આજે દુનિયામાં સાત અબજમા બાળકનો જન્મ થશે. કોઈ ઘરમાં નવા બાળકનું આગમન ખુશીની વાત હોય છે પરંતુ તેની સાથે જ નવી જવાબદારીઓ અને પડકારો પણ આવે છે.
ઈતિહાસની માહિતી પ્રમાણે આ પ્રથમ વખત માત્ર ૧૩ વર્ષમાં વિશ્વની વસતીમાં એક અબજનો વધારો થયો છે, જેનું કારણ અનેક ક્ષેત્રોમાં મનુષ્યએ મેળવેલી સફળતાઓ છે. આરોગ્ય પ્રત્યે વધુ ધ્યાન, જીવનજરૂરી ચીજ-વસ્તુઓ સરળતાથી મળવી અને અકુદરતી મોતની સંખ્યામાં ઘટાડાને કારણે આજે મનુષ્યનો સરેરાશ જીવનકાળ ૬૮ વર્ષનો થયો છે, જે ૧૯૫૦માં ફક્ત ૪૮ વર્ષનો હતો.
અનુમાન છે કે ૨૦૮૦ની આજુબાજુમાં વિશ્વની વસ્તી ૯.૨૫ અબજથી ૧૦ અબજ સુધીની થઈ શકે છે. વસતીવધારાની સાથે અનાજ, પાણી તથા બીજી પાયાની સુવિધાઓની સાથે જ પૃથ્વીના તાપમાનમાં પણ વધારો થશે, જેનાથી જળવાયુ પરિવર્તનનો પડકાર વધુ ગંભીર થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે દુનિયાનો દરેક છઠ્ઠો મનુષ્ય ભારતવાસી છે. જો દુનિયામાં અનાજ કે પાણીની અછત ગંભીર સ્વરૂપ ધારણ કરે છે તો તેની સીધી અસર ભારતના જનજીવન તથા વિકાસની અપેક્ષાઓ પર પડશે. આથી આપણા ભવિષ્યના આયોજકોએ નવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. પરિવાર નિયોજન સંબંધિત શોધો અને માનવ સમાજમાં વધતી જતી જાગૃતિએ વસતીવધારાના દરમાં ઘટાડો જરૂર કર્યો છે.
આજે દુનિયાની વસતી દર વર્ષે એક ટકાના દરે વધી રહી છે, જે ૧૯૬૦ના દાયકા સુધી બે ટકાનો હતો. ૧૯૭૦માં દુનિયામાં પ્રતિ એક મહિલા ૪.૪૫ બાળકનો જન્મ થતો હતો, જે દર હવે ૨.૪૫ ટકા જેટલો નીચો ગયો છે. હવે પ્રતિ મહિલા ૨.૧ બાળકનો જન્મદર હાંસલ કરી લેવાશે તો વસ્તીવધારાનો દર સ્થિર થઈ જશે. એટલે કે નજીકના ભવિષ્યમાં જો સ્થિતિ પર કાબ} મેળવી લેવાયો તો પછી માનવતાના સુખદ ભવિષ્યની આશાઓ સાકાર કરી શકાશે.