ગરીબો ભૂખે મરે અને બીજી તરફ અનાજ ગોડાઉનોમાં સડે એવું તો ભારતમાં જ બને
ગરીબવિરોધી સરકાર અને તેના કૃષિ મંત્રીની દાનત પર સુપ્રીમ કોર્ટે ડાબા હાથની અડબોથ લગાવીને લાખો ભૂખ્યાંજનોના ભડભડતા જઠરાગ્નિની આગનો જોરદાર પડઘો પાડ્યો છે. દેશનાં સરકારી ગોડાઉનોમાં સડી રહેલા અનાજને ગરીબોમાં મફત વહેંચી દેવું જોઈએ એવો આ દેશ સુપ્રીમ કોર્ટે પીયુસીએલની એક જાહેર હિતની અરજીની સુનાવણીમાં કરીને કેન્દ્ર સરકારને સાચો રાહ ચિંધ્યો હતો. પરંતુ તેના નિંભર કૃષિ મંત્રી શરદ પવારે આ આદેશને માત્ર એક સૂચનમાં ખપાવીને આવું સંભવિત નથી એવું જડતાથી કહીને ગરીબવિરોધી માનસિકતા દેખાડી.
એટલે સુપ્રીમ કોર્ટે પોતાની વાત કોઈ સૂચન નહીં પણ આદેશ હોવાનું કડકાઈથી કહેતાં સરકારના મોતિયા મરી ગયા છે. સંસદમાં પણ વિપક્ષોએ ગોડાઉનોમાં સડતા અનાજને મામલે સરકારને આડે હાથ લઈને ગરીબોની લાગણીનો પડઘો પાડ્યો છે. એક તરફ લાખો ગરીબો ભૂખે મરતા હોય અને બીજી તરફ સરકારી ગોડાઉનોમાં અનાજ સડતું હોય એવી શરમજનક સ્થિતિ તો આપણા દેશમાં જ સંભવિત છે. સરકારને સુપ્રીમના ઉપરોકત આદેશની જાણે કોઈ પડી જ નથી, કારણ કે સુપ્રીમે જ્યારે આદેશ કર્યો ત્યારે સરકાર તો સાંસદોના પગારોને તોતિંગ બનાવવાની કસરતમાં પડી હતી.
કૃષિ મંત્રીની પ્રજાવિરોધી અને સટ્ટાખોરીને ઉત્તેજન આપતી નીતિઓને કારણે આજે અનાજ અને બીજી ખાદ્ય ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. એક અંદાજ મુજબ સરકારી ગોડાઉનોમાં ૧૧૭૦૦ ટન અનાજ સડી ગયેલું છે. ખુદ એફસીઆઈના આંકડા કહે છે કે છેલ્લા બે વર્ષમાં ૩૫ મેટ્રિક ટન અનાજ ગોડાઉનોની પૂરતી સુવિધા વિના સડી ગયું છે. ગોડાઉનોની પહોંચ નહોતી તો આટલું અનાજ ખેડુતો પાસેથી સસ્તા ભાવે ખરીદવાની શી જરૂર હતી.
આ જ અનાજ જો ખુલ્લા બજારમાં હોત તો ખેડૂતોને ભાવ મળતાં અને ફુગાવો પણ ઘટતો. શરદ પવાર આઈપીએલ અને આઈસીસીનાં બખડજંતરો તેમજ પાકિસ્તાનના સટ્ટાખોર ખેલાડીઓ સામેની તપાસની પળોજણોમાંથી નવરા પડે તો દેશની ખેતી અને અનાજ પુરવઠાની હાલત પ્રત્યે ધ્યાન આપી શકે ને! આ તો સુપ્રીમ કોર્ટ સારી છે કે એના આદેશના અનાદર બદલ પવાર સામે પગલાં ભરતી નથી. પવારની નીતિઓ જો સખણી હોત તો અનાજ સસ્તું હોત અને ખેડૂતોએ આપઘાત ન કરવા પડતા. પવારની નીતિઓથી તો ખુદ મનમોહનસિંહ પણ ત્રાસેલા છે.