સિનેમામાં પણ ક્રિશ્વિયાનિટીનાં પ્રતીકોનો ભરપૂર ઉપયોગ થયો છે અને ભારતીય દર્શકોએ તેમને સમજ્યાં પણ છે અને વખાણ પણ કર્યા છે.
ધુંડીરાજ ગોવિંદ ફાળકેએ વર્ષ ૧૯૧૧માં મુંબઈમાં ‘લાઈફ ઓફ ક્રાઈસ્ટ’ જોતાં સમયે વિચાર કર્યો હતો કે આ જાદુઈ માધ્યમમાં કૃષ્ણ-કથા રચવી જોઈએ અને આ વિચારને કારણે જ હિન્દુસ્તાનમાં કથા ફિલ્મનો પ્રારંભ થયો. તેમણે ૧૯૧૩માં ‘રાજા હરશ્વિંદ્ર’ પ્રદર્શિત કરી, કેમ કે એ સમયે તેમની પાસે કૃષ્ણ-કથા કહેવાનાં જરૂરી સાધન ન હતાં. જોકે આપણી સિનેમા સાથે ક્રાઈસ્ટનો સંબંધ તો જોડાઈ જ ગયો. આ માધ્યમની ટેક્નિકલ જાણકારી, ઉપકરણ અને પટકથાઓની પ્રેરણા પણ પશ્ચિમથી આવી, આથી બાઈબલથી પ્રેરિત ફિલ્મો જેવી કે ‘ધ ટેન કમાન્ડમેન્ટ્સ’, ‘બેન હેર’ વગેરેનાં ભારતમાં વખાણ થયાં. પશ્ચિમની ભૂત-પ્રેતવાળી ફિલ્મોમાં ક્રાઈસ્ટના પવિત્ર જળ તથા પ્રભાવથી પ્રેતાત્માઓના નાશનાં દ્રશ્યો અહીં જોવામાં આવ્યાં.
હિન્દુસ્તાની સિનેમામાં પણ ક્રિશ્વિયાનિટીનાં પ્રતીકોનો ભરપૂર ઉપયોગ થયો છે અને ભારતીય દર્શકોએ તેમને સમજ્યાં પણ છે અને વખાણ પણ કર્યા છે. હૃષિકેશ મુખર્જીની ‘અનાડી’માં નાયકની પ્રેમાળ મકાન માલિક મિસિસ ડિસોઝાનું ચરિત્ર પોતાના પ્રેમ અને કરુણાને કારણે ખૂબ જ લોકપ્રિય થયું હતું અને આ જ વાતનો લાભ લેવા માટે તેમણે ‘મેમ દીદી’ બનાવી હતી.
૧૯૫૬માં રાજ કપૂરની ‘જાગતે રહો’માં ગામડિયો, ભોળો માણસ રોજી-રોટીની શોધમાં મહાનગરમાં આવે છે, જ્યાં એક બહુમાળી ઇમારતમાં તેને ચોર સમજી લેવામાં આવે છે. વાસ્તવિકતા એ છે કે સફેદ કપડાં પાછળ છુપાયેલા લોકો કોઈ ને કોઈ અપરાધ કરતા આવ્યા છે. તેને નકલી નોટોની સાથે બિલ્ડિંગ પર લટકાવેલો દેખાડવામાં આવ્યો છે. દુષ્ટોએ તેના ઉપરના ભાગમાં આગ લગાડી છે અને તમાશો જોવા એકઠી થયેલી ભીડ નીચેથી પથરા મારી રહી છે. એક પથ્થર તેના માથે વગીને બારીનો કાચ તોડી નાખે છે, જ્યાં સૂળી પર લટકેલા ક્રાઈસ્ટનો ફોટો દેખાય છે. તેની કમરમાંથી નોટોનો વરસાદ થાય છે અને ન્યાય કરવા આવેલા તમાશેબાજોની ભીડ પૈસા લૂંટવા લાગી જાય છે.
ગુરુદત્તની ‘પ્યાસા’માં ઓડિટોરિયમના દરવાજે ઊભેલો શાયર અને પ્રકાશ સંયોજન કંઈક એવું છે કે તેમાં ઇસુખ્રિસ્તની છબીનાં દર્શન થાય છે. રાજ કપૂરની ‘મેરા નામ જોકર’નો પ્રથમ ભાગ તો ક્રિશ્વિયન સંકેતોથી ભરેલો છે અને ભારતીય વિદૂષકની આ કથા તમને ઇસુખ્રિસ્તની ભાવનાથી ઓળઘોળ કરે છે. અમિતાભ બચ્ચને મનમોહન દેસાઈની ફિલ્મ ‘અમર અકબર એન્થની’માં એન્થનીનું પાત્ર સુંદર રીતે ભજવ્યું હતું. અમિતાભ બચ્ચનની બેવડી ભૂમિકાવાળી ફિલ્મ ‘આખરી રાસ્તા’માં ઇન્સપેક્ટરપુત્ર અને ખૂની પિતા કબ્રસ્તાનમાં મળે છે. પિતા પોતાની પત્નીની કબર પર ફૂલ ચઢાવવા આવ્યો છે. આ વિલક્ષણ ર્દશ્યને અમિતાભ બચ્ચને ખૂબ જ સુંદરતાથી ભજવ્યું છે.
હિન્દુસ્તાની સિનેમામાં દુભૉગ્યવશ ખલનાયકોને ક્રિશ્વિયન બતાવાયા છે અને તેમને હંમેશાં દાણચોર કે દારૂ વેચનારા બતાવાયા છે. ‘બૂટ પોલિશ’ના ‘જોન ચાચા’ કરુણાથી ભરેલું પાત્ર છે. નાદિરા અને ઓમપ્રકાશે ‘જુલી’માં ભારતીય ક્રિશ્વિયન પાત્રોને સજીવ કર્યા છે અને આ ફિલ્મ આ લઘુમતી સમાજ સાથે ન્યાય કરે છે. એક વખત ‘છોટા ચેતન’ નામના નિર્દેશકે ઈસુ ખ્રિસ્ત પર એક ધારાવાહિક બનાવી હતી, જેને દૂરદર્શન પર બતાવવામાં આવી હતી.
ભારતના અનેક શહોરોમાં ચર્ચ છે અને મશિન દ્વારા સ્થાપિત હોસ્પિટલો તથા શાળાઓ પણ છે. જોકે આખા દેશમાં ઠેર-ઠેર તમને એવી ઇમારતો અને સંસ્થાઓ જોવા મળશે, જે ક્રિશ્વિયાનિટીની યાદ અપાવે છે. સચ્ચાઈ તો એ છે કે જ્યાં પણ કરુણાનો ભાવ તમે જુઓ છો, તમને ઇસુ ખ્રિસ્તની યાદ આવે છે. બધા જ ધર્મ મનુષ્યનું કલ્યાણ ઇચ્છે છે.
એક્સ્ટ્રા શોટ :
વર્ષ ૧૯૭૫માં પ્રદર્શિત ફિલ્મ ‘જુલી’ માટે નાદિરાને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો.