Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Taarak Mehta
 

તારક મહેતા: મધુનો મૂક બોજો

 
Source: Tarak Mehta   |   Last Updated 6:59 PM [IST](01/10/2010)
 
 
 
 
 

બગીચામાં બે કલાક બફારો ચરી હું ઘેર ગયો. બેઠકખંડમાં મારો સ્કૂલફ્રેન્ડ મધુ ગાંધી હીંચકે બેઠેલો.


‘મધુભાઈ બે કલાકથી તમારી રાહ જૉતા બેઠા છે.’ પત્નીએ અકળામણ છુપાવતાં કહ્યું.


‘અહીં બેસી રહેવાને બદલે બી.વી. ગાર્ડનમાં આવવું’તુંને.’ મેં અકળાઈને મધુને કહ્યું.


‘ત્યાં તને ખોળું?’ જવાબ આપી મધુ આદત મુજબ મૂંગો થઈ ગયો.


મધુની એ ખાસિયત છે. સ્કૂલમાં બધા એને મધુ મૂંગો કહેતા. એનું એને માઠું નથી લાગતું. એ કલાકો સુધી બોલ્યા વગર બેસી રહી શકે છે. છેક ખાડિયાથી ચાલતો આવે છે પણ પીવાનું પાણી પણ ન માગે. મને ખબર નથી કે એને મારી સાથે શું માયા બંધાઈ ગઈ છે!


દર બે-ત્રણ મહિને એ ખાડિયાથી બપોરે ચાલતો આવે છે. નાનપણથી એને ચાલવાની ટેવ છે. એને લીધે એની પત્ની સાથે આવતી નથી. એ પરણી ત્યારથી એને અબોલાનો જ અનુભવ થયો છે. એ સંજૉગોમાં એને સંતાનમાં પણ ફકત એક જ પુત્ર છે. બાપદાદાના વખતની વાસણોની દુકાન હવે પીઢ પુત્ર સંભાળે છે.


‘ચા-નાસ્તો કયાં?’ મેં પૂછયું.


‘મધુભાઈ કયે દિવસે નાસ્તો કરે છે, ફકત ચા જ પીએ છે.’ મારી પત્નીએ જવાબ આપ્યો.


અમને મિત્રોને એકલા છોડી પત્ની અંદર ચાલી ગઈ. મેં ટીવી ચાલુ કર્યું. મધુ શાંતિથી બેસી રહ્યો. જૉ હું કહું કે, ‘મધુ, તું બેસ, અમે બે દિવસ મુંબઈ જઈ આવીએ.’ તો પણ મધુ બેસી રહે તેવો છે. મારી પત્ની કહે છે, ‘માણસ તરીકે મધુભાઈ તમારાથીય સારા હશે, પણ કલાકો સુધી બોલ્યા વગર બેસી રહે તો મને ગૂંગળામણ થઈ જાય.’


‘તારે અંદર જઈને તારું કામ કર્યા કરવાનું.’


‘પણ એમને કેવું લાગે?’


‘એ તો ટેવાઈ ગયો છે.’ મેં પત્નીને સલાહ આપેલી પણ પત્નીને એના સંસ્કાર નડે છે. એ બે કલાક બેસી રહી. મારા આવ્યા પછી જ રસોડામાં ગઈ.


અમે ટીવી જૉતા બેસી રહ્યા.


‘શું ખબર છે, મધુ?’ બોજૉ અસહ્ય થતાં મેં પૂછયું.


‘આપણી સાથે પેલો ચુડગર હતોને? એને હરણિયું (હર્નિયા) થયું છે. પોસ્ટકાર્ડ આવેલું તે એની ખબર કાઢી આયો. એનો છોકરો ઓપરેશનની ના પાડે છે.’


‘કેમ?’


‘કે’ છે, તમારે કયાં વજન ઊંચકવાનું છે કે દોડવાનું છે? ઘરમાં પડી રહો, આરામ કરો, કંઈ નહીં થાય!’


મધુ ઊભો થયો. મને રાહત થઈ.


‘ચાલ્યો?’


‘હં.’


અમે ફલેટના પેસેજમાં આવ્યા.


‘મધુભાઈ, જમીને જાવ.’


‘ના, લેટ થઈ જાય. તમે શહેરમાં આવો તો આવજૉ.’


‘ચાલતો જઇશ?’


‘લાલ દરવાજા સુધી. પછી બસ પકડી લઇશ. લેટ થઈ ગયું. આવજૉ.’


મધુના ગયા પછી પણ કયાંય સુધી એનો ભાર રહ્યા કરે છે. બોલકણાનો બોજૉ પણ કાંઈ ઓછો નથી હોતો. એક ફ્રેન્ડ દવેની અહીંથી બદલી મુંબઈમાં થયેલી. મુંબઈમાં મારા પાડોશમાં એણે પેઇંગ ગેસ્ટ તરીકે જગા લીધી. તરત મળવા આવ્યો.


‘સારું છે તું બાજુમાં રહે છે.’ મારા બે રૂમના ફ્લેટમાં એ નજર દોડાવતો બોલ્યો.


‘કેમ?’ હું ગભરાયો.


‘અરે, યાર, મારાવાળા ફ્લેટમાં એક જ બાથરૂમ છે અને સાલાઓ ખાલી જ નથી કરતા. હું તે અહીં નોકરી કરવા આયો છું કે નહાવા? બાથરૂમની બહાર લાઇન લગાડીને બેસું તો મારી નોકરી જાય. તારો બાથરૂમ મને પાસે પડે.’


નહાવાની બાબતમાં આપણાથી ના પણ કેમ પડાય? બીજે દિવસે સવારે અમે ઊંઘતા હતા અને સાત વાગ્યા પહેલાં એ તો હાજર. એણે બ્રશ કર્યું. મારી પત્નીએ ચા-નાસ્તો કરાવ્યાં. નહાઈને એ નોકરીએ ગયો. એને એ ફાવી ગયું. એટલે રોજ સવારે શરૂ થઈ ગયો.


‘રવિવારે સાંજે તારું નાટક છે?’


‘છે.’


‘તો મારી એક સીટ રાખજે. ગઈ સાલ તારી કોમેડી જૉવાની બહુ મજા આયેલી. ભાભી, તમને ખબર નહીં હોય. અમે સ્કૂલમાં એક જ બેન્ચ ઉપર બેસતા ત્યારે આ સાલો ચાલુ કલાસે મને હસાવી હસાવીને માર ખવડાવતો. ચાલો, સાંજે હું આઈ જઈશ પછી સાથે જ થિયેટર જઇશું ને છૂટીને સાથે પાછા આઇશું અને જમીશું. સારું છે તમે લોકો મારી બાજુમાં જ છો. મારે નિરાંત થઈ ગઈ.’ જતાં જતાં એ બોલ્યો.


એને નિરાંત થઈ ગઈ અને અમારી ઊંઘ ઊડી ગઈ. એનાં લક્ષણ એવાં હતાં કે કોઈ પણ દિવસે એના સામાન સાથે અમારે ત્યાં પડાવ નાખશે. ‘આ તો મારો જેઠ હોય તેવો હક્ક કરે છે. આવી સરભરા તો હું તમારીય કરતી નથી. સવાર પડે ને રોજ મારે એનું મોં જૉવાનું અને પાડોશીઓ પણ જાગી જાય એવા અવાજે કોગળા કરે છે. એનાં કપડાં પણ આપણા ઘાટી પાસે ધોવડાવવાના? આપણા અમદાવાદીઓ પણ આવા તો નથી જ હોતા.’ પત્નીની સહનશકિતનો અંત આવી ગયો.


બીજે દિવસે સવારે મારા સ્વભાવ વિરુદ્ધ જઈને મારે કહી દેવું પડયું. ‘જૉ, દવે, નાટકમાં પાસની પ્રથા નથી અને કોઈને માટે ટિકિટ લેતો નથી. શૉ પછી ફકત અમે બે જણા બહાર જમવા જઇએ છીએ અને રોજ સવારે તું મારો પેઇંગ ગેસ્ટ હોય તેમ આવી ચઢે છે એ પણ અમને પરવડતું નથી. મહિનામાં એકાદ વાર ઠીક છે, બાકી તું બે બાથરૂમવાળો ફ્લેટ ખોળી કાઢ. તારી ભાભી પિયર જતી રહે તો હું રખડી પડું. મારે તો એને સાચવવાની. તું કાલથી બોમ્બે સેન્ટ્રલ સ્ટેશને નહાવા જા, ત્યાં એક રૂપિયામાં નહાવાની સગવડ છે. (વર્ષોપહેલાં એવું હતું.) ચા પણ ત્યાં સારી મળે છે.’


બસ, ત્યારથી દવે ગયો તે ગયો. અમે અમદાવાદમાં સેટલ થયા પછી પણ એ દેખાયો નથી. એના કરતાં તો મધુ ગાંધીનો મૂક બોજૉ સારો.






 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.