આજકાલ ફિલ્મ બનાવવાથી વધુ ખર્ચ એ ફિલ્મના માર્કેટિંગમાં કરાય છે અને કમાણીની નવી નવી કેડીઓ કંડારાય છે. એ રીતે હવે એવી ખબર મળી છે કે શાહરુખ ખાન તેની નવી ફિલ્મ ‘રા.વન’માં પ્રસ્તુત પાત્રોની અનુકૃતિ જેવાં, રમકડાં બજારમાં મૂકશે.
સ્ટિવન સ્પિલ બર્ગે તેમની ફિલ્મ ‘જુરાસિક પાર્ક’ માટે કર્યું હતું એવું શાહરુખ કરવા માગે છે. અગાઉ ભારતમાં બોની કપૂરે પોતાની ફિલ્મ ‘રૂપ કી રાની, ચોરોં કા રાજા’ માટે આવો પ્રયાસ કર્યો હતો પરંતુ ફિલ્મની નિષ્ફળતાને લીધે એ રમકડાં ગોડાઉનમાં જ પડી રહ્યાં.
આપણા ફિલ્મઉદ્યોગમાં સફળ ફિલ્મ બનાવનારી કંપનીનો પટાવાળો પણ ગર્વથી ચાલવા માંડે છે અને નિષ્ફળ ફિલ્મનો નિર્માતાયે પટાવાળા જેવો દેખાવા માંડે છે. જોકે, શાહરુખ ખાનની અત્યાર સુધીમાં સૌથી વધુ મૂડીરોકાણવાળી ફિલ્મ ‘રા.વન’ સાયન્સ ફેન્ટસી છે. આવી ફિલ્મોનાં રમકડાં ખૂબ લાભ કરાવીને ફિલ્મની સફળતામાં યોગદાન આપી શકે છે.
આજનું બજાર જાણે છે કે બાળકોનાં સ્વપ્નો અને જિદની સામે પ્રેમાળ માતા-પિતા તેમના ઘરના બજેટમાં ફેરફાર કરીને બાળકોને ખુશ કરવા કંઈ પણ કરી શકે છે. તેથી ચાલાક અને લુચ્ચા-ધૂર્ત બજારુ પરબિળો શાળાનાં દફતરો અને વોટર બોટલ્સ પણ અવનવી ડિઝાઇનોના બનાવે છે અને તેમના ભાવ એટલા વધારે રાખે છે કે માતા-પિતાના બજેટનાં ટાયર પંકચર થઈ જાય, હવા નીકળી જાય.
હલકટપણાની હદ એવી છે કે ફક્ત પુસ્તકો અને પાણી લઈ જવા માટે સરળ ઉપયોગી અને સસ્તો સામાન બજારમાં શોધતાંયે મળતો નથી. શિક્ષણ સાથે સંબંધિત બધા વેપારોમાં વાલીઓને ઠગવામાં આવે છે. આસમાની સુલતાની ફી લેતી સંસ્થાઓ તેમના વિદ્યાર્થીઓ માટે પીવાના શુદ્ધ પાણીનીયે વ્યવસ્થા કરી શકતી નથી. તેને લીધે સમાજમાં બિનજરૂરી અને અનશ્વર (માટીમાં ભળીને નાશ પામી ન શકે એવા) પ્લાસ્ટિકનો પ્રસાર વધે છે.
હવે શાહરુખ ખાન તો હોલિવૂડની ટક્કરની વિજ્ઞાન ફેન્ટસી ફિલ્મ રચવા તત્પર છે. અમેરિકામાં દર્શકોનો ફિલ્મો માટે સૌથી મોટો વર્ગ પાંચ વર્ષથી પંદર વર્ષની ઉંમરનો છે. આપણે ત્યાં પાંચથી પંચોતેર વર્ષ સુધીની ઉંમરના લોકો ફિલ્મો જુએ છે અને તેમની રુચિ પણ બાળકો જેવી હોય છે. તેથી શાહરુખ ખાનને ભવ્ય સફળતા મળી શકે.
રિતિક રોશન પણ સાયન્સ ફેન્ટસીઓ ‘‘કોઈ મિલ ગયા’’ અને ‘‘ક્રશિ’’ દ્વારા બાળદર્શકોની નાવડી પર બોક્સઓફિસનો ભવસાગર પાર કરી ગયો હતો. હવે શાહરુખ ખાન એ જ ક્રિયા ભવ્યત્તમ રીતે મોટા
પાયે કરવાનો છે. ‘‘માય નેમ ઇઝ ખાન’’ની દુર્ઘટના ભુલાઈ ગઈ છે. હવે શાહરુખ નવી ઇનિંગ ખેલશે.