કૃષ્ણ, કૃષ્ણ-કથા, કૃષ્ણ-સંગીત અને કૃષ્ણ-ચેતના પ્રત્યેક ભારતીયની રગ રગમાં વ્યાપ્ત છે. કૃષ્ણના નામની જે મોહિની છે તે અવર્ણીનીય છે. વર્ણનાતીત છે. સંતો અને ઋષિ મુનિઓ કહે છે કે મહર્ષિ વેદ વ્યાસે મહાભારતમાં સમાજજીવનની સચ્ચાઈને આબેહૂબ તો વર્ણવી જ, તેમાંય ગીતા દ્વારા વાસ્તવિક જીવન બોધ આપ્યો જ, ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિરના સંવાદ દ્વારા એક હજાર નામવાળા વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણને ભજવાનું મહાત્મ્ય પણ પ્રતિપાદિત કર્યું. તેમ છતાં તેમણે શ્રીમદ્ ભાગવતની રચના કરી અને શ્રીકૃષ્ણની લીલાની પ્રશિસ્ત દ્વારા કૃષ્ણભક્તિનો મહિમા, મહત્તા અને અનિવાર્યતા સમજાવી. ‘હરિ અનંત, હરિ-કથા અનંત તે આનું નામ.’
આમ તો શ્રીકૃષ્ણ આપણા શ્લોકો અને મંત્રો, આપણાં પ્રભાતિયાં, ભજન-કીર્તન, પદો-આરતીઓ, કવિતાઓ અને કથાઓ,રાસ અને ગરબા,નૃત્ય અને નાટકો, સિરિયલો તથા ફિલ્મો તેમજ ‘જય શ્રીકૃષ્ણ, જય દ્વારકાધીશ, જય રણછોડ, રાધે-કૃષ્ણ કે ગિરિરાજધરણ કી જય’ જેવાં અભિવાદનો (‘ગુડ મોર્નિંગ’ અને ‘ગુડ ઇવનિંગ’ વાળાઓને આ અભિવાદનોની વ્યાપકતા અને ઊંડાણનો અંદાજ પણ નહીં હોય)ના માધ્યમથી આપણા જનજીવનમાં એટલા ઓતપ્રોત છે કે એક રીતે જોઈએ તો આપણે રોજેરોજ જન્માષ્ટમી ઉજવતા હોઈએ તેવું લાગે.
શ્રીકૃષ્ણ જે દિવસે (એટલે કે શ્રાવણ વદ અષ્ટમીની મધ્ય રાત્રિએ) સંસારમાં માનવ દેહે પ્રકટ થયા તે દિવસ અજર-અમર થઈ ગયો. વસુદેવ-દેવકીના જીવનના અંધકાર, કંસના અત્યાચારોની આપત્તિ અને દુ:ખ-દર્દનાં કાળાં ડિબાંગ ઘનઘોર વાદળોમાંથી આફતોનો મૂશળાધાર વરસાદ આ ગમગીન માહોલમાં નવી આશા અને જોમનો સંચાર કરતું આશાનું કિરણ પ્રકટે તે રીતે એક અવતાર પ્રકટ થાય ત્યારે કોનું ‘મન મોર બની થનગાટ ન કરે?’ જીવનની પ્રત્યેક અવસ્થામાં શ્રીકૃષ્ણ એક મહાનાયક તરીકે સક્રિય ભૂમિકા ભજવતા રહ્યા.
દૂધ ઉત્પાદકોની સહકારી મંડળીનો પ્રથમ વિચાર બાળ શ્રીકૃષ્ણના ગોકુળ-વૃંદાવનની લીલાઓમાંથી સાંપડ્યો હોવાનું નકારી શકાય ખરું? ગોકુળ-વૃંદાવનના જન-જીવનમાં તેઓ એવા ભળી ગયા કે ત્યાંનાં અનિષ્ટોનો નાશ કરવાની આગેવાની તેઓ લેતા થઈ ગયા. અઘાસુર અને બકાસુરને તેમણે માર્યા. પાંડુરંગ આઠવલે દાદા અઘાસુરને પાપ તથા બકાસુરને દંભ ગણાવે છે. પોતાની આ જ પતિએ કિશોરાવસ્થામાં તેઓ કંસને મહાત કરે છે અને જરાસંધ-કાલ યવનને હંફાવે છે. માતા-પિતાને કેદમાંથી અને મથુરાવાસીઓને કંસના અત્યાચારોથી મુક્તિ અપાવે છે. એક મહાનાયક તરીકે સમસ્ત યાદવ કુળને કાલ યવનનાં આક્રમણોથી બચાવી સુદૂર દ્વારકામાં શાંતિ અને સમૃદ્ધિપૂર્ણ નવજીવન પ્રદાન કરે છે.
દ્વારકાથી હસ્તિનાપુરના આંટા-ફેરા કરી ધર્માચારી-સદાચારી પાંડવોના પક્ષે રહી કૌરવોને પરાસ્ત કરવામાં નક્કર ભૂમિકા અદા કરે છે. યુદ્ધમાં શસ્ત્રહીન સારથિ તરીકે કાર્ય કરીને અને પોતાની તમામ શસ્ત્ર-સેના કૌરવોને સોંપીને પોતાની વિચક્ષણ બુદ્ધિપ્રતિભા વડે પાંડવોને વિજય અપાવે છે. ધર્મની સ્થાપનામાં આવનારાં તમામ વિઘ્નોને દૂર કરવાની આવડત શ્રીકૃષ્ણના જીવનના અભ્યાસથી મળે છે. યુધિષ્ઠિર પાસે ‘નરો વા કુંજરોવા’ બોલાવડાવવું કે અર્જુન દ્વારા કર્ણને તેનો રથ જમીનમાં ખૂંપેલો હોય છે ત્યારે જ મરાવવો કે દુર્યોધનની જાંઘ ઉપર ભીમને ગદા ફટકારવા કહેવું તે કૃષ્ણ જ કરી શકે.
મહાનાયક શ્રીકૃષ્ણ રાજાધિરાજ હોવા છતાં એક મિત્ર, સખા તરીકે સરળ-સહજ પ્રાપ્ય છે. તે વિદુરની ભાજી કે સુદામાના પૌંઆ સહજતાથી ખાઈ શકે છે. તે જોતાં મોર-પીંછ અને મોરલી સાથેના શ્રીકૃષ્ણ (‘શંખ-ચક્ર-ગદા-પદ્મ’વાળા ચતુર્ભુજ ભગવાન હોવા છતાં પણ) આપણને વધુ નિકટ અને વહાલા લાગે છે. તેથી નરસૈયો તો ઠીક, આપણેય જન્માષ્ટમીને દિવસે તો સહજ ગાઈ ઊઠીએ કે : ‘આજની ઘડી તે રળિયામણી / મારો વહાલો આવ્યાની વધામણી રે...’
પરિમલ નથવાણી,લેખક દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ અને આરઆઈએલમાં ગ્રૂપ પ્રેસિડેન્ટ છે.