Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Others
 

આજના ‘ફ્રીડમ ફાઇટર’ને આગળ વધવા આહ્વાન

 
Source: Aagal Vadhiye Vadhata Rahiye, Ajay Umat   |   Last Updated 4:20 AM [IST](31/08/2010)
 
 
 
 
 
આઝાદ ભારત વિષમતા અને વિરોધાભાસથી ભરપૂર છે. દુનિયાની પાંચમી આર્થિક મહાસત્તા બનનાર ભારતમાં આઝાદીના દિવસે ત્રિરંગો ઝંડો ચારરસ્તા પરના બાળ ભિક્ષુકો પાસેથી જ ખરીદવો પડે છે. ભારત વિશ્ચની સૌથી મોટી લોકશાહી છે અને સંસદની એક છત નીચે સૌથી વધુ ‘ગુનેગારો’ બેસે છે. ફોર્ચ્યુન - ફોબ્ર્સની યાદીમાં ભારતીય કંપનીઓ, ઉદ્યોગપતિઓ અને સીઇઓની સંખ્યા વધી રહી છે, પરંતુ આ દેશની ૪૦ ટકા વસતી ગરીબીરેખા નીચે જીવે છે. ભારતમાં દશ ટકા ધનિકો પાસે ૬૮ ટકા સંપત્તિ છે. આ અસમાન વહેંચણી ફક્ત આવક પૂરતી જ મર્યાદિત નથી. ભારત એક છે, અસમાનતા અનેક છે. ૭૦ કરોડ યુવાનો ધરાવતા આ દેશમાં વિશ્ચના સૌથી વધુ બેરોજગાર વસે છે.

વિશ્ચમાં ભૂખમરાથી પીડાતાં સૌથી વધુ બાળકો ભારતમાં રહે છે. ૪૬ ટકા બાળકો કુપોષણનાં શિકાર છે, ત્યારે બીજી બાજુ સરકારી ગોદામોમાં આ વર્ષે એક લાખ કરોડ રૂપિયાનું અનાજ સડી ચૂક્યું છે. સુપ્રીમ કોર્ટે અનાજ સડે એના બદલે ગરીબોને મફતમાં વહેંચી દેવા સલાહ આપી છે, પરંતુ સરકારી તંત્રમાં શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ છે. બાળકોને ફરજિયાત શિક્ષણનો કાયદો આઝાદીનાં ૬૩મા વર્ષે ઘડાય છે, પરંતુ બીજી તરફ વરવી વાસ્તવિકતા એ છે કે બે કરોડ બાળકોનું બાળપણ ખેલકૂદના બદલે શ્રમની ચક્કીમાં પીસાતું જોવા મળે છે.

દરરોજ ૧૨થી ૧૬ કલાક મજૂરી કરતા આ બાળશ્રમિકોને માંડ દશ રૂપિયાની રોજી મળે છે. કોમનવેલ્થ ગેમ્સમાં અંદાજે ૩૫,૦૦૦ કરોડ રૂપિયાનું આંધણ થઈ રહ્યું છે, પરંતુ બીજી તરફ દેશભરનાં કરોડો બાળકો શિક્ષણની યોગ્ય સવલતો અને સાધનોથી વંચિત છે. દેશનાં ૬ કરોડ બાળકો ઇચ્છે તો પણ પાંચ કિ.મી. વિસ્તારમાં શાળા ન હોવાને કારણે ભણી શકતાં નથી. ભારતમાં ટોઇલેટ કરતાં મોબાઇલ ફોનની સંખ્યા વધુ છે. આજે પણ ગ્રામીણ ભારતમાં ૭૦ ટકા લોકો જાહેરમાં કુદરતી હાજતે જાય છે.

ભારતે આર્થિક ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે. અંતરિક્ષમાં સેટેલાઇટ છોડ્યા છે અને મૂનમશિન પાર પાડ્યા છે, પરંતુ ભારત અને ઇન્ડિયા વચ્ચેની ખાઈ હજી પૂરી શકાઈ નથી. શહેરી ભારત અને ગ્રામીણ ભારત વચ્ચેની વિષમતા ઊડીને આંખે વળગે છે. વિકાસની આંધળી દોટમાં શહેરીકરણ, ઝૂંપડપટ્ટી કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે, પરંતુ સરેરાશ ભારતીય નાગરિકના જીવનની ગુણવત્તા સુધરી નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ અનુસાર હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન ૧૯૯૪માં હતું ત્યાં જ ૨૦૦૯માં વિશ્ચમાં ૧૩૭મા ક્રમે છે. શું આ ભારત દેશની પ્રગતિ અને વિકાસ છે ? આજે પણ આ દેશની પ્રજા અસ્પ્úશ્યતાથી સંપૂર્ણપણે મુક્ત થઈ નથી. મોંઘવારી ઉત્તરોત્તર માઝા મૂકી રહી છે.

ભ્રષ્ટાચારનો રાક્ષસ રાતે ન વધે એટલો દિવસે વધી રહ્યો છે. આમિરખાનની ‘પીપલી લાઇવ’ તો વાસ્તવમાં ટ્રેઇલર છે. આઝાદ ભારતની કથા સામાન્ય માનવી માટે ટ્રેજિક છે. એક અંદાજ અનુસાર ભારતના લોકો દર વર્ષે અઢી લાખ કરોડ રૂપિયા ભ્રષ્ટ રાજકારણીઓ અને અધિકારીઓને ચૂકવે છે. સર્વિશક્ષા અભિયાન પાછળ વપરાતાં નાણાંમાંથી ૪૫ ટકા ભ્રષ્ટાચારમાં જાય છે અને આઠમા ધોરણ સુધી ભણતાં બાવન ટકા બાળકોને યોગ્ય રીતે લખતાં વાંચતાં આવડતું નથી એમ ખુદ સરકારી અહેવાલ સ્વીકારે છે.

અલબત્ત આભ ફાટે ત્યાં થીંગડું ક્યાંથી મારીએ એવી નકારાત્મક માનસિકતા કેળવવાથી કાંઈ નહીં વળે. સમયનો તકાદો છે કે ગરીબી, બેકારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બાળમજુરી, સ્ત્રીશોષણ, કુપોષણ અને નિરક્ષરતા સામે જંગ છેડી દેશને નવતર આઝાદી અપાવવાનો. એકલા હાથે તાળી ન પડે. ઝાઝા હાથ રિળયામણા. સરકારી આશ સદાય નિરાશ. આધુનિક ભારતના નિર્માણ માટે માભોમને આજે ‘‘ફ્રીડમ ફાઇટર’’ની જરૂર છે.

‘દિવ્ય ભાસ્કર’ પોતાની ‘આગળ વધીએ વધતાં રહીએ’ની આ ઝુંબેશમાં સૌ વાચકો, પ્રવૃત્તકો, કર્મશીલો અને સ્વૈચ્છિક સંસ્થાઓને જોડાવા આહ્વાન કરે છે. આ પ્રકારની નેત્રદીપક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ‘ફ્રીડમ ફાઇટરો’ને પ્રોત્સાહિત કરી સન્માન કરવાની અમારી નેમ છે. આપ તેઓના નામ અમને મોકલી શકો છો. ભારતે નવતર ક્રાંતિ કરવાની છે જે આપના સહકાર વિના અધૂરી છે. ભારત નિર્માણની ક્રાંતિ અને અનિષ્ટો સામેની લડાઈમાં ચાલો, આગળ વધીએ, વધતાં રહીએ.

અજય ઉમટ

ઈમેલ : db.avvr@gmail.com

પત્ર વ્યવહારનું સરનામું : આગળ વધીએ વધતાં રહીએ વિભાગ, ૨૮૦, ભાસ્કર હાઉસ, સરખેજ-ગાંધીનગર હાઈવે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.