સ્પોટ ફિક્સિંગના કેસમાં પાકિસ્તાની ક્રિકેટરો સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર વિરુદ્ધ ઇંગ્લેન્ડની કોર્ટેમાં ચાલી રહેલો કેસ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે પરંતુ આ ઘટનાક્રમે વિશ્વ ક્રિકેટના વહીવટીતંત્ર સામે સવાલ પેદા કર્યા છે. પાક ક્રિકેટ ટીમના તત્કાલીન સુકાની સલમાન બટ્ટે ગયા વર્ષે એક સટોડિયા પાસેથી નાણાં લઈને એ નક્કી કર્યું કે ઇંગ્લેન્ડ વિરુદ્ધ લોડ્ર્સ ટેસ્ટમાં કઈ ઓવરમાં કયો બોલ નો-બોલ ફેંકવામાં આવશે.
તેણે આસિફ અને આમિરને આ કાવતરામાં પોતાની સાથે રાખ્યા અને પછી આ ત્રણેયે ભેગા મળીને ક્રિકેટ સાથે છેતરપિંડી કરી, જેથી નો બોલની સંભાવના પર દાવ લગાવીને સટોડિયાઓ કરોડો રૂપિયાની કમાણી કરી શકે. આ બધું જ અત્યારે બંધ થઈ ચૂકેલા અખબાર ‘ન્યુઝ ઓફ ધ વર્લ્ડ’ના સ્ટિંગ ઓપરેશનમાં બહાર આવ્યું, જેને કારણે ક્રિકેટની દુનિયામાં ચાલી રહેલો ભ્રષ્ટાચાર દુનિયાની સામે આવ્યો.
આમાં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, આખરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનું એન્ટી કરપ્શન યુનિટ આજ સુધી મેચ કે સ્પોટ ફિક્સિંગના કોઈ પણ આરોપના ઊંડાણ સુધી કેમ પહોંચી શક્યું નથી? જ્યારે પણ આવા આરોપો લાગ્યા છે ત્યારે વિવિધ દેશોના ક્રિકેટ બોર્ડોની સાથે-સાથે આઈસીસીનું વલણ પણ તેને નકારી દેવાનું રહ્યું છે. એક દાયકા પહેલાં ભારત, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાના ઘણા ક્રિકેટરો મેચ ફિક્સિંગમાં પકડાયા છે. પરંતુ એ વખતે અત્યારે બ્રિટનમાં જેવી કાનૂની પ્રક્રિયા ચાલી છે એવી ચાલી ન હતી.
એ દેશોએ ક્રિકેટનો વહીવટ કરતા તંત્ર પર નજર રાખવાની કોઈ એવી વ્યવસ્થા પણ બનાવી નથી. આથી હવે ક્રિકેટ રમનારા બધા જ દેશોએ ઇંગ્લેન્ડ પાસેથી બોધપાઠ લેવાની જરૂર છે. ત્યાંના ન્યાયતંત્રએ એક એવું ઉદાહરણ સ્થાપ્યું છે કે રમતને ઇમાનદારી અને સાચી લગનથી ન રમવી એક એવો ગુનો છે, જેની સજા જેલ પણ થઈ શકે છે. આ બાબત ફક્ત ક્રિકેટ જ નહીં પરંતુ સમગ્ર ખેલજગત માટે એક બોધપાઠ છે.