પી.જી. વુડહાઉસની કથાઓનો હીરો બર્ટી વુસ્ટર એક બેફિકરો, અસાવધ અને મોજમજામાં ડૂબેલો યુવાન છે. એનો ચાકર જીવ્ઝ ખૂબ બુદ્ધિમાન અને મિતભાષી છે. ખાનદાની શ્રીમંત બર્ટી વણજોઈતા ઝમેલામાં સપડાતો રહે છે અને ખાનદાની નોકર જીવ્ઝ તેને બચાવતો રહે છે. હિન્દુસ્તાની ફિલ્મોના હીરોનો સેવક મૂર્ખ હોય છે, પણ એના મિત્ર પ્રત્યે એની નિષ્ઠા હંમેશા રહે છે.
દિલીપકુમારની સાથે બટકા મુકરી રહેતા હતા, ગુરુદત્તની સાથે જોની વોકર, શમ્મી કપૂરની સાથે રાજેન્દ્રર નાથ. મહેમૂદની સાથે ધૂમાલ અને શાહરુખ ખાનની સાથે જોની લિવર એક ટીમ જેવા રહેતા હતા. બિચારા અનુપકુમાર તેના બે સ્ટાર ભાઈની સાથે તેમની સાઈડ કિક તરીકે ભૂમિકા કરતા હતા. આ પ્રકારનાં પાત્રોનું આવું નામકરણ પણ અપમાનજનક છે.
આપણી ફિલ્મોમાં પણ ખલનાયકની સાથે આ પ્રકારનાં પાત્રો રચવામાં આવ્યાં છે, જેમ કે ગબ્બરસિંહની સાથે સાંબાનું પાત્ર. ટેલિવિઝન સિરિયલ ‘લાપતાગંજપ્તમાં પણ યુવાન બિજિની સાથે સાઈડ કિક છે, જે હીરોની ભરપૂર મદદ છતાં તેની સાથે માર અને ગાળો ખાતો રહે છે.
જીવનમાં દોસ્તોના જુથમાં પણ ઢીલો-નબળો સાઈડ કિક હોય છે. આ પાત્ર લોકપ્રિય કહેવત ‘ગરીબની જોરુ, સહુની ભાભી’ જેવું હોય છે. મિત્રોની ટોળકી માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવી, પિકનિકમાં શેતરંજી બિછાવવી વગેરે નોકરનાં કામો આ વ્યક્તિ કરે છે. કોલેજમાં હીરો જેવા ધાંસુ વિદ્યાર્થીની સાથે તેનો આજ્ઞાકારી ને વફાદાર મિત્ર હોય છે. અનેક ધંધામાં પણ જુનિયર ભાગીદાર હોય છે તેને ફાળે તમામ દોડધામ અને બોજો રહે છે, પણ તેનો બધો જશ સિનિયર ભાગીદારને મળે છે. આ પ્રકારની સાઈડ કિક કુટુંબોમાં પણ હોય છે.
આખી જિંદગી બે નંબર કે ઉપેક્ષિત રહેવાનું કોઈ સ્વીકારે? શું એ ખરેખર નબળો કે ઢીલો છે? ધુત્કાર મેળવવાનું કે મજાક ઉડાવાય તે કોઈને ગમે ખરું? શક્ય છે કે, આ પ્રકારના વિચાર પાછળ ફક્ત અસલામતીની ભાવના છે કે આપણે કોઈની પાછળ રહીશું તો એ આપણી રક્ષા કરશે.
આજે ફિલ્મોમાં સાઈડ કિકનું પાત્ર બહુ ઓછું આલેખવામાં આવે છે, કારણે કે સ્ટાર હીરો પોતે જ કોમેડી કરે છે. દરેક મામૂલી નેતા પાસે પણ તેની પોતાની સાઈડ કિક હોય છે. ધર્મના ક્ષેત્રમાં પણ ગુરુઘંટાલોનાં ચરણોમાં સાઈડ કિક લેટયા રહે છે. સ્ટાર લોકો વાસ્તવિક જીવનમાં તેની આસપાસ સાઈડ કિક ચોક્કસ જ રાખે છે. દરેક સફળ વ્યક્તિને એક ‘પંચગિ બેગ’ની જરૂર પડે છે, તેને જરૂર પડે એ બેગને ફટકારતો રહે છે.