આ સીડી કેટલે પહોંચશે?
પેજર, કેસેટ, ફ્લોપી, સીડી: બિછડે સભી બારી બારી...
પરિવર્તન કાતિલ ઝડપે થઈ રહ્યાં છે. પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ જેવી અડીખમ લાગતી ટેક્નોલોજી પણ ક્યારે ‘હદ-પાર’ થઈ જાય, કહેવાય નહીં.
તમામ પ્રકારની સીડીયું (વીસીડી, ડીવીડી, એચડી)ના દહાડા ભરાઈ રહ્યા છે. આ બધી જે નવી નવી ટેબ્લેટું આવી રહી છે એમાં ઓપ્ટિકલ ડ્રાઈવ (જેમાં સીડી ભરાવી શકાય એવો ખાંચો) જ ન હોય તો પછી સીડી શા કામની?
જમાના સાથે કદમ મિલાવવાના જમાના ગયા કારણ કે જમાનો હવે ચાલતો કે દોડતો નથી, ઊડે છે. જમાનો ચાલે-દોડે તો એની સાથે કદમ મિલાવી શકાય, પણ ઊડતા જમાનાની સાથે રહેવા માટે કદમ નહીં, પાંખ મિલાવવી પડે. પરિવર્તનની ઝડપ તો જુઓ! અણ્ણા આજે ગાજે, કાલે ઠરી જાય. ધોની આજે ઊંચકાય, કાલે પટકાય. કોઈ રાજકીય પક્ષ જરાક જોર પકડે ત્યાં ક્યાંકથી બદનામીનો જુવાળ જાગે. જુવાનોને આકર્ષતી ફેશનો પણ જોબનિયાની જેમ આજે આવે ને કાલે જાય. ક્યારેક તો એવું લાગે જાણે પ્રજા પોતે જ ઝટ કંટાળી જતી હોવાને કારણે ન હોય ત્યાંથી પરિવર્તનો પેદા કરે છે કે શું? ‘કંઈક જુદું, કંઈક સારું, કંઈક ચકાચક...’ આ બધા માટેની આપણી તોતિંગ ભૂખને લીધે કશું ટકી નથી શકતું, એવું તો નથી ને!
આવા બધા વિચાર આવ્યા નાની અમસ્તી સીડીને લીધે. થયું એવું કે લેપટોપ સાફ કરતો હતો ત્યારે સીડી ડ્રાઈવનું બટન દબાયું કે તરત, ખટ્ટાક કરતી તકતી બહાર આવી (જેના પર સીડી-ડીવીડી મૂકીએ એ તકતી). એના પર જોયું તો ધૂળ જ ધૂળ. વિચાર આવ્યો: છેલ્લે લેપટોપમાં સીડી ક્યારે ઘુસાડેલી? ઓહ, એને તો ઘણો ટાઈમ થયો... તો શું સીડી-ડીવીડીનો (એટલે કે લેન્સ વડે માહિતી વાંચતી ઓપ્ટિકલ ડ્રાઈવનો) યુગ પૂરો થઈ ગયો? ના, સાવ એવું નથી. ફિલ્મો જોવા માટે ડીવીડી પ્લેયર્સ વપરાય છે. એમ તો હાઈ ડેફિનેશન વિડિયો (એચડી) દર્શાવતી બ્લૂ રે ડિસ્ક પણ થોડું થોડું જોર કરી રહી છે. પણ એ બચાડી મધ્યાહ્ને પહોંચતાં પહેલાં જ આથમી જાય એવા અણસાર છે, કારણ કે તમામ પ્રકારની સીડીયું (વીસીડી, ડીવીડી, એચડી)ના દહાડા ભરાઈ રહ્યા છે. આ બધી જે નવી નવી ટેબ્લેટું આવી રહી છે એમાં ઓપ્ટિકલ ડ્રાઈવ (જેમાં સીડી ભરાવી શકાય એવો ખાંચો) જ ન હોય તો પછી સીડી શા કામની?
આ જ સીડીએ અગાઉ પેલી ઓડિયો કેસેટોનો ભોગ લીધેલો. અને પેલી ફ્લોપી... આપણો શ્વાસ અડી જાય તોપણ ‘રિસાઈ જતી’ અતિ નાજુક ફ્લોપીનો મૃત્યુઘંટ પણ આ જ સીડીએ વગાડેલો. સીડીયુગ (અને શેરબજાર, બન્ને) જોરમાં હતા ત્યારે સીડી બનાવતી કંપની મોઝર બેરનો શેર ૩૩૭ રૂપિયે બોલાયેલો. હાલમાં એ શેર ૧૩.૧૦ રૂપિયાના તિળયે પહોંચેલો. ક્યાં ૩૩૭ ને ક્યાં ૧૩? ખેર, પરિવર્તનના આ જ પ્રવાહમાં અગાઉ સેલફોને પેજરને ડુબાડેલું અને ડિજિટલ કેમેરાએ હવે રોલવાળા કેમેરાનો રોલ એટલી હદે છીનવી લીધો છે કે કેમેરા અને ફિલ્મ બનાવતી કોડાક કંપની દેવાળું ફૂંકવાના આરે પહોંચી છે. વક્રતા જુઓ: કોડાકનો ભોગ લેનાર ડિજિટલ કેમેરાની શોધમાં કોડાક કંપનીનો મોટો ફાળો હતો. બીજી વક્રતા: કોડાકના સ્થાપક જયોર્જ ઇસ્ટમેન પોતે યોગ્ય સમયે ખસી જવા બાબતે એટલા સ્પષ્ટ હતા કે ૭૮ની ઉંમરે આપઘાત કરતાં પહેલાં એમણે ચિઠ્ઠી લખેલી: ‘મારું કામ પત્યું... હવે રાહ શેની જોવાની?’
ટેક્નોલોજી જાણે ઓસ્ટ્રેલિયા સામે બેટિંગ કરનાર ભારતીય ક્રિકેટરોની જેમ એકમેકને કાનમાં કહેતી હશે: ‘તું જા, હું આવું જ છું’. જામી ગયેલી જણાતી સીડી હવે આઉટ થવામાં છે. એ ચળકતી સીડીનું સ્થાન લેેશે આકાશી બેન્ડવિડ્થ (એ જ ટુજી-થ્રીજી વગેરે). સીડીના વિકલ્પરૂપે આકાશી તરંગો, યુએસબી પોર્ટ, એસડી કાર્ડ સ્લોટ વગેરેથી કામ ચલાવતી આધુનિક ટેબ્લેટ્સ જાણે સીડી ડ્રાઈવને ટોણો મારી રહી છે: ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ?’ ખાસ જોવા જેવું એ છે કે ટેબ્લેટ્સનો સૂરજ હજુ તો ઊગી રહ્યો છે ત્યાં એમાં અસ્તની વાતો થવા લાગી છે. જેમ કે, જાયન્ટ એચપી કંપની તો જાણે અત્યારથી જ ટેબ્લેટ-રેસમાંથી હટી ચૂકી છે અને એવું લાગી રહ્યું છે કે એસર, ડેલ અને એસસ જેવી કંપનીઓ પણ ટેબ્લેટબજારમાંથી કદાચ ખસી જશે. વળી, આ ટેબ્લેટ શું છે એ હજુ આપણે સમજીએ એ પહેલાં તો અલ્ટ્રાબુકના પડઘમ વાગી રહ્યા છે. અલ્ટ્રાબુક શું છે? અલ્ટ્રાબુક એટલે કી-બોર્ડ સાથેની ટેબ્લેટ વત્તા અત્યંત પાતળું લેપટોપ વત્તા પળવારમાં શરૂ થતી (ઇન્સ્ટન્ટ સ્ટાર્ટ) નેટબુક વત્તા પ્રીમિયમ લકઝરી ફીચર્સ ધરાવતી નોટબુક...
ન સમજાયું? વાંધો નહીં, મનેય બરાબર નથી સમજાયું. મુદ્દો અલ્ટ્રાબુકનો નથી, અલ્ટ્રાસ્પીડ (જાલીમ ઝડપ)નો છે. પરિવર્તન કાતિલ ઝડપે થઈ રહ્યાં છે. પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ જેવી અડીખમ લાગતી ટેક્નોલોજી પણ ક્યારે ‘હદ-પાર’ થઈ જાય, કહેવાય નહીં. માટે, જાગતાં રહેવું, ચેતતાં રહેવું. અગાઉ આપણે ગમતાં ગીતો વીણી વીણીને કેસેટમાં ભેગાં કરતાં, પણ આજે કેસેટ પ્લેયર્સના અભાવે પેલી પ્રાણપ્યારી કેસેટો ધૂળ ખાઈ રહી છે. એ જ રીતે અતિ પ્રિય સીડી-ડીવીડી-બ્લૂ રે ડિસ્ક કાલે ઊઠીને ઓપ્ટિકલ ડ્રાઈવના અસ્તને કારણે રઝળી પડે એ શક્ય છે. એટલે સીડી પરની મહત્વની સામગ્રી નવા ગેજેટ્સમાં સંઘરી લેવી સારી. કાલ કોણે દીઠી છે? જમાનો તેજ છે. કશું ટકતું નથી. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. આ બધું તમે જાણો જ છો એ હું જાણું છું, મગર ફિર ભી... કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ.