આ કથા આફ્રિકાના જંગલની છે. જેમાં મોટી સંખ્યામાં સહિ રહે છે. શિકારીઓ તેમનું ચામડું મેળવવા માટે જંગલમાં ખાડા ખોદીને સિંહને એમાં કેદ કરીને મારી નાખે છે. એક વાર શિકારીઓએ આવો જ એક ખાડો ખોધ્યો અને તેને ઢાંકી દીધો. રાત્રે એક સિંહ તેમાં પડી ગયો.
એજ સમયે બીજો એક શિકારી ત્યાંથી પસાર થયો. તેણે જોયું કે ખાડામાં પડેલો સિંહ વારં-વાર કૂદકા મારીને ખાડામાંથી બહાર આવવા પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ ખાડાની ચારેય બાજુ લગાવેલી અણીદાર લાકડીઓ તેને વાગે છે અને તે ફરી ખાડામાં પડી જાય છે. શિકારીને સિંહ પર દયા આવી જાય છે. તેણે એક દોરડામાં બે લાકડીઓને બાંધી અને ઝાડ પર ચઢી ગયો. ઝાડ પરથી દોરડું ખેંચીને તેણે લાકડીઓ ઉખાડી નાંખી. વચ્ચેથી લાકડીઓ એટલા માટે ન કાઢી કે કદાચ સિંહ ખાડામાંથી નીકળ્યા પછી ખુદ એને જ ન મારી નાંખે.
શિકારીની મદદથી સિંહ બહાર આવી ગયો. થોડા જ દિવસો બાદ શિકારી વનમાં સૂતો હતો અને ત્યાં જ એક ચિત્તાએ શિકારી પર હુમલો કરી દીધો. ચિત્તો તેને મારી જ નાંખવાનો હતો કે ત્યાં જ એક સિંહે આવીને ચિત્તા પર આક્રમણ કરી ચિત્તાને મારી નાંખ્યો. શિકારી સમજી ગયો કે ચિત્તાને માર્યા પછી સિંહ હવે તેને મારશે, પરંતુ સિંહ શિકારીની સામે બેસીને પૂંછડી હલાવવા લાગ્યો. શિકારી સમજી ગયો કે આ એ જ સિંહ છે જેને તેણે ખાડામાંથી બહાર કાઢ્યો હતો. શિકારીએ પ્રેમથી સિંહના માથે હાથ ફેરવ્યો અને પછી પોતાના રસ્તે ચાલતો થયો. ઉપકારના બદલે પરોપકારની ભાવનાથી જ સાચા અર્થમાં સૌમનસ્ય ઉપજે છે, જેના થકી સમાજનું નૈતિક બળ વધે છે.