નિર્માતા આદિત્ય ચોપડા અને દિગ્દર્શક પ્રદીપ સરકારની ફિલ્મ ‘લફંગે પરિંદે’નું નામ પ્રતિકૂળ સંજોગોમાં વિકસતી પ્રેમકથા અને શારીરિક ઊણપો સામે યુદ્ધની પરાકાષ્ઠાની ટોચરૂપ ભાવનાનો અણસાર આપતું નથી. જેમ પ્રદીપ સરકારે પોતાની અન્ય ફિલ્મ માટે ‘લાગા ચુનરી મેં દાગ’ શીર્ષક કબીરના દોહામાંથી પસંદ કર્યું હતું, એ રીતે આ ફિલ્મનું શીર્ષક અથવા નામ પણ કબીરની રચના ‘અંખિયન દેખી’ અથવા શૈલેન્દ્રના ગીત ‘મત રહેના અંખિયન કે સહારે’ પરથી રાખી શકાયું હોત.
આ સંવેદનશીલ ફિલ્મની કથાનો આધાર નાયકે અનિચ્છાએ કરેલો અપરાધ, અપરાધબોધ (ગિલ્ટી કન્સાયન્સ), મુક્તિ અર્થે પશ્વાતાપ અને પ્રાર્થનાની જેમ કરાયેલો પ્રેમ છે. દીપિકા પાદુકોણનો આ અતિ ઉત્તમ પ્રયાસ છે અને સ્કેટિંગનાં દ્રશ્યોમાં તો એ કુશળ ચેમ્પિયન જેવી દેખાય છે. નીલ નીતિન મુકેશ મહેનત તો કરે છે, પણ તેનો અજબ ગોરો વાન ન જાણે કેમ આક્રમક દેખાય છે. આવું ધોળું ફરફરતું ગોરાપણું એક પ્રકારની હિંસા છે. હજુ તે એ બાબત સમજી રહ્યા છે કે ‘અભિનય માટે પરિશ્રમ જરૂરી છે, પણ એ પરિશ્રમ અભિનયમાં વચ્ચે આમતેમ અફળાવો એટલે કે નજરે ચડવો ન જોઈએ.
કદાચ નીલનું અધકચરું સ્ટાર સ્ટેટસ આ ફિલ્મને પૂરો ન્યાય નહીં અપાવે. આ હૃદયસ્પર્શી પ્રેમકથાના નાયકને સ્ટ્રીટ ફાઈટર દર્શાવાયો છે. આખા ભારતમાં ક્યાંય આવો ધંધો ચાલતો નથી. આ બાબત હોલિવૂડથી ઉઠાવી છે, પરંતુ અમેરિકામાં પણ આવો કોઈ જીવલેણ ધંધો હોતો નથી. આ તો હોલિવૂડની પોતાની શોધ છે અને ફિલ્મોમાં મળેલી લોકપ્રિયતા બાદ ગરીબ શ્યામવર્ણ-હબસી વસાહતોમાં આ ખેલ શરૂ થઈ ગયો. આપણે ત્યાં મનમોહન દેસાઈએ અમિતાભ બચ્ચનનો સૂર્ય મધ્યાહ્ને હતો એ દિવસોમાં ફિલ્મ ‘નસીબ’માં આ ‘ખેલ’નો ઉપયોગ કર્યો હતો.
આ ફિલ્મની ઝીણવટભરી બાબત એવી છે કે નાયકની ભૂલને લીધે નાયિકા આંધળી થઈ છે અને એ ગુનો કર્યાની ભાવના એટલે કે અપરાધબોધથી મુક્તિ માટે નાયક હંમેશાં નાયિકાને મદદરૂપ થાય છે. પરંતુ એ પ્રક્રિયામાં બન્ને વચ્ચે ખરો પ્રેમ પાંગરે છે ને સ્વાભિમાની નાયિકાના ગર્વને ઠેસ લાગે છે. સંવાદો વાંકીચૂંકી ગલીઓમાં ઊડતી ધૂળ જેવા સ્વાભાવિક છે અને એ હસાવતાં-રડાવતાં રહે છે. જેમના દિમાગમાં કીડો સળવળતો રહેતો હોય એ લોકો જ કંઈક અવનવું કરી શકતા હોય છે.
હૃદયની દ્રષ્ટિએ જોઈએ તો પ્રેમની પ્રસ્તુતિ પણ સાર્થક છે. નાયક, અંધ નાયિકાને અવાજ, સૂંઘવાની શક્તિ અને સ્પર્શ દ્વારા દ્રષ્ટિ કેળવવાનું શિક્ષણ આપે છે, એ દ્રશ્યો પણ કમાલના છે. પછી નાયિકા ઠોઠની જેમ સખત વ્યક્તિને નૃત્યની તરલતામાં ફેરવવાની કોશિશ કરે છે. આ ફિલ્મ એક કવિતા જેવી છે પરંતુ અપરાધ, ગુનાખોરીના વાતાવરણની આભા-ગંધ એ કાવ્યાત્મકતાને ઘટાડે છે. પ્રાયશ્વિતની પ્રક્રિયામાંથી જન્મેલા પ્રેમને બિરદાવી શકાય, પરંતુ આજકાલના ફિલ્મ વ્યવસાયની સ્ટંટબાજીમાં આ ‘લફંગો’ ક્યાંકને ક્યાંક વામણો દેખાય છે .