Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Sanat Mehta
 

આદિવાસીઓની જિંદગીનું ખનન

 
Source: Sanat Mehta   |   Last Updated 12:15 AM [IST](02/09/2010)
 
 
 
 
 
ઉદારીકરણની નીતિ હેઠળ કેન્દ્ર સરકારે જાહેર હિત માટે અનામત રખાયેલી ખાણોને મુક્ત કરી ત્યારથી ગેરકાયદે ખનન રોકેટ ઝડપથી વધવા લાગ્યું છે. ૧૭ રાજ્યોમાં ખનીજચોરી થાય છે. દર વર્ષે R ૧૮૦૦ કરોડનો કોલસો માફિયાઓ તફડાવે છે. કુદરતે ખનીજ, પાણી, વૃક્ષો બધું જંગલ વિસ્તારોમાં આપ્યું છે, જ્યાં ગરીબો જ વસે છે. સરકારની નીતિ ગરીબો પાસેથી લઈને અમીરોને આપવાની છે.

તાજેતરમાં રાહુલ ગાંધીએ ઓરિસ્સામાં નિયમગીરી પહાડ વિસ્તારમાં જઈને ભારતના ડુંગરિયા કૌંધ-આદિવાસીઓને વૈશ્વિકઉદ્યોગ વેદાંતના પહાડમાંના સદીઓથી ધરબાયેલા બોક્સાઇટના ખનનની નામંજૂરીને ‘આદિવાસી હક્ક દિવસ’ તરીકે મનાવ્યો ત્યારથી વેદાંત, પોસ્કો ચર્ચાને ચકરાવે ચડ્યા છે. આ પહેલાં ઝારખંડના મુખ્યપ્રધાન મધુ કોડાએ ખનીજના ખનનમાંથી R ૪૩૦૦ કરોડનો ગોટાળો કર્યો અને કર્ણાટકના બેલારી વિસ્તારમાં રાજ્યના મંત્રીઓ રેડ્ડીબંધુઓની ખનીજના ગેરકાયદે ખનન અને ગેરકાયદે દેશ બહાર નિકાસની વિગતો બહાર આવી ત્યારે ભારતના ગેરકાયદે થતા ખનીજના ખનનમાં રાજનેતાઓ, વહીવટીતંત્ર અને ઉદ્યોગની કેવી મીલીભગત ચાલે છે એની ચર્ચા મીડિયામાં રોકી રોકાતી નથી. આ બધા વચ્ચે મોડે મોડે ખનીજના ખનનના પચાસ વરસ જૂના કાયદાને સુધારવાની વાતો થઈ રહી છે.

જ્યારથી ઉદારીકરણની નીતિ હેઠળ કેન્દ્ર સરકારે જાહેર હિત માટે અનામત રખાયેલી ખાણોને મુક્ત કરી ત્યારથી ગેરકાયદે ખનન રોકેટ ઝડપથી વધવા માંડ્યું છે. કર્ણાટકમાં આ ગેરકાયદે ખનન ૧૯૯૪માં શરૂ થયું અને ૨૦૦૩ સુધી એટલે લગભગ એક દાયકામાં ૧૧૬૨૦ ચો. કિલોમીટરની ખાણો ખાનગી ક્ષેત્રમાં દાખલ કરાઈ છે. ભારત સરકારના જણાવ્યા પ્રમાણે ૨૦૦૬થી ૨૦૦૯ના માત્ર ત્રણ વરસ દરમિયાન દોઢ લાખ કેસો જાહેર બન્યા છે. ૨૦૦૯-૧૦માં ત્રીસ હજારથી વધુ ખાણોમાં ગેરકાયદે ખનન કરાય છે.

જેમાંથી માંડ બારસો સામે ફરિયાદ થઈ છે. આ બધું તંત્રની જાણ બહાર થાય છે એવું પણ નથી કારણ ૨૦૦૫માં ખનીજ અંગેની સંસદીય સમિતિએ આવા ૧૪૫૦ કિસ્સા નોંધ્યા હતા. ખનીજ મંત્રાલયે તાજેતરમાં જણાવ્યું છે કે મુખ્ય ખનીજના ગેરકાયદે ખનનના અંદાજે પાંચ હજાર અને માયનોર ખનીજના આવા અઠ્ઠાવીસ હજાર કિસ્સા બહાર આવ્યા છે. ઇન્ડિયન બ્યૂરો ઓફ માઇન્સે ભારતનાં સત્તર રાજ્યોમાં ખનીજની ચોરી થાય છે એવું જણાવ્યું હતું. આમાં નામચીન બનેલા વિસ્તારોમાં કર્ણાટકનો બેલારી હોસ્પેટ વિસ્તાર, આંધ્રના ઓબુલાપુરમ, કુર્નુલ અને કડાપ્પા વિસ્તારો, ઓરિસ્સાના કેઓન્જારે અને બડબિલ વિસ્તારો અને ઝારખંડના પશ્ચિમ સિંગભૂમનો સમાવેશ થાય છે.

છેલ્લાં બે વરસમાં કાચા લોખંડની એક કરોડ ટનની ચોરી એકલા બેલારી જિલ્લામાંથી થઈ છે. લગભગ આ ખનીજનો એટલો જ જથ્થો ઓરિસ્સા કેઓન્જાર અને બીજા રાજ્યોમાંથી ચોરી થયો છે. ખુદ સરકારના અહેવાલ પ્રમાણે દર વરસે અઢારસો કરોડ રૂપિયાનો કોલસાનો જથ્થો માફિયાઓ તફડાવે છે. કુદરતે ખનીજ, પાણી, વૃક્ષો એ બધું જંગલ વિસ્તારોમાં આપ્યું છે, જ્યાં ગરીબો જ વસે છે. ખનીજના ખોદકામ માટે દોઢ લાખ હેકટરથી વધુ જંગલ વિસ્તાર ખનીજ માટે ફાળવાયો છે.

ક્યાં ગયા હશે આ જંગલવાસીઓ? આ બધાના મૂળમાં વૈશ્વિકીકરણે જન્માવેલી નાણાકીય ભૂખ છે. ૨૦૦૭-૦૮ના વરસમાં સ્થાનિક પોલાદ ઉદ્યોગને ટને ૧૧૬૧ રૂપિયાના ભાવે કાચું લોખંડ મળતું હતું ત્યારે આ ખનીજ ૩૨૦૦ રૂપિયાના ટનના ભાવે નિકાસ થતું હતું. જે ૨૦૦૧ની ગણતરીએ ચારસો ટકા ભાવવધારો થયો. આ બધું રાષ્ટ્રની વિદેશી હૂંડિયામણની જરૂરના નામે થાય છે.

હકીકતમાં કાચા લોખંડની નિકાસમાંની આવક કુલ નિકાસની આવકના અઢી ટકાથી થોડી વધુ થાય છે. ધાતુ અને બિનધાતુના ખનીજ ઉદ્યોગમાંથી દોઢ લાખને રોજી મળે છે. ગુજરાતમાં પર્યાવરણવિદ અમિત જેઠવાની હત્યા ગેરકાયદે ખનનની કરુણકથા છે. એકલા ઉના- કોડિનાર વિસ્તારનાં બાર ગામોમાં લાઇમસ્ટોન, બેલા સ્ટોન અને બ્લેક સ્ટોનની પંચાવન ગેરકાયદે ખાણો ધમધમે છે.

ખનીજમાંથી થતી આવક એટલી ઝડપે વધી રહી છે કે વેદાંત અને પોસ્કોને ઉદ્યોગ માટે જરૂરી ખાણ અને ખનીજ મળી રહે એની વકીલાત કરવા ઓરિસ્સાના મુખ્યપ્રધાન નવીન પટનાયક વડાપ્રધાન પાસે દોડી ગયા હતા. ગેરકાયદે ખનનના ગોટાળા બહાર આવ્યા છતાં કર્ણાટકના મુખ્યપ્રધાન આવી પ્રવૃત્તિ કરનાર રેડ્ડીબંધુઓને બેરોકટોક મંત્રીમંડળમાં સુરક્ષિત રાખી રહ્યા છે. એકલા ઓરિસ્સાનો હિસાબ જોઈએ- વેદાંતનો એલ્યુમિનિયમ પ્લાન્ટ એની ધારણા પ્રમાણે કાર્યરત થાય તો નવીન પટનાયકને વરસે બારસો કરોડ વિવિધ કર મારફત મળે. પોસ્કો કાર્યરત થાય તો વરસે બીજા બાવીસ સો કરોડ મળે.
તાતાનો કલિંગનગર સ્ટીલ પ્લાન્ટ કાર્યરત થાય તો ત્રણેમાંથી વરસે R પાંચ હજાર કરોડની રાજ્યને આવક થાય. રાજ્યની કરની વાર્ષિક આવકના આ પચાસ ટકા થાય છે. રાજ્યો અત્યારે દેવામાં ડૂબેલાં છે. બીજી બાજુ ખનીજ આધારિત ઉદ્યોગોની ઓરિસ્સાની આવક દસ હજાર કરોડ પર પહોંચવાની ગણતરી છે. આવું હોય તો મુખ્યમંત્રી તો શું પણ સમગ્ર નોકરશાહી એમની સેવામાં કેમ ન લાગે?

અલબત્ત વરસે આટલી આવકમાંથી વિસ્થાપિત થનારાં કુટુંબોને આજીવન પેન્શન આપી શકાય પણ આજે સરકારો ગરીબો પાસેથી લઈ અમીરોને આપવાની નીતિનો અમલ કરી રહી છે. પછી એ નેનો કાર માટે જમીન અને સબસિડી આપનારી ગુજરાત સરકાર હોય કે પછી ઉત્તરપ્રદેશમાં એક્સપ્રેસ-વે માટેની જમીન માટે ૧૪ લાખ લોકોને બેઘર બનાવનાર ઉત્તરપ્રદેશની સરકાર હોય! શું રાહુલ ગાંધી એકલે હાથે આ નીતિ બદલી શકશે?

સનત મહેતા, લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.