લગભગ ૩૦૦ ઉપરાંત બલુચ રાષ્ટ્રવાદીઓની હત્યા કરી નાખી હોવા છતાં આ જ ન્યાયપાલિકા માનવ અધિકારોના આવા ખુલ્લા ભંગનો તમાશો મૂંગા મોંએ જોતી રહી છે!રાષ્ટ્રપતિ ઝરદારી સામેના ભ્રષ્ટાચારોના કેસોની તપાસ કરવાના સર્વોચ્ચ અદાલતના આદેશની અવગણના કરવાના મુદ્દે આવતી કાલે વડાપ્રધાન ગિલાણી રૂબરૂમાં અદાલતમાં હાજર થશે અને જે કાંઈ ચુકાદો આવે.

લશ્કર તથા અદાલતની સાઠગાંઠ અને પૂર્વગ્રહોને કારણે પ્રજાતંત્ર અને લોકશાહી સામે મોટો ખતરો ઊભો થયો છે. પરંતુ ઝરદારી તથા ગિલાણી આમ પ્રજામાં એટલા બધા અપ્રિય થઈ ચૂક્યા છે કે અદાલતી ચુકાદા કે લશ્કરના હસ્તક્ષેપથી આ સરકારને વિદાય લેવી પડે તો તેને માટે આંસુ સારનારા બહુ ઓછા લોકો છે. છેલ્લાં ત્રણ વર્ષો ઉપરાંતના શાસન પછી આ સરકારે દેશને સાવ ખાડામાં નાખી દીધો છે. ફુગાવો બે આંકડે પહોંચ્યો છે.

કારમી મોંઘવારી તથા ઊર્જાની કટોકટીથી આમજનતા ત્રસ્ત થઈ ચૂકી છે. વ્યાપક ભ્રષ્ટાચારને કારણે સરકાર સંચાલિત પાકિસ્તાન સ્ટીલ, પાકિસ્તાન સ્ટેટ ઓઈલ તથા પાકિસ્તાન એરવેઝ જેવાં પ્રતિષ્ઠાના દેવાના ડુંગર હેઠળ દબાતાં રહ્યાં છે. તો વાયવ્ય સરહદ પ્રાંત તથા કબાયલી વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા ભાંગતા રહ્યા છે. ભાગ્યે જ કોઈ દિવસ બોમ્બ વિસ્ફોટ વગર પ્રસાર થતો હશે.

સ્વાત અને દક્ષિણ વઝીરીસ્તાન જેવા તાલિબાન પ્રભાવિત વિસ્તારો પર લશ્કરે ફરી અંકુશ મેળવ્યો છે પરંતુ બે વર્ષ થયા છતાં ત્યાં નાગરિક પ્રશાસન સ્થાપી શકાતું નથી. તો કરાચી જેવા દેશના આર્થિક પાટનગરમાં વંશીય રમખાણો નિયમિત અંતરે થતાં રહ્યા છે અને પંજાબ તથા સરહદ પ્રાંતમાં શિયા મુસ્લિમો સામેની હિંસાખોરી વણથંભી ચાલતી રહી છે તો બલુચિસ્તાનમાં સ્વાયત્તતા સામેનો જંગ કેન્દ્ર સરકાર માટે શિરોવેદના બનતો રહ્યો છે.

આ બધા વચ્ચે અમેરિકા સાથેના કથળેલા સંબંધોને કારણે મળતી આર્થિક સહાય જો બંધ થઈ જાય તો દેશ માટે નાદારી સિવાય બીજો કોઈ વિકલ્પ રહેવાનો નથી. ઝરદારી-ગિલાણીની સરકાર રહે કે જાય, ઈમરાન ખાન કે નવાઝ શરીફ સત્તા સંભાળે અથવા તો જનરલ મુશર્રફ સ્વદેશ પાછા ફરે, એક રાષ્ટ્ર તરીકે, ખાસ કરીને લોકશાહી પ્રજાતંત્ર તરીકે પાકિસ્તાને મોટી અને આકરી કસોટીમાંથી પસાર થવું પડવાનું છે!

વિદ્યુત ઠાકર, લેખક પ્રતિષ્ઠિત રાજકીય સમીક્ષક છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.