પત્રકારત્વના સર્વશ્રેષ્ઠ માળખામાં પત્રકારોએ તંત્રમાં ‘છાપામાર’ લડવૈયા જેવી ભૂમિકા નિભાવવી જોઈએ, કમનસીબે સત્તામાં રહેલા પરિવારોએ પત્રકારોને પણ પોતાના પાપના ભાગીદાર બનાવી લીધા છે, આમ જોઈએ તો તેમણે ‘આઉટસાઈડર’ ની ભૂમિકામાં રહેવું જોઈતું હતું. પરિણામે વિરોધના પત્રકારત્વની સુદ્રઢ ભારતીય પરંપરાને આરામદાયક નેટવર્કોની બલિદેવી પર ગિરવે મૂકી દેવાઈ છે. એક સ્તરે નૈતિક મૂલ્યોનું આ પતન માર્કેટની બદલાઈ રહેલી સચ્ચાઈનું પરિણામ છે.
એક સમય એવો હતો જ્યારે તંત્રીઓને જોઈ કે સાંભળી શકાતા ન હતા, ફક્ત વાંચી શકાતા હતા. આ ‘આઈવરી ટાવર’ ના વલણનું શ્રેષ્ઠ ઉદાહરણ ૧૯૬૦ના દાયકાના એક ટોચના તંત્રી એન.જે. નાનપોરિયા હતા. એક વખત તેઓ બજારમાં ખરીદી કરતાં હતા ત્યારે એક વ્યક્તિ તેમને જોઈને સતત હસતો હતો. તેમણે પૂછ્યું કે તમે કોણ છે? તે બોલ્યો, હું તમારો ચીફ રિપોર્ટર છું, સર. આ વાત જણાવે છે કે જૂના જમાનાના તંત્રીઓ પોતાની કેબિનની બહાર પણ નીકળતા ન હતા.
આજના ટેલિવિઝનના યુગમાં સ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે, જ્યાં તંત્રી-એન્કર તુરંત જ ઓળખાઈ જતી સેલિબ્રિટી બની ગયા છે. ભવ્યતાનો ભ્રમ પેદા કરનારા ‘પર્સનાલિટી કલ્ટ’ ના આજના યુગમાં મોટેભાગે નુકસાનકારક હોય છે. (આ લેખની સાથે તમે કટારલેખકનો ફોટો જોઈ રહ્યા છો, થોડા વર્ષો અગાઉ તેને છાપવો પણ અનુચિત ગણાતું હતું. )
તંત્રીઓ જ નહીં, જનસંપર્ક વ્યવસાયિકોની છબીમાં પણ નાટકીય પરિવર્તન આવ્યું છે. ૧૯૮૦ના દાયકાના અંતિમ વર્ષોમાં દર દિવાળીએ જ્યારે ઉદાસ દેખાતા પીઆર મેનેજર તરફથી બિઝનેસ રિપોર્ટર માટે તહેવારની ‘બક્ષિશ’ મોકલવામાં આવતી હતી ત્યારે બિઝનેસ ડેસ્ક તરફ થોડી ઇર્ષ્યા સાથે જોતા હતા. આજે શૂટપીસની જગ્યા આઈ-પેડ એ લઈ લીધી છે. ઓછા પગારવાળા પીઆર એક્ઝિક્યુટિવની જગ્યાએ સ્માર્ટ, સૂટ-બૂટવાળા કોર્પોરેટ કમ્યુનિકેશન એમબીએ આવી ગયા છે. અગાઉ પીઆર પ્રચારના સમાચારોને અખબારમાં સિંગલ કોલમ જગ્યા અપાવવા માટે જતા હતા. હવે તેની જગ્યા હાઈ-પ્રોફાઈલ ‘એડવોક્સી’ કેમ્પેઈને લઈ લીધી છે, જે ફક્ત પત્રકાર જ નહીં પરંતુ સમગ્ર નીતિ-નિર્માતા તંત્રને પણ પ્રભાવિત કરવા માટે બનાવાય છે.
નીરા રાડિયા ટેપ આ પરિવર્તનનું જ પ્રદર્શન કરે છે. તે નિર્ણય પ્રક્રિયામાં એક વિશિષ્ટ હસ્તી તરીકે કોર્પોરેટ ‘લોબિસ્ટ’ ના આગમનો સંકેત છે, જે ફક્ત રહસ્તમયી ઓપરેટર જ નહીં, અપવર્ડલી મોબાઈલ, અત્યંત વ્યવહાર-કુશળ સામાજિક હસ્તી ધરાવતી વ્યક્તિ પણ છે. આ ટેપ હવે એ વાતને પણ સમર્થન આપે છે કે તટસ્થ નિરીક્ષકની ભૂમિકા અદા કરતા તંત્રીના દિવસો હવે પૂરા થયા છે અને તેની જગ્યા સમાચારોને બનાવવાની પ્રક્રિયામાં ‘સક્રિય’ હાજરી નોંધાવનારા તંત્રીએ લઈ લીધી છે. કમનસીબીએ છે કે પત્રકારત્વ અને પ્રજા નીતિ પર આ ટેપના પ્રભાવોનું આકલન કરવાને બદલે મીડિયાના એક વર્ગે ટેપમાં પકડાયેલા પત્રકારો પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
એક દુ:ખદ રહસ્ય એ છે કે પત્રકારત્વમાં એવા લોકો છે જે નાણાં અને પાવરની લાલચમાં આવી જાય છે અને નૈતિક બળના અભાવે ‘ફિકસર’ બની જાય છે. જોકે ઇમાનદારીથી જોઈએ તો આ ટેપમાં અત્યાર સુધી એવા કોઈ પાકા પુરાવા મળ્યા નથી જેમાં આ પત્રકારો દ્વારા ખોટું હિત સાધવામાં કે મોટું ‘ષડયંત્ર’ ઘડવામાં આવ્યું હોય. વાતચીતના અંશ કોર્પોરેટ, રાજનેતાઓ અને તંત્રીઓના વચ્ચેના ચિંતાજનક સંબંધોને જરૂર ઉઘાડા પાડે છે, જે વ્યવસાયિક વિવેકહીનતા અને પત્રકાર તથા ‘સ્ત્રોત’ વચ્ચેના અંતરને ઝાંખુ પાડવાનું કારણ બને છે.
તથ્યોને બદલે તર્કો પર આધારિત સનસનાટી પેદા કરતું પત્રકારત્વ વાચકોને થોડો સમય જરૂર ઉત્તેજિત કરી શકે છે, પરંતુ તે આપણને સચ્ચાઈ સુધી લઈ જઈ શકતું નથી. સચ્ચાઈ તો એ છે કે રાડિયા ટેપ પત્રકારોની ખોરી દાનત અંગે ઓછું અને હાઈ-સ્ટેક કોર્પોરેટ યુદ્ધને વધુ ઉઘાડા પાડે છે, જે અંતે સમગ્ર તંત્રનો સર્વનાશ કરી શકે છે. પત્રકારત્વના સર્વશ્રેષ્ઠ માળખામાં પત્રકારોએ તંત્રમાં ‘છાપામાર’ લડવૈયા જેવી ભૂમિકા નિભાવવી જોઈએ, જેનું કામ તપાસ કરીને ખુલાસા કરવાનું છે. કમનસીબે સત્તામાં રહેલા પરિવારોએ પત્રકારોને પણ પોતાના પાપના ભાગીદાર બનાવી લીધા છે.
વાસ્તવિકતામાં તેમણે ‘આઉટસાઈડર’ની ભૂમિકામાં રહેવું જોઈતું હતું. પરિણામે વિરોધના પત્રકારત્વની સુદ્રઢ ભારતીય પરંપરાને આરામદાયક નેટવર્કોની બલિ પર ગિરવે મૂકી દેવાઈ છે. એક સ્તરે નૈતિક મૂલ્યોનું આ પતન માર્કેટની બદલાઈ રહેલી સચ્ચાઈનું પરિણામ છે. સમાચારોની ગળાકાપ હરિફાઈની દુનિયામાં ‘પહોંચ’ ખૂબ જ મહત્વની હોય છે અને ‘પહોંચ’ એક એવો વિશેષાધિકાર છે જે હંમેશાં અંગત સંબંધો પર આધારિત હોય છે.
મીડિયામાં કોર્પોરેટ ભ્રષ્ટાચારનો પાકા પુરાવા સાથે ભંડાફોડ કરવામાં આવ્યો હોય એવું છેલ્લે ક્યારે બન્યું હતું? ૨-જી ગોટાળાનો ખુલાસો પણ ભારતીય મીડિયાની સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધિઓમાંની એક છે, જે દેખાડે છે કે સશકત વ્યવસાયિક અને રાજકીય હિતોને ઉઘાડા પાડવામાં મીડિયા કેટલી સકારાત્મક ભૂમિકા નિભાવી શકે છે. શક્ય છે કે સીએજીનો અહેવાલ એ.રાજાને ઉઘાડા પાડવામાં અંતિમ ખીલો પુરવાર થાય. છેલ્લાં બે વર્ષોથી પ્રિન્ટ અને ટીવીના અનેક પત્રકારો સ્પેક્ટ્રમ ફાળવણીમાં ભ્રષ્ટાચાર અંગે ચેતવતા આવ્યા છે.
કોમનવેલ્થ અને આદર્શ કૌભાંડ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનથી સ્પષ્ટ થાય છે કે પત્રકારત્વ ધીમે-ધીમે સાચા પરંતુ આત્મ-નિરીક્ષણ પ્રક્રિયા હેઠળ પસાર થઈ રહ્યું છે, જેથી તે ગુમાવેલી વિશ્વસનીયતા પાછી મેળવી શકે. જોકે હાલમાં મીડિયા નિર્દોષ પુરવાર ન થાય ત્યાં સુધી ગુનેગાર માનવાના નિયમ પર ચાલતું રહ્યું છે. મીડિયા દ્વારા તપાસની માન્યતા હવે મીડિયાનો ગળાનો ફાંસો બની ગઈ છે.
રાજદીપ સરદેસાઈ, લેખક સીએનએન-૧૮ નેટવર્કના એડિટર-ઈન-ચીફ છે.