દેશના બીજા સ્તરનાં મોટાભાગનાં શહેરોમાં કિશોર અને યુવા વર્ગમાં ડાયાબિટીસ અને મેદસ્વીપણાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. જેનું કારણ છે ટેક્નોલોજીવાળાં રમકડાં, જેમ કે ઇન્ટરનેટ અને ટેબલેટનું વધતું ચલણ. તેના વધારે ઉપયોગથી તે કાઉચ પોટેટો બની ગયા છે.
૧૫ થી ૧૮ વર્ષની ઉંમરનાં બાળકોમાં રમત-ગમત સાથે જોડાયેલી ગતિવિધિઓની કમીને દૂર કરવા મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશને આવતા શૈક્ષણિક સત્રથી સ્પોર્ટ્સ અને ફિઝિકલ એજ્યુકેશનને વૈકલ્પિક વિષય તરીકે પ્રસ્તુત કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે તમે જો સ્પોર્ટ્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગો છો તો તમારે અગિયારમા અને બારમા ધોરણમાં સ્પોર્ટ્સ એજ્યુકેશનને અપનાવવું પડશે. હાલ આ વ્યવસ્થા માત્ર મહારાષ્ટ્રમાં જ રહેશે.
આ વિષય લેનારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલમાં પણ લાભ મળશે. તેની મદદથી વિદ્યાર્થીઓ પોતાની રમત પ્રતિભા નિખારીને તેની સાથે જોડાયેલ સૈદ્ધાંતિક બાજુઓને સમજી શકશે. આ અભ્યાસક્રમે સ્કૂલોમાં ફિઝિકલ ફિટનેસની અનિવાર્યતા પ્રત્યે એક નવો વિચાર પેદા કર્યો છે. તેને સ્કૂલ અને કોલેજ પોતપોતાની રીતે વિસ્તારી શકે છે.
સ્પોર્ટ્સ અને ફિઝિકલ એજ્યુકેશનને ભણાવવા માટે બિનપરંપરાગત રીત અપનાવી શકાય છે. જેના દ્વારા જાતે શીખવાની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરી શકાય છે, પરંતુ આ બધા માટે વિદ્યાર્થીઓની સહભાગિતા ખૂબ જરૂરી છે. મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ એજ્યુકેશનના પ્રસ્તાવિત અભ્યાસક્રમના ત્રણ ભાગ હશે. પ્રેક્ટિકલ ૮૦ ગુણનું અને થિયરીના ૨૦ ગુણ. પ્રેક્ટિકલ અંતર્ગત શારીરિક ક્ષમતા પરખાશે, જ્યારે થિયરીને એવી રીતે ડિઝાઈન કરાઈ છે કે, તેનાથી વિદ્યાર્થીઓમાં ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ પ્રત્યે જાગરૂકતા વધશે. હાલમાં ગુજરાતમાં રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આબાલવૃદ્ધ સૌ કોઈ ઉમંગભેર ભાગ લઈ રહ્યા છે.
ફંડા એ છે કે, આગામી સમયમાં સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીનો જબરદસ્ત વિકાસ થશે. શૈક્ષણિક સંસ્થાઓએ આ વિચારને અમલમાં લાવવાની સાથે સાથે સત્તા પ્રતિષ્ઠાનના કેન્દ્રમાં બેઠેલ દરેક વ્યક્તિએ યુવા પેઢીને સ્વસ્થ બનાવવા પહેલ કરવી જોઈએ.