આદિવાસી વિસ્તારોની વાત કરીએ તો ત્યાંના રહેવાસીઓને તો એ પણ નહીં
ખ્યાલ હોય કે સાડા ત્રણ લાખ લખીએ તો તેમાં કેટલાં શૂન્ય લગાવવા પડે.
સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારો હંમેશા મનુષ્યના આદર્શ સ્વપ્ન રહ્યાં છે અને તેને પ્રાપ્ત કરવા માટે અનેક રાજનીતિક વ્યવસ્થાઓ અજમાવાઈ છે.
મુંબઈની એક જાણીતી ફાઈવ સ્ટાર હોટેલમાં ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે માટે ખાસ પહેલેથી બુકિંગ કરાવવાથી ખાસ એક કપલ માટે રાત્રીનું ભોજન સાડા ત્રણ લાખમાં પિરસવામાં આવશે. હોટેલના તંત્રને વિશ્વાસ છે કે અનેક ધનિક યુગલો તેમના આ ભોજન માટે આવશે. આ ભોજન તૈયાર કરતા લોકોને પણ ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલાં ઓર્ડર આપવો જરૂરી છે. ભોજનમાં કૈવિયર પણ હશે.
સ્ટ્રુટજેન નામની માછલીના ઇંડાંને કૈવિયર કહે છે. આ માછલી ઇરાન અને રશિયાની નજીકના સમુદ્રમાં મળે છે. તે ઉપરાંત ડકના યકૃતમાંથી બનેલ ફૂઈ ગ્રાસ નામનું વ્યંજન પણ પિરસવામાં આવશે. આ ભોજન સમયે ફ્રાંસથી આયાત કરેલી ખાસ વાઈન પણ અપાશે. એક પ્લેટ કૈવિયર બાર હજારમાં અપાય છે. જે લોકો વિદેશ ફરે છે તેમને આ મોંઘા વ્યંજનોની કદર હોય છે. આ માત્ર હાયર કલાસની જીભના ચટાકા છે. કોઈ સામાન્ય માણસને કૈવિયર આપવામાં આવે તો તેને એવી રીતે જ ખાશે જેવી રીતે અધકચરા રાંધેલા પૌંઆ ખાતો હોય. હકીકતમાં તો ભોજન કરતા સ્વાદને વધારે લોકપ્રિય કરવો તે એક કળા છે.
ફાઈવ સ્ટાર હોટેલોના શેફનો પગાર પણ લાખોમાં હોય છે. આ તો ભારતીય નારીઓ છે જે દરરોજ મફતમાં સ્વાદિષ્ટ ભોજન બનાવીને ઘરનાને ખવડાવે છે. આજ સુધી તેમનો આભાર કોઈએ માન્યો નથી. ભારતમાં રહેલી આર્થિક વિષમતાનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે કે એક વખતના ભોજનની કિંમત અન્યના વાર્ષિક પગાર કરતાં પણ વધારે હોય. આદિવાસી વિસ્તારોની વાત કરીએ તો ત્યાંના રહેવાસીઓને તો એ પણ નહીં ખ્યાલ હોય કે સાડા ત્રણ લાખ લખીએ તો તેમાં કેટલાં શૂન્ય લગાવવા પડે.
આ ભોજન કરતા એક પક્ષે મહેનત અને બુદ્ધિથી ધન ભેગું કર્યું છે અને તેમને આવું ભોજન કરવાનો અધિકાર અને સ્વતંત્રતા પણ છે. એ વાત અલગ છે કે આ દેશમાં એવા પણ લોકો છે જેમણે આખી જિંદગીમાં એક દિવસ પણ સંપૂર્ણ ભોજન ખાધું નથી. અહીંયા સંપૂર્ણ ભોજન એટલે કૈવિયર નહીં, માત્ર બે રોટલી, દાળ અને શાક. વાત એટલી જ આઝાદીની છે કે એક શાકને ત્રણ વાટકીઓમાં પિરસવાની આપણી કલ્પનાથી ત્રણ સ્વાદને જન્મ આપવો જોઈએ.
સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારો હંમેશા મનુષ્યનું આદર્શ સ્વપ્ન રહ્યું છે અને તેને પ્રાપ્ત કરવા માટે અનેક રાજનીતિક વ્યવસ્થાઓ અજમાવાઈ છે. આજે આપણા દેશની કોઈ પણ રાજકીય પાર્ટી પાસે સિદ્ધાંત નથી. બધા જ સત્તાભૂખ્યા છે. આ બધાની આ ભૂખ આપણે જ જાગૃત કરી છે. તેમને સત્તા અને તાકાત આપણે જ આપ્યાં છે, ક્યારેક ભીડ બનીને, ક્યારેક વખાણ કરીને તો ક્યારેક સૂત્રોચ્ચારો કરીને. કોઈ પણ વ્યવસ્થા અથવા રાજનીતિક વિચારધારાની સફળતા માટે દરેક વ્યક્તિ પાસે સ્વતંત્ર અને નિષ્પક્ષ વિચાર હોવા જરૂરી છે અને આપણી શિક્ષણ સંસ્થાઓ માત્ર પરીક્ષા પાસ કરવાનું શીખવે છે.
જીવનની ભાગદોડમાં વર્તમાન પેઢી પાસે પોતાની ભાવિ પેઢીમાં આ મૂલ્યોનું સિંચન કરવાનો સમય નથી. સાડા ત્રણ લાખનું ભોજન કરનાર પિસ્તાલીસ હજારની ટીપ આપતા હશે, કારણ કે તે વર્ગના સામાજિક જીવનનો અલિખિત નિયમ દસ ટકા ટીપ આપવાનો છે. તેનાથી ઓછી આપે તો સામે ઊભેલો સફેદ કપડામાં સજજ વેઈટરના માથાની રેખાઓ ફરી જાય છે. આપણે કામચોરીની એવી જીવનશૈલી રચી છે કે ટીપ જ માત્ર આશા બની છે. આ દયનીયતાની કોઈ સીમા નથી.
એક્સ્ટ્રા શોટ :
હોલિવૂડમાં વર્ષ ૨૦૧૦માં રજૂ થયેલી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘વેલેન્ટાઇન ડે’નું નિર્દેશન ગેરી માર્શલે કર્યું હતું.