વરસાદની ઋતુ ચાલતી હતી. એક વૃક્ષ પર ઘણા કાગડા બેઠા હતા. તે અંદરો અંદર લડતા હતા. તે સમયે ત્યાં એક મેના આવી અને વૃક્ષની એક ડાળી પર બેસી ગઈ. હવે કાગડા પોતાનો ઝઘડો બંધ કરીને મેના સાથે ઝઘડવા લાગ્યા. મેનાએ કહ્યું વરસાદ પડવાની તૈયારી છે, મને આજની રાત અહીંયા આશરો આપો કાલે સવારે હું જતી રહીશ. કાગડા માન્યા નહીં. ત્યારે મેના બોલી આ સમગ્ર પૃથ્વી અને પ્રાણીઓ ઈશ્વરનું સર્જન છે.
જો વરસાદ અને કરા પડશે તો આપણી રક્ષા ઈશ્વર જ કરશે. આ સાંભળીને કાગડા બોલ્યા તો પછી ઈશ્વરનું નામ લઈને અહીંથી જતી કેમ નથી. તું અહીંયાથી જતી રહે નહીંતર અમે તને મારી નાખીશું. મેના ત્યાંથી ઊડીને આંબા પર બેસી ગઈ. રાત્રે વાવાઝોડા સાથે જોરદાર વરસાદ પડ્યો અને કરા પણ પડ્યા. કરાના કારણે અનેક કાગડા ઘાયલ થઈને નીચે પડ્યા અને ઘણા મરી પણ ગયા. મેના જે વૃક્ષ પર બેઠી હતી, તેની એક મોટી ડાળી વાવાઝોડામાં તૂટી ગઈ.
તે અંદરથી પોલી હતી તેથી મેના તેની બખોલમાં જતી રહી અને કરાની તેને કોઈ અસર થઈ નહીં. સવારે જ્યારે તડકો નીકળ્યો ત્યાકે મેના ત્યાંથી બહાર આવી અને ઉડી, ત્યારે એક કાગડાએ તેને પૂછ્યું કે તને કરાની અસર ન થઈ, તો તેણે કહ્યું કે હું સતત ભગવાનને યાદ કરતી હતી તેથી સુરક્ષિત રહી. મેનાની વાત સાંભળીને તમામ કાગડા શરમાઈ ગયા. દુ:ખમાં ભગવાન જ પ્રાણીમાત્રની રક્ષા કરી શકે છે.