Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Prakash Shah
 

ભારતમાતાની આંખનું આંસુ

 
Source: Prakash N Shah   |   Last Updated 12:50 AM [IST](30/01/2012)
 
 
 
 
 
માયાવતી અને બીજાઓ આજે રાજકીય અસ્તિત્વની લડાઈ લડી રહ્યાં છે, પણ પ્રશ્ન કેવળ રાજકીય નથી.

એક તો વિવેકાનંદની સાર્ધ શતાબ્દીનું વરસ, અને એમાંયે આજે ગાંધી નિર્વાણ દિવસ : ચિત્તે કરીને કાં તો રાજઘાટ પર હોવું જોઈએ અગર હૃદયકુંજ, કે પછી કીર્તિ મંદિર. પણ સ્થાનક-સ્મારકમાં નહીં પુરાતા ગાંધીની યાદના ધક્કે આ ક્ષણે તો લખનૌમાં કે પછી નવી દિલ્હી અને મુંબઈના પંચતારક પરિસરોમાં મનની મૃગયા ચાલી રહી છે. ઘડીકમાં ખરાખરીનો ચૂંટણી જંગ લડી રહેલ માયાવતી સાંભરે છે તો ઘડીકમાં ઓપરા વિન્ફ્રે, જે હિંદનાં તાજાં મુલાકાતી છે.

ગાંધીએ સ્વરાજ સંદર્ભે જે બધી ચિરયાદગાર એક પંક્તિકાઓ ફટકારી હશે એમાં એક અતિજાણીતી એ છે કે રાષ્ટ્રપતિ ભવનમાં દલિતની દીકરી બેઠી હશે. વિવેકાનંદે હવેની સદી શુદ્રોની હોવાનું કહ્યું જ હતું ને. ગમે તેમ પણ, ઓપરા અને માયાવતીને ગાંધી-વિવેકાનંદ સંદર્ભે સંભારવાનું ખાસ કારણ એ છે કે તે બંનેએ એમને આવડ્યું એ રીતે દલિતવંચિત શક્તિ તે શું એનો ચમત્કાર કરી બતાવ્યો છે. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર અને અનામત તેમજ સકારાત્મક ક્રિયાન્વયન (એફરમેટિવ એક્શન)ની ગુંજાશ શું હોઈ શકે અને જેવી છે તેવી આ સઘળી લોકશાહીઓમાં બલિદાની લોકઆંદોલને કેવા પ્રાણ પૂર્યા હશે એની એક મિસાલ માયાવતી-ઓપરા કિસ્સાઓએ કાયમ કીધી છે.

ફૂલે, આંબેડકર, ગાંધી અગર તો લિંકન, માર્ટિન લ્યુથર કિંગ સરખી પિછવાઈ વગર તમે એમનો ઉદય અને વિકાસ સમજી શકતા નથી. ઓપરાનો ચકાચૌંધ ચિત્રવાણી દુનિયામાં પ્રથમ પ્રવેશ એના રાજ્યમાં એફરમેટિવ એક્શન અગર કવોટાને આભારી હતો. આજે એ ટાઈમ મેગેઝિન એક તબક્કે જે ચુનંદા સત્તા વ્યક્તિત્વ ગણાવેલાં તે પૈકી છે. માયાવતીને સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર અને સર્વજન સામેલગીરીવાળા અનામત તેમજ ખુલ્લા મતદારમંડળો ક્યાંથી ક્યાં લઈ ગયાં છે એ કહેવાની જરૂર નથી. આજે અલબત્ત એમણે પોતાને નવેસર પુરવાર કરવાનાં રહે છે.

આજે માયાવતી અને બીજાઓ પોતાના અસ્તિત્વની રાજકીય લડાઈ લડી રહ્યાં છે ત્યારે ઉત્તરપ્રદેશમાં એક વિલક્ષણ ચિત્ર માલૂમ પડે છે. ૨૦૦૭નું માયાવતીનું રાજકારણ અને ચૂંટણીકારણ, અગાઉની ચૂંટણીઓથી વિપરીત, દલિત-બહુજન પ્રામુખ્યપૂર્વક પણ સર્વજન સંકલનાનું હતું. એમની રાજવટ, સકારાત્મક કોશિશો છતાં, કમનસીબે મસમોટા બાવલાવાદ અને મહાકાય ઇમારત-ઉદ્યાનવાદથી ઓળખાય છે. એમાં પણ પોતાનાં પૂતળાંનો એમનો વ્યામોહ સામાન્ય વિવેકનાયે સવાલો જગવે છે.

ઉલટ પક્ષે, તથા કથિત રાષ્ટ્રીય પક્ષો- ઉત્તરપ્રદેશના સંદર્ભમાં કોંગ્રેસ અને ભાજપ- નાની નાની, નીચલી કહેવાતી જ્ઞાતિઉપજ્ઞાતિઓના દાણા નાખતા માલૂમ પડે છે. પણ આ દાણા નાખવા તે વટાણા વેરવા બરોબર નથી, કેમ કે એક માણસ-એક મતની શક્તિ હવે રંગ લાવી રહી છે અને તમે કોઈની પણ અવગણના કરી શકતા નથી. સદાશયી પણ સવર્ણ પ્રામુખ્યની રાજનીતિનીયે એક હદ હોય છે... અને હા, માયાવતીનો ઘોર બાવલાવાદ પણ તત્વત : બીજું શું છે, સિવાય કે દાખડા અને દેખાડાની દ્રષ્ટિએ દોઢ સવર્ણવાળી. મુદ્દે, આજે ઉત્તરપ્રદેશમાં ચોરે ને ચૌટ્ટે ચાને ગલ્લે કોઈ દલિતને ના પાડવાની કે પછી ધરાર જુદુંર પાત્ર ઝલાવવાની કોઈની તાકાત નથી.

બેશક, ફૂલે-આંબેડકર-ગાંધીને અભિમત રાજવટ એ નથી જ નથી જેની ધોરાજી માયાવતીએ હંકારી છે. ગાંધીની રાજનીતિ, અર્થનીતિ અને એકંદર સમાજકરણના કેન્દ્રમાં વિવેકાનંદકીધો દરિદ્રનારાયણ હતો. વિકાસની જે દોટમાં મનમોહન-મોદી-માયાવતી-મમતા સૌ પડ્યાં છે તેને અને ગાંધીના દરિદ્રનારાયણ અગર આંબેડકરના જનસામાન્યને શો સંબંધ ભલા. અલબત્ત, સાવરકર-આંબેડકરની ઉદ્યોગવાદી અતિવાદિતા બાબતે ગાંધીના વિવેકબોલ જુદા પડે છે.

૨૦૧૨નું ઉ.પ્ર.નું પરિણામ ૨૦૧૪ના સંદર્ભમાં માયાવતી, રાહુલ, ઉમા ભારતી સૌનું નામું લખી નાખશે. જે સમજાવાની જરૂર છે તે એ કે વિવેકાનંદ-ગાંધી-જયપ્રકાશ-લોહિયા-આંબેડકર આદિને અભિમત સાંસ્કૃતિક આંદોલન વગર દલિત શિર્કત કે ઓબીસી આવિષ્કાર અગર બીજા કોઈ સમાજવર્ગનો સિક્કો આખર જતાં ખાલી ખાલી ખખડવાનો છે. મુલાયમ અને લાલુ જેવાઓ તો ખરું જોતાં ગાંધીવિચારે સરચાર્જ રાજકીય પરંપરામાં લોહિયા અને જયપ્રકાશની રાજનીતિના લાભાર્થીઓ છે.

જે રીતે ઊતરતે અઠવાડિયે મુલાયમે શાહી ઇમામને રજૂ કર્યા એ તો કેવળ અને કેવળ બેસ્વાદ બનાવી મેલતી બીના છે. કોમનિરપેક્ષ ઓબીસી ઓળખવશ આમ મુસ્લિમને જે મળવું જોઈએ, આમ હિંદુની પેઠે તે જરૂર મળે. પણ હિંદુ કે મુસ્લિમ હોવાને નાતે ધ્રુવીકૃત રાજનીતિ- એ તો ગાંધી, લોહિયા, જેપી કોઈ કબૂલ ન રાખે. સમાજશરીર સમસ્તમાં ભેદભાવ વગર ચયાપચય અને રુધિરાભિસરણ ચાલુ રહે એને સારુ નિરામય ભૂમિકા ગાંધીની હતી. અનામત બેઠક ફાળવણી છતાં મતદાનમાં સર્વજનસામેલગીરી એ ગાંધી-આંબેડકર કરારનું હાર્દ હતું. સાગમટા મતબેન્કવાદના થોક બજારી ખેલંદાઓ જો આટલું પણ સમજે તો ગાંધીનિર્માણ દિને એ કૃતજ્ઞ રાષ્ટ્રની અંજલિ હશે- એક એવા ગાંધીને જે, શ્રીધરાણીના શબ્દોમાં, ભારતમાતાની દાહભરી આંખોમાંથી ટપકેલું આંસુ હતું.

માયાવતી અને ઓપરા:

દલિતવંચિત શક્તિના આ પ્રભાવક આવિર્ભાવ અને આવિષ્કાર, અહીં ફૂલે-ગાંધી-આંબેડકર વગર કે ત્યાં લિંકન ને માર્ટિન લ્યુથર કિંગ વગર કલ્પ્યા કલ્પાતા નથી.

પ્રકાશ ન. શાહ, લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.