ભ્રષ્ટાચાર રોકવા અંગે જે સહમતિ બની રહી છે તેના પર ધ્યાન આપવા જેવું છે. એક જ દિવસે આપવામાં આવેલા ત્રણ જુદાં-જુદાં નિવેદનો પર ધ્યાન આપો. વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યું કે, ઝડપી પ્રગતિ અને વિકાસના આપણા પ્રયાસો ત્યારે જ સફળ થશે જ્યારે આપણે જાહેર જીવનમાંથી ભ્રષ્ટાચાર નાબુદ કરી શકીશું અને વહીવટી પ્રક્રિયામાં સુધારો લાવી શકીશું. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ જણાવ્યું છે કે, સુશાસન અને ભ્રષ્ટાચાર એક સાથે ચાલી શકે નહીં, તો માકપા મહાસચિવ પ્રકાશ કરાતે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સતત સંઘર્ષ પર ભાર મૂક્યો છે.
એટલે કે ભ્રષ્ટાચાર આજની મુખ્ય સમસ્યા છે અને તેનાથી સામાન્ય પ્રજા ગુસ્સે ભરાયેલી છે એ વાત તમામ રાજકીય પક્ષો સારી પેઠે જાણે છે. તેઓ આ મુદ્દે પોતે કંઈને કંઈ કરી રહ્યાં છે એવું દેખાડવા પણ માગે છે. પરંતુ સમસ્યા એ છે કે નેતાઓ આ વાત જુદા-જુદા મંચ પર બોલતા હોય છે. જો તેઓ એક જગ્યાએ એકઠા થઈને આ જવલંત સમસ્યાના સમાધાનના ઉપાયો પર વિચાર કરે તો તેમની વાતો વધુ વિશ્વસનીય લાગશે.
જો તેમની ઈચ્છાશક્તિ જોડાઈ જાય તો ભ્રષ્ટાચાર રોકવાના પ્રથમ અસરકારક પગલાં તરીકે એક સશકત લોકપાલની સ્થાપનાનો માર્ગ ઝડપથી મોકળો થઈ શકે છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી બી.સી. ખંડુરીએ એક અસરકારક લોકાયુક્તની સ્થાપના માટે જરૂરી ખરડો બનાવીને દેખાડી દીધું છે કે જો નિશ્વય પાકો હોય તો કોઈ કામ કપરું નથી. ઉત્તરાખંડના બિલમાં ટીમ અણ્ણાના જનલોકપાલ ખરડાની અનેક ખાસ બાબતોનો સમાવેશ કરાયો છે, જેમાં ભ્રષ્ટાચારના કેસોની તપાસમાં તેનો વિશેષ પ્રભાવ જોવા મળી શકે છે.
જો ઉત્તરાખંડમાં આમ થઈ શકતું હોય તો રાષ્ટ્રીયસ્તરે કેમ નહીં ? અને જે વાત પર અસહમતિ હોય તેના પર કોંગ્રેસ, ભાજપ અને બીજા રાજકીય પક્ષો પોતાનાં મતભેદો દૂર કરીને એક ઉદ્દેશ્ય માટે શા માટે કામ નથી કરી શકતા? જો તેઓ આમ નહીં કરે તો પછી લોકો તેમનાં નિવેદનોને શંકાની નજરે જ જોશે.