નવી સદીનાં પ્રથમ દસ વર્ષમાં આમિર ખાને ‘લગાન’થી લઈને ‘પીપલી લાઈવ’ સુધી સાર્થક મનોરંજન પીરસ્યું અને સામાજિક ઉદ્દેશમાં અર્થપૂર્ણ એવી ‘રંગ દે બસંતી’ અને ‘થ્રી ઇડિયટ્સ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. તેણે ‘ગજની’ માટે જબરદસ્ત કસરત કરી. આ દાયકામાં વિવિધ ભૂમિકા નિભાવવા માટે તેણે પોતાના દેહરૂપી વાંસળી પર અનેક સુર સાધ્યા. એ તન,મન, ધનથી કામમાં ડૂબેલા રહ્યા.
આ દાયકામાં રાજકુમાર હીરાની અને ઈમ્તિયાઝ અલીએ પણ શ્રેષ્ઠ કામ કર્યું, તેમ છતાં કોઈ એકને દાયકાના શ્રેષ્ઠ મનોરંજનવીર તરીકે પસંદ કરવા ઇચ્છે તો આમિર ખાનનું જ નામ સપાટી પર આવે છે. અનુષા રઝિવીએ આમિર માટે ‘પીપલી લાઈવ’ બનાવી, જેને અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં પ્રશંસા પ્રાપ્ત થઈ. એ ફિલ્મ હવે ભારતમાં પ્રદર્શિત કરાશે.
‘પીપલી લાઈવ’ના પ્રોમો જોઈને એવું લાગે છે કે હબીબ તનવીરની શૈલીમાં આ ફિલ્મ રચાઈ છે. તેમણે અંતરિયાળ ક્ષેત્રોમાં વસતી જનજાતિઓના અણઘડ લોકોને ધ્યાનમાં રાખીને લોકશૈલીનાં અનેક નાટકો રચ્યાં હતાં, હરશિંકર પરસાઈ, શરદ જોશી અને શ્રીલાલ શુક્લની વ્યંગ્ય રચનાઓએ ભારતના વિરોધાભાસો અને વિસંગતિઓ સ્પષ્ટ ઉપસી આવે છે. ‘પીપલી લાઈવ’માં એ જ શૈલી સેલ્યુલોઈડ પર જોવા મળે છે.
‘મહેંગાઈ ડાયન’ નામનું ગીત લોકપ્રિય બની રહ્યું છે, કારણ કે સમાજ તેમાં પોતાનાં કષ્ટો નિરખી રહ્યો છે. લોકગીતોનો જન્મ સામાન્ય માનવીના હૃદયમાં થતો હોવાથી એ અમર બને છે. ફિલ્મોના આરંભથી જ લોકગીતોનો ભરપૂર ઉપયોગ થતો આવ્યો છે. ફિલ્મ ‘તીસરી કસમ’નું ગીત ‘ચલત મુસાફિર મોહ લિયા રે...’ યાદ આવે છે. એ ગીતમાં રાજ કપૂર ફક્ત ખંજરી વગાડે છે અને કિસન ધવન તથા અન્ય અભિનેતાઓ ગીત ગાઈ રહ્યા છે. ‘પીપલી લાઈવ’માં એ જ ભાવના અને શૈલી જોવા મળે છે.
ચેતન આનંદે દેવ આનંદ અભિનિત ‘ફંટૂશ’નામની ફિલ્મ બનાવી હતી, અડધી સદી પૂર્વેની આ બાબત છે. ઉંમર અને વીતેલાં વર્ષોના ધુમ્મસની પાર એટલું યાદ છે કે બેકારીથી ત્રાસેલો એક યુવાન આપઘાત કરવા ઇચ્છે છે અને એક વેપારી તેને થોડા દિવસ રોકાઈ જવાનું કહીને તેનો વીમો ઉતરાવી લે છે. આપઘાત માટે નિધૉરિત દિવસ આવે એટલા વખતમાં નાયક પ્રેમમાં પડે છે અને પછી એ જીવવા ઈચ્છે છે, પરંતુ તેણે આપઘાતનો વાયદો કર્યો હતો. ઊંચી ઇમારત પરથી કૂદવાની ઘટના-ર્દશ્ય માટે વેપારીએ ટિકિટો વેચી હતી. ખૂબ પ્રચાર કર્યો હોવાથી અખબારી સંવાદદાતાઓ અને ફોટોગ્રાફરો પણ એકઠા થયા હતા. એ સમાજિક કટાક્ષની અદ્ભુત ફિલ્મ હતી.
એક બાબત નોંધપાત્ર છે કે ‘ફંટૂશ’ ભારતને આઝાદી મળ્યા પછી પાંચ-સાત વર્ષોમાં બનેલી ફિલ્મ છે, જ્યારે આપઘાતનો સિલસિલો અવિરત ચાલી રહ્યો છે.
આપણા નેતાઓ એ વખતે પણ શરમ અનુભવતા નહોતા અને આજે પણ તેમના કપાળે કરચલી પડતી નથી. જનતા એ વખતે પણ બેજવાબદાર લોકોને ચૂંટણી હતી અને આજે પણ ચૂંટે છે. એ કારણે જ ભારતને અનંત શક્યતાઓ ધરાવતો દેશ કહેવાય છે? આજે રાષ્ટ્રકુળ રમતોત્સવ (કોમનવેલ્થ ગેમ્સ) તે નામે અબજો રૂપિયાની ગોલમાલની ખબર મળે છે. આવો વિરાટ ભ્રષ્ટાચાર પણ પચાવી લેવાય છે.