વર્ષ ૧૮૯૦ની વાત છે, જ્યારે જે.એન. તાતાને એક ગાર્ડે રોયલ નેવી યાટ ક્લબની બહાર લગાવેલા બોર્ડ (જેના પર લખેલું હતું કે, ભારતીય અને કૂતરાં અંદર ન આવી શકે) તરફ ઇશારો કરીને અંદર જતા અટકાવી દીધા હતા. તે જ વખતે જે.એન. તાતાએ નક્કી કરી લીધું કે તે એવી હોટલ ખોલશે જે અંગ્રેજોએ પહેલાં ક્યારેય ન જોઈ હોય.
આ રીતે ૧૯૦૩માં મુંબઈમાં તાજ હોટલ અસ્તિત્વમાં આવી. ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ તેમાં કંઈક એવું થયું જેણે તેને આ દુનિયાની કોઈ પણ બ્રિટિશ હોટલ કરતાં ઉત્તમ બનાવી દીધી. ૨૬-૧૧ની ઘટનાના પરિપ્રેક્ષ્યમાં તેની ગ્રાહક સેવા શ્રેષ્ઠ જણાય છે. આતંકી હુમલાની તે રાતે તાજના કર્મચારીઓએ પોતાનું જીવન જોખમમાં મૂકીને અંદાજે ૧૫૦૦ મહેમાનોના જીવ બચાવ્યા. આવું તાજ ગ્રુપની શ્રેષ્ઠ એચ.આર. નીતિઓને કારણે શક્ય બન્યું.
તાજ ગ્રુપ ઓફ હોટલ્સની ભરતી, તાલીમ, ગ્રાહક કેન્દ્રિત વ્યવહાર અને સ્ટાફને તાત્કાલિક સ્થિતિ અનુસાર શ્રેષ્ઠ કામ કરવા માટે પ્રેરિત કરવા જેવાં મુખ્ય કારણો હતાં. હોટલ સ્ટાફે નાજુક સમયમાં ગ્રાહકો અને સહકર્મચારીઓની સુરક્ષા કેવી રીતે કરી તે વિશે પાંચ પેજનો વિસ્તૃત રિપોર્ટ હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂના ડિસેમ્બરના અંકમાં છપાયો છે. તાજ ગ્રુપ મહાનગરોને બદલે નાનાં શહેરના લોકોને કામ પર રાખવાને પ્રાથમિકતા આપે છે, કારણ ત્યાં પરંપરાગત ભારતીય મૂલ્યો જેમ કે પોતાનાથી મોટા અને ગુરુજનનું સન્માન કરવું, માનવતા, બીજાની કાળજી લેવી વગેરે આજે પણ જળવાયેલાં છે. તે ઓછી ઉંમરનાને કામ પર રાખે છે, જેમાંથી કેટલાક તો સીધા હાઈસ્કૂલથી નીકળેલા હોય છે. પસંદગીના ઉમેદવારને તાજ ગ્રુપના છમાંથી કોઈ એક સ્કિલ-સર્ટિફિકેશન સેન્ટરમાં ૧૮ માસ સુધી તાલીમ અપાય છે. તાજનો એચ.આર. વિભાગ પ્રતિભા અને હુન્નરને બદલે કાર્ય પ્રત્યેનું સમર્પણ અને પ્રામાણિકતા જેવી ચારિત્રિક ખૂબીઓ પર વધારે ધ્યાન આપે છે.
ફંડા એ છે કે, જો તમે નાના શહેરમાંથી છો, પ્રામાણિક છો અને એક જ કંપનીમાં કામ કરવા માગો છો તો તમારા માટે ‘તાજપ્ત જેવી કંપનીઓમાં અપાર તક છે, આથી જ કેસ સ્ટડીને દેશ અને દુનિયાની અનેક કંપનીઓ અપનાવી રહી છે