એક વખત મહાત્મા ગાંધી પાસે એક વ્યક્તિ આવી. તેણે ગાંધીજીને કહ્યું કે, હું તમારી પાસે ગીતાનું રહસ્ય જાણવા આવ્યો છું. મહાત્મા ગાંધી તે વખતે આશ્રમની જમીન પાવડાથી ખોદી રહ્યા હતા. તેમણે તે વ્યક્તિને થોડો સમય બેસવાનું કહ્યું અને પહેલાંની જેમ જ જમીન ખોદવા લાગ્યા. જ્યારે જમીન ખોદતાં ખોદતાં અને તે વ્યક્તિને રાહ જોતાં જોતાં ખૂબ જ સમય પસાર થઈ ગયો તો તે વ્યક્તિની ધીરજ ખૂટી ગઈ.
તેણે ગાંધીજીને કહ્યું કે, હું ખૂબ જ દૂરથી તમારી ખ્યાતી સાંભળીને તમારી પાસે ગીતાનું મહત્વ જાણવા આવ્યો છું, પણ તમને તો માત્ર કામનું જ વધારે મહત્વ લાગે છે. ગાંધીજી બોલ્યા, ભાઈ હું તમને ગીતાનું જ મહત્વ સમજાવતો હતો. તે વ્યક્તિ આશ્ચર્યચકિત થઈને બોલી, ક્યાં સમજાવી રહ્યા હતા? હું તો ક્યારનો બેસી જ રહ્યો છું અને તમે એક શબ્દ પણ બોલ્યા નથી. ગાંધીજીએ તેને સમજાવ્યું કે બોલવાની જરૂર જ ક્યાં છે? ગીતાનો ઉપદેશ જ એ છે કે માત્ર કર્મ કરતા રહો.
હું ક્યારનો તમારી સામે કર્મ જ કરતો હતો અને ગીતાનું રહસ્ય પણ એ જ છે કે, ‘ નિરંતર કર્મ કરતા રહો, ફળની આશા ન રાખો.’ મહાત્મા ગાંધીનો જવાબ સાંભળીને તે વ્યક્તિને ગીતાનું રહસ્ય સમજાઈ ગયું અને તે ગાંધીજીને પ્રણામ કરીને ત્યાંથી ચાલ્યો ગયો. આ સાધારણ પ્રસંગથી એ બોધ મળે છે કે દરેક પરિસ્થિતિમાં વ્યક્તિએ કર્મશીલ રહેવું જોઈએ. કર્મોન્મુખી આત્મવૃત્તિ મનુષ્યને ભૌતિક પ્રાપ્તિઓની સાથે આધ્યાત્મિક સફળતાઓ પણ આપે છે.