હમણાં હમણાં ત્રીસ સેકેન્ડની એક જાહેરખબરની ફિલ્મમાં રક્ષાબંધન પ્રસંગે એક ભાઈને તેની બહેનને ચોકલેટ આપતો દર્શાવ્યો છે. જાહેરખબરની બીજી ફિલ્મમાં એક અજાણ્યો યુવાન તેની જેટલી જ ઉંમરની એક છોકરી પાસે ચોકલેટનો ટુકડો માગતો દેખાડ્યો છે, કારણ કે તેની માએ કહ્યું છે કે સારું કે શુભ કામ કરતાં પહેલાં કશું મીઠું-ગળ્યું ખાવું જોઈએ. તેને પૂછવામાં આવતાં તે કહે છે કે, એ અજાણી છોકરીને ઘરે પહોંચાડવા માગે છે. આજના યુવાનો તેમની વાક્ચાતુર્યથી દિલ જીતવાનું જાણે છે.
જો કે, આ જાહેરખબરોની આ તમામ ફિલ્મોનો ઉદ્દેશ આપણી પરંપરાગત મીઠાઈને બદલે ચોકલેટને પ્રસ્થાપિત કરવાનો છે. તેમના આ હેતુને ખુદ મીઠાઈ બનાવવાવાળાઓ અજાણતાં જ સફળ બનાવી શકે છે. થોડા થોડા દિવસે માવામાં ભેળસેળના સમાચારો ચમકે છે અને આ પ્રકારની મીઠાઈ તબિયતને નુકસાન પહોંચાડી શકે છે. આખી વાતનો સાર એવો છે કે, સમાજના ભ્રષ્ટાચારે અને લગભગ ભાંગી પડેલા કારભારે ભેળસેળના ગુનાને ફાલવા દીધો છે અને નૈતિક મૂલ્યોના પતનને કારણે જ તહેવારોમાં ખવાતી પરંપરાગત મીઠાઈનું સ્થાન ચોકલેટ લઈ શકે છે.
સમાજમાં આ પ્રકારના પરિવર્તન ચોર ગલીમાંથી પ્રવેશ કરે છે. ખાવા માટે તેલ નથી તો દીવા કરવા તેલ ક્યાંથી લાવે? આજે સામાન્ય માણસ ખુદ બેઉ છેડેથી બત્તીની જેમ બળી રહ્યો છે. આપણા વહીવટી તંત્રની ઢીલાશને કારણે ભેળસેળ કરનારાઓની હિંમત વધી ગઈ છે અને હવે તમામ તહેવારો-ઉત્સવો આ અનૈતિકતાનો ભોગ બની ગયા છે. સમાજનાં બધા પરિવર્તન ધોરી રસ્તેથી નથી આવતા, કાંટાળી ઝાડીઓ વચ્ચેથી પસાર થતી પગદંડી પરથી ચાલતા પણ આવે છે. વિતેલાં કેટલાંક વર્ષોમાં આપણે શીખી લીધું છે કે, ભ્રષ્ટાચારનો ઉપચાર કે ઉકેલ સંભવ નથી એટલે આપણે ભ્રષ્ટાચારની સાથે જીવતાં શીખી લેવું જોઈએ. આવી નિરાશાભરી વિચારશૈલીને બદલવી પડશે, કારણ કે હવે દેશનું અસ્તિત્વ જ ભયમાં આવી ગયું છે.
સલામતી તંત્રમાં ભ્રષ્ટાચારને કારણે ક્ષતિપૂર્ણ હથિયારો ખરીદવામાં આવે છે. નેતાઓ એટલા બેશરમ છે કે શહીદોની શબપેટીઓની ખરીદીમાં સુધ્ધાં પૈસા ખાઈ ગયા છે. કેટલાય વૃદ્ધ, બીમાર નેતા મૃત્યુ માટે વલવલાટ કરે છે. તેમને જીવતા જીવ નરક ભોગવવું પડે છે. આજે લશ્કરી તંત્રમાં ભ્રષ્ટાચારની સાથે ઘૃણાસ્પદ જાતિવાદ અને સાંપ્રદાયિકતાનું ઝેર પણ સામેલ થઈ ગયું છે. રાહુલ બોઝ અભિનીત ફિલ્મ ‘શૌર્ય’ જુઓ, કેવો યોગાનુયોગ છે કે એક જમાનામાં લાંચનાં નાણાં મીઠાઈના ડબ્બામાં મીઠાઈ કહીને આપવામાં આવતા હતાં.
લશ્કર, સૈનિક કે ન્યાયાલય ભ્રષ્ટાચાર નાબૂદ નહીં કરી શકે, કારણ કે આ નાણાંનો મામલો નથી, પણ આ નૈતિક મૂલ્યોના પતનનો મામલો છે. આની વિરુદ્ધમાં નવા પ્રકારનું યુદ્ધ છેડવું પડશે, વાત એમ છે કે કુટુંબનો જ કોઈ સભ્ય કુટુંબની ભ્રષ્ટ વ્યક્તિની સામે અવાજ ઉઠાવે તો જ સુધારાની શક્યતા ઊભી થાય છે, કારણ કે દરેક ભ્રષ્ટ વ્યક્તિ કહે છે કે તે કુટુંબની આર્થિક સલામતીને માટે લાંચ લે છે. પત્ની જ્યારે પતિની પાપની કમાણીને હાથ ન લગાડે તથા તેના દ્વારા એકત્ર કરાયેલી સગવડોને નકારી કાઢે તો જ કોઈ ઉકેલ નીકળી શકે છે. આવી પવિત્ર લડાઈ દરેક ઘરમાં શરૂ થવી જોઈએ. તમારી મીઠાઈ અને તહેવાર-ઉત્સવો માટે તમારે જાતે જ લડવું જોઈએ.