કોંગ્રેસના આંતરિક રાજકારણમાં નહીંવત ચાહના ધરાવતા ચિદમ્બરમ સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન ડૉ..સિંહ માટે વધુ ને વધુ આફતરૂપ સાબિત થવા લાગ્યા છે.
વડાપ્રધાન બરાબર જાણે છે કે ચિદમ્બરમની વિદાય પછી કેન્દ્ર સરકારને ટકાવી રાખી શકાશે નહીં અને વિપક્ષ પણ આ બરાબર જાણે છે અને એટલે ચિદમ્બરમની હકાલપટ્ટી માટેનું દબાણ ઓછું કરવાને બદલે તે સતત વધારી રહ્યો છે.
દિલ્હીની કડકડતી ઠંડી વચ્ચે અત્યારે બે વ્યક્તિઓ ડૉ.. મનમોહનસિંહની સરકારને પરસેવે રેબઝેબ કરી રહી છે. એક છે અણ્ણા હજારે પરંતુ બીજા છે ખુદ સરકારના મંત્રી એવા ગૃહપ્રધાન ચિદમ્બરમ. સરકાર અને અણ્ણા વચ્ચે વડાપ્રધાન, સીબીઆઈ, સી વર્ગના કર્મચારીઓ સહિત અન્ય મુદ્દે પૂર્ણ સહમતી થઈ શકી ન હોવાથી ટકરાવ અનિવાર્ય બની રહેવાનો છે.
સરકારના લોકપાલના ખરડાને કમજોર અને પ્રભાવહીન જાહેર કરી અણ્ણા લોકઆંદોલનને માર્ગે આગળ વધે એવી વધતી જતી સંભાવનાઓ, ૨-જીના કૌભાંડ સહિત અન્ય કૌભાંડોમાં ગડથોલા ખાતી રહેલી સરકાર માટે ભારે પડકારૂપ સાબિત થાય તેમ છે. લોકપાલના મુદ્દે અણ્ણાએ જે બગાવતનું રણશિંગુ ફૂક્યું છે તેને પહોંચી વળવામાં હાંફવા લાગેલી સરકાર માટે વધારામાં ખુદ તેમના ગૃહમંત્રી મોટી શિરોવેદના બની રહ્યા છે.
સંસદના પૂરા શિયાળુસત્ર દરમિયાન વિપક્ષ ભાજપનું નિશાન બનતા રહેલા ગૃહમંત્રી પી.ચિદમ્બરમે ખુદ તેમના કોંગ્રેસ પક્ષમાં પણ પૂરતા દુશ્મનો ઊભા કરે રાખ્યા છે. પક્ષના મહામંત્રી દિગ્વિજય તાજેતરના ભૂતકાળમાં જ તેમના પર ‘બૌદ્ધિક ઉદ્દંડતા’નો આક્ષેપ કરી ચૂક્યા છે. તો નાણામંત્રી પ્રણવબાબુએ તો પોતાના મંત્રાલયમાં જાસૂસી કરાવવાનો આક્ષેપ ગૃહમંત્રાલય પર મૂક્યો હતો. વધારામાં ૨-જી સ્પેકટ્રમનું કૌભાંડ તે વખતે નાણામંત્રાલય સંભાળતા ચિદમ્બરમ અટકાવી શક્યા હોત તેવો સ્પષ્ટ અણસાર કરતી નોંધ નાણામંત્રી પ્રણવબાબુએ રજૂ કરતા સરકારના આ વરિષ્ઠ મંત્રીઓ વચ્ચેનો જાહેર ટકરાવ અંતે સોનિયા ગાંધીના હસ્તક્ષેપ પછી પડદા પાછળ ધકેલાયો હતો.
કોંગ્રેસના આંતરિક રાજકારણમાં નહીંવત ચાહના ધરાવતા ચિદમ્બરમ સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન ડૉ..સિંહ માટે વધુને વધુ આફતરૂપ સાબિત થવા લાગ્યા છે. ખાસ કરીને અદાલતી કાર્યવાહીઓને કારણે ચિદમ્બરમની છબિ ખરડાતી ચાલી છે તેના છાંટા સરકાર પર પણ ઊડી રહ્યા છે. અત્યારે ચિદમ્બરમ ચાર અદાલતી કાર્યવાહીઓનો સામનો કરી રહ્યા છે.
(૧) ૨-જી કૌભાંડના આરોપી માજી ટેલિકોમ મંત્રી રાજા, જેઓ અત્યારે તિહાર જેલમાં છે તેમના જેટલા જ ચિદમ્બરમ પણ દોષી છે તેવી રજૂઆત કરતી જે અરજી દિલ્હીની અદાલતમાં ડૉ.. સુબ્રણ્યમસ્વામીની ચાલી રહી છે તેણે ભારત સરકારના આ ગૃહમંત્રી સામે ઘણા પ્રશ્નાર્થો ઊભા કરી દીધા છે.
(૨) દિલ્હીના હોટલમાલિક એસ.પી. ગુપ્તા સામે છેતરપિંડી, ઠગાઈ અને ખોટા દસ્તાવેજો બનાવવાના ત્રણ કેસો છે તેને પાછા ખેંચી લેવાની ભલામણ ગૃહમંત્રી ચિદમ્બરમે ગયા મે માસમાં કર્યાની વિગતો બહાર આવતા સંસદમાં ભારે હંગામો થયો. ભૂતકાળમાં આ જ કેસમાં ચિદમ્બરમ હોટલ માલિક ગુપ્તાના વકીલ રહી ચૂક્યા હોવાથી ગૃહમંત્રી તરીકે પોતાના પદનો દુરુપયોગ કર્યાનો સંગીન આરોપ થતાં સરકાર અત્યારે ભારે મૂંઝવણની પરિસ્થિતિમાં આવી પડી છે. જોગાનુજોગ સંસદના હંગામા પછી ગૃહમંત્રીની ભલામણથી પાછા ખેંચાયેલા આ કેસો ફરી ચાલુ કરવાનો આદેશ દિલ્હીના લેફ. ગર્વનરને આપતા ચિદમ્બરમના રાજીનામા માટેની વિપક્ષની માગ વાજબી ઠરવા લાગી છે.
(૩) ગૃહમંત્રી પર ત્રીજો જોરદાર પ્રહાર ગયા અઠવાડિયે બાબા રામદેવના કાળાં નાણાંના મુદ્દે યોજાયેલા પ્રદર્શન પર મધરાત્રિએ થયેલા લાઠીમારના કેસમાં થયો છે. સર્વોચ્ચ અદાલતે આપમેળે શરૂ કરેલી તપાસમાં અદાલત દ્વારા નીમવામાં આવેલા ‘એમીકસકયુરી’ (અદાલતના સહાયક) રાજીવ ધવને એવું સાફસાફ જણાવ્યું કે ચિદમ્બરમની સૂચનાથી મધરાત્રિએ સૂતેલાં હજારો સ્ત્રી-પુરુષો પર દિલ્હીની પોલીસે લાઠીમાર કરી તેઓને વિખેરી નાખ્યાં હતાં. અદાલતની આ રજૂઆત પછી સર્વોચ્ચ અદાલત પણ ચિદમ્બરમને દોષી જાહેર કરી કડક ટીકા કરશે તો તેઓ માટે મંત્રીપદ જાળવવું શક્ય રહેશે નહીં.
આ ઉપરાંત (૪) ચેન્નાઈની અદાલતમાં પણ ૨૦૦૯ની ચૂંટણીમાં ગેરરીતિઓ અજમાવી તેઓ જીત્યા હોવાનો આક્ષેપ કરતી જયલલિતાના પક્ષની અરજીની સુનાવણી ચાલી રહી છે. અદાલત દ્વારા ચાલતા આ કેસોના ચુકાદા જ્યારે આવે ત્યારે પરંતુ હોટલમાલિક ગુપ્તાના કેસમાં ચિદમ્બરમની ભૂમિકાનો બચાવ થઈ શકે તેમ નથી. ખુદ ગૃહમંત્રાલયના દસ્તાવેજો સ્પષ્ટ કહે છે કે ચિદમ્બરમની સૂચનાથી જ આ કેસો પાછા ખેંચાયા છે.
આથી સાર્વજનિક જીવનની નૈતિકતાની દ્રષ્ટિએ પણ તેઓ મંત્રીપદે રહી શકે નહીં પદનો દુરુપયોગના સચોટ પુરાવાઓ છતાં વડાપ્રધાન ડૉ.. સિંહ પોતાના આ સાથીને દૂર કરતાં અચકાય છે, કારણ કે તેઓ બરાબર જાણે છે કે ચિદમ્બરમની વિદાય પછી કેન્દ્ર સરકારને ટકાવી રાખી શકાશે નહીં અને વિપક્ષ પણ આ બરાબર જાણે છે અને એટલે ચિદમ્બરમની હકાલપટ્ટી માટેનું દબાણ ઓછું કરવાને બદલે તે સતત વધારી રહ્યો છે.