સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એચ. કાપડિયાની ચેમ્બરમાં ઐતિહાસિક નિર્ણય લખાઈ રહ્યો હતો ત્યારે ભોપાલને ઝેરી ગેસની ચેમ્બર બનાવનારા ગુનેગારોમાં ગભરાટ હતો. કાયદાને તો ઠીક, ખુદ સુપ્રીમ કોર્ટને પણ ગેરમાર્ગે દોરનારા આ વગદારોએ વિચાર્યું પણ નહીં હોય કે તેમને ફરી કઠેડામાં ઊભા રાખવામાં આવશે. તેઓ જ નહીં, કાયદાવિદોએ પણ ૧૩ જુન, ૨૦૧૦ના રોજ ‘ભાસ્કર’ના એ વલણની મજાક ઉડાવી હતી જેમાં સ્પષ્ટ કહેવાયું હતું કે ‘સમગ્ર દેશ ભોપાલની સાથે, પ્રવાહ બદલાશે : ચાહે સરકાર કેસ ખોલે કે સુપ્રીમ કોર્ટ’. એ જાણીને આ વાત કહેવામાં આવી હતી કે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસજિર હેઠળ સ્પષ્ટ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી દાખલ કરાયેલી અપીલ પણ જો ફગાવી દેવામાં આવે તો તે કેસને ફરી ખોલી શકાય નહીં આવું સખત વલણ કોઈ લાગણીમાં આવીને લેવાયું ન હતું. શાહબાનો કેસથી લઈને કેરળ-તમિલનાડુ ડેમ વિવાદનાં ઉદાહરણો આપીને આ તર્ક મૂકવામાં આવ્યો હતો કે સરકાર ઈચ્છે તો બધું જ કરી શકે છે. જ્યાં ૧૫,૦૦૦ લોકોનાં મોતનો મામલો હોય અને સુપ્રીમ કોર્ટ જો તેને ‘વાહન અકસ્માતમાં લાગુ પડતી હોય તેવી કલમ’ લાગુ કરવાની બર્બરતાપૂર્વકની ભૂલ કરી નાખે, અને તો પણ બધા ચૂપ બેસી રહે તો એવા સમાજમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ જાય.
‘ભાસ્કર’એ આ ઉદ્દેશ સાથે એક અભિયાન ‘ભોપાલ લઈને રહેશે ન્યાય’ શરૂ કર્યું. આ અભિયાન હેઠળ જ પોણા બે લાખ લોકોએ તેમના સાંસદો અને સુપ્રીમ કોર્ટને પોસ્ટ કાર્ડ મોકલ્યાં. ૭૫ સાંસદોએ સરકારને પત્ર લખ્યા, જવાબ તૈયાર કર્યા, રાષ્ટ્રવ્યાપી ચર્ચા છેડાઈ ગઈ. અને શરૂઆત થઈ ગઈ ન્યાયની. ન્યાય માત્ર ભોપાલને જ નથી જોઈતો. સમગ્ર દેશને જોઈએ છે.
ખાસ કરીને તો ખુદ સુપ્રીમ કોર્ટ માટે જ આ કેસ ખોલવો જરૂરી છે, કારણ કે જેના દળદાર પુસ્તકો અને ગાંભીર્યથી ભરેલાં ન્યાયમૂર્તિઓને ૧૯૯૬ના ચીફ જસ્ટિસ એ.એમ. અહેમદીના ચુકાદાનો બોજ સતત વહન કરવો પડી રહ્યો છે અને તેઓ પણ આ કલંકને દૂર કરવા માગતા હશે અને એન્ડરસન પણ આ અરજીની જેમ મૌન નહીં રહે.
જ્યારે જ્યારે પણ ન્યાયના સર્વોચ્ચ આસન પર બેઠેલી વ્યક્તિ ભયાનક ભૂલ કરે છે ત્યારે ઈતિહાસ તેને માફ નથી કરતો. દોઢસો વર્ષ જુના અમેરિકન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રોજર ટેનેનો કિસ્સો છે જે સમા’ જ નથી થતો. તેમણે ગુલામો અંગેના ડ્રેડ સ્ટોક કેસમાં ચુકાદો આપતા કહ્યું હતું કે આફ્રિકન મૂળની કોઈપણ વ્યક્તિ અમેરિકન નાગરિક બની જ ન શકે. તેઓ ગુલામ છે. અમેરિકન બંધારણ પણ તેની રક્ષા નહીં કરે અનેસંસદને પણ આ ગુલામી પ્રથા સમા’ કરવાનો કોઈ હક નથી. રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને આ ચુકાદાની વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું અને કહ્યું હતું કે આમ થશે તો લોકતંત્રનું જ મોત થઈ જશે. સમય એવો આવ્યો કે અમેરિકાને તેનો બોધ થઈ ગયો અને આજે આફ્રિકન મૂળના જ એક અશ્વેત તે દેશના રાષ્ટ્રપતિ છે.
કોઈપણ અદાલત માનવતાથી ઉપરવટ ન જઈ શકે. ભોપાલે આ જ બોધપાઠ બલિદાન આપીને શીખવ્યો છે. આશા રાખીએ કે ન્યાયની આ બેન્ચ હવે ન્યાય કરશે.