Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Vidyut Thakar
 

રાજતિલકનું શુભમુહૂર્ત-૨૦૧૪?

 
Source: Vidhyut Thakar   |   Last Updated 12:41 AM [IST](25/08/2010)
 
 
 
 
 
મનમોહનસિંહ નબળા અને નિ:સહાય શાસક હોવાની છાપ વધુ દ્રઢ થતી જઈ રહી છે. પ્રણવ મુખરજી પણ નિવૃત્તિના માર્ગે જવાનું કહી ચૂક્યા છે ત્યારે વડાપ્રધાનપદ માટે રાહુલ ગાંધીના નામના ઇશારા સ્પષ્ટ થઈ રહેલા જણાય છે. તે માટે તેમને તાલીમ આપીને તૈયાર પણ કરાઈ રહ્યા છે, આમ છતાં મનમોહનસિંહના અનુગામી બનવામાં રાહુલ ગાંધીના માર્ગમાં અવરોધો પણ છે. ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસ ૨૭૨નો જાદુઈ આંકડો પાર કરી શકશે?

૧૯૯૮ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનું સૂત્ર હતું ‘રાજતિલકની કરો તૈયારી, આ રહે હે અટલબિહારી...’ પરંતુ કોંગ્રેસ પક્ષ માટે આવાં કોઈ સૂત્રનું વજૂદ નથી કારણ કે વડાપ્રધાનપદ માટે આમ કોંગ્રેસીએ નેહરુ-ગાંધી વંશના દૈવી અધિકારને સર્વસ્વીકૃતિ આપી દીધી છે. અનિવાર્ય સંજોગોમાં નરસિંહરાવ કે ડૉ.. મનમોહનસિંહ જેવાની વરણી થતી રહી છે પરંતુ આ બિન-નેહરુવંશી વડાપ્રધાનો કોંગ્રેસ પક્ષની નજરે રખેવાળ વડાપ્રધાનો મનાતા રહ્યા છે. ડૉ.. મનમોહનસિંહનો રખેવાળીનો કાર્યકાળ પૂરો થઈ રહ્યાના સ્પષ્ટ સંકેતો મળવાની સાથોસાથ વડાપ્રધાનપદ માટે પક્ષ જેને અધિકૃત ઉમેદવાર માને છે તેવા રાહુલ ગાંધીના રાજતિલકના પણ સાફ ઇશારાઓ થઈ રહ્યા છે.

તાજેતરમાં ‘ઇન્ડિયા ટુડે’માં પ્રસિદ્ધ થયેલા એક સર્વેક્ષણમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતાના ૨૯ આંક સામે ડૉ.. મનમોહનસિંહની લોકપ્રિયતાનો આંક માત્ર ૧ દર્શાવવામાં આવ્યો હતો. દરમિયાન ૨૦૦૯ની સામાન્ય ચૂંટણીમાં વિજયી થઈ યુપીએ-ર સરકારે પુન: સત્તા સંભાળ્યા પછી કાશ્મીર, નકસલ સમસ્યા કે મોંઘવારી જેવા પ્રશ્નોમાં સરકારની જે નાલેશી થતી રહી છે તે પછી વડાપ્રધાન તરીકે ડૉ.. સિંહ એક નબળા અને નિ:સહાય શાસક હોવાની છાપ વધુ ને વધુ દ્રઢ થતી રહી છે. આ સાથે ૨૦૧૪ની ચૂંટણી પોતે લડવાના નથી તેવો સ્પષ્ટ સંદેશો આપી ચૂકેલા પ્રણવ મુખરજી પણ નિવૃત્તિના માર્ગે જઈ રહ્યા છે ત્યારે ૨૦૧૪ પછીના રાજકારણનો વિચાર પક્ષે કરવો રહ્યો.

આમ પણ છેલ્લા કેટલાય સમયથી વડાપ્રધાનપદની ભાવિ જવાબદારી ઉઠાવવા રાહુલ સક્ષમ બની જાય તે માટે કેન્દ્રીય મંત્રીમંડળમાં તેમને સામેલ કરી પ્રશાસનીય તાલીમ આપવાના પ્રયાસો થતા રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસી નેતા મણશિંકર ઐયર સહિત વિવિધ ક્ષ્ક્ષેત્રના લગભગ ત્રણ ડઝન જેટલા તજ્જ્ઞો તથા નિષ્ણાતો રાજકારણ, અર્થકારણ, સામાજિક સમસ્યાઓ અને અન્ય રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું ટ્યૂશન રાહુલ ગાંધીને આપતા રહ્યા છે કે જેથી તેઓ વડાપ્રધાનની જવાબદારી માટે તૈયાર થઈ જાય! છેલ્લા દાયકાથી તેઓ સાંસદ હોવા છતાં લોકસભાની ચર્ચાઓ દરમિયાન ભાગ્યે જ મોં ખોલતા રહ્યા છે ત્યારે તેમની બૌદ્ધિક ક્ષમતા, પ્રશાસનીય સમજ કે નેતૃત્વની ઊંડાઈ માપણી લગભગ અશક્ય બની રહે છે. એક સમાચાર પ્રમાણે વર્ષોથી લોકસભામાં બેસતા આ યુવા સાંસદે માત્ર ચાર પ્રસંગોએ જ ચર્ચામાં ભાગ લીધો છે!

રાહુલ ગાંધી પોતાની રાષ્ટ્રીય પ્રતિભા વિસ્તારે રાખવાની વ્યવસ્થિત કવાયતના ભાગરૂપ દલિત ગરીબ મહિલાને ત્યાં ભોજન લે છે. વિકલાંગોને સાઈકલનું વિતરણ કરે છે કે લેહ પર્ણથી કુદરતી આફતનો ભોગ બનેલા પીડિતોને આશ્ચાસન આપે છે તથા પોતાના મતવિસ્તાર અમેઠીમાં ચાલતાં વિકાસ કાર્યોમાં દિલચશ્પી લેતા રહે છે! કોંગ્રસને સંબંધ છે ત્યાં સુધી રાહુલ માતા સોનિયા પછી સર્વોચ્ચ સત્તા તથા સ્થાન ભોગવતા રહ્યા છે અને વડાપ્રધાનપદ માટેના તેમના દાવાનો પ્રતિકાર કે હરીફાઈ પક્ષમાં કોઈ કરી શકે તેમ નથી.

તાજેતરમાં જાણીતા પત્રકાર તથા લેખક ખુશવંતસિંહ કે જેઓ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનું સમર્થન કરવા ઉપરાંત સંજય ગાંધીના પણ ચુસ્ત ટેકેદાર રહ્યા હતા તેઓના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા પુસ્તકમાં ‘રાહુલ તેમના પિતા રાજીવ કરતાં વધારે પ્રતિભા સંપન્ન છે...’ એવું વિધાન કરી ઘણાને આશ્ચર્યમાં પાડી દીધા છે. પરંતુ જાણકારો પ્રમાણે નેહરુ-ગાંધી પરિવારના ભક્ત તરીકે જાણીતા બનેલા આ વિવાદાસ્પદ પત્રકાર રાહુલને વડાપ્રધાનની ગાદી પર બેસાડવાનો જે કાર્યક્રમ નક્કી થઈ ચૂકયો છે તેને આગળ ધપાવવાની જ કાર્યવાહી કરી રહ્યા છે! પરંતુ મનમોહનસિંહના અનુગામી તરીકે રાહુલ ગાંધીને ભારતના વડાપ્રધાનપદે પહોંચવાના માર્ગમાં અવરોધો પણ છે.

૨૦૧૪ની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ ૨૭૨નો જાદુઈ આંકડો પાર કરે તેવા સંકેતો અત્યારે સાંપડતા નથી. વધુમાં ૨૦૦૯ની ચૂંટણીમાં લોકસભાની બેઠકો પ્રાપ્ત કરનાર કોંગ્રેસ પક્ષ માટે સૌથી મોટી કસોટી તેના બે મોટાં રાજ્યો-આંધ્ર અને મહારાષ્ટ્રમાં થવાની છે. ૨૦૦૯ની ચૂંટણીમાં આંધ્રની ૪૨ બેઠકોમાંથી ૩૧ બેઠકો પ્રાપ્ત કરનાર કોંગ્રેસ પક્ષ માટે તૈલંગણના આંદોલન તથા માજી મુખ્યમંત્રીના પુત્ર જગન રેડ્ડીના વિદ્રોહ પછી સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. આવું જ મહારાષ્ટ્રમાં છે.

ગઈ ચૂંટણીમાં ૧૮ બેઠકો પક્ષને મળી હતી પરંતુ ૨૦૧૪માં આનું પુનરાવર્તન શક્ય નથી. ૨૦૦૯ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ૨૩ બેઠકો જીત્યા પછી કોંગ્રેસને ૮૦ બેઠકો ધરાવતા આ રાજ્યમાં વાપસીની આશા જાગી છે. અહીં ૫૦ જેટલી બેઠકો ૨૦૧૪ની ચૂંટણીમાં જીતી શકે તો જ જે ખોટ આંધ્ર, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પડવાની સંભાવનાઓ છે, તે પૂરી શકાય તેમ છે. પરંતુ જે ભૂમિગત વાસ્તવિકતાઓ છે તેમાં માયાવતી અને મુલાયમ ઉપરાંત ભાજપ કોંગ્રેસ પક્ષને ફાળે ૫૦ જેટલી બેઠકો જવા દે તેમ નથી.

આ સંજોગોમાં ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને પોતાના સહયોગીઓ સાથે રહીને પણ ૨૭૨નો આંકડો પાર કરવામાં પારાવાર મુશ્કેલીઓ નડે તેમ છે.આ સાથે ૨૦૧૪માં પણ રાહુલ વડાપ્રધાનની ગાદીએ ન બેસે અથવા તો આ ચૂંટણી પછી પણ કોઈ નવા રખેવાળને ગાદીએ બેસાડવા પડે તેવી પરિસ્થિતિ કોંગ્રેસમાં ચાલી રહેલા નેહરુ-ગાંધી વંશવારસાના રાજકારણ માટે નુકસાનકારક સાબિત થાય તેમ છે અને આથી રાહુલના રાજતિલક માટે ૨૦૧૪થી વધુ સારું મુહૂર્ત કોઈ આવે તેમ નથી!

વિદ્યુત ઠાકર, લેખક પ્રતિષ્ઠિત રાજકીય સમીક્ષક છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.