જાણીતા ઉદ્યોગપતિ હેનરી ફોર્ડે જીવનમાં એ બધું જ મેળવી લીધું જેનું સપનું દરેક વ્યક્તિની આંખોમાં હોય છે. ધન, સુખ-સમૃદ્ધિ, વિરાટ ઐશ્વર્ય અને અઢળક કીર્તિ. આ બધી જ હેનરી ફોર્ડની કમાણી હતી. તેઓ જ્યારે પોતાની સમૃદ્ધિ અને કીર્તિના શિખર પર બેઠેલા હતા ત્યારે એક દિવસ એક પત્રકારે તેમને પૂછ્યું, ‘શ્રીમાન! તમે તમારા જીવનમાં અઢળક સંપત્તિની સાથે જ યશ અને ગૌરવ કમાયું છે.
તમારા દાનથી અનેક મહાન કાર્યો પૂરાં થયાં છે. આખી દુનિયા તમારી સફળતાને સલામ કરે છે. આટલું બધું મેળવી લીધા બાદ પણ તમને જીવનમાં હજું પણ કંઈ ખૂટતું હોય એવું લાગે છે? હેનરી ફોર્ડ તુરંત જ બોલ્યા, હા, મારા જીવનમાં એક સાચા મિત્રની કમીનો મને અવાર-નવાર અહેસાસ થાય છે. જો મારે ફરીથી જીવનનો પ્રારંભ કરવાનો હશે તો હું એક સાચા મિત્રને શોધીશ. ભલે તેને માટે મારી તમામ સંપત્તિ ગુમાવી દેવી પડે.
આ સાંભળીને પત્રકાર બોલ્યો, ‘જો તમે આમ કરશો તો તમને મિત્રો જ મિત્રો મળી જશે, પરંતુ સાચો મિત્ર ત્યારે પણ નહીં મળે.’ ફોર્ડે જ્યારે તેનું કારણ પૂછ્યું તો તે બોલ્યો, ‘તમે ફકત નાણાંના બળે મિત્રોને શોધવા માગો છો. પૈસાથી સાચા મિત્રો મળતા નથી, તેને માટે અહંકાર ઓગાળવો પડે છે.
ખુદને સર્વસ્વ આપવું પડે છે, સમર્પિત થવું પડે છે. પૈસાથી દુનિયાની બધી જ વસ્તુ ખરીદી શકાય છે પરંતુ સાચો મિત્ર નહીં. ફોર્ડને પોતાની ભૂલનો અહેસાસ થયો. કથાનો સાર એ છે કે સાચી દોસ્તી સાિત્વક હૃદયની શુદ્ધ ભાવનાઓ પર ટકેલી હોય છે. આથી સાચો મિત્ર મેળવવા માટે ખિસ્સું નહીં, દિલ ઉદાર રાખવું પડે છે.